Tue Jun 23 2026

Logo

ગુજરાતના 41 તાલુકામાં વરસાદ, ભાવનગરમાં સૌથી વધુ પોણા બે ઇંચ વરસાદ

2026-06-22 20:50:19
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં સત્તાવાર ચોમાસાને હજુ પણ વાર લાગી શકે તેવા સંકેતો છે, જો કે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો. સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 41 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. રાજ્યના 16 તાલુકામાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. ભાવનગરમાં સૌથી વધુ 1.85 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે સુરતના ઉમરપાડામાં 1.77 ઇંચ અને નર્મદાના સાગબારા તાલુકામાં 1.54 ઇંચ વરસાદ પડ્યો હતો.  

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 41 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જે પૈકી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કુલ 16 તાલુકામાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં ભાવનગરમાં સૌથી વધુ 1.85 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ઉમરપાડામાં 1.77 ઇંચ, સાગબારામાં 1.54 ઇંચ, ઉકાઈમાં 1.26 ઇંચ, વલસાડમાં 1.18 ઇંચ, અરેઠમાં 1.02 ઇંચ, અંબિકામાં 0.98 ઇંચ, સોનગઢમાં 0.79 ઇંચ, વઘઇમાં 0.75 ઇંચ, જેસરમાં 0.67 ઇંચ, ચીકદામાં 0.63 ઇંચ, કપરાડામાં 0.63 ઇંચ, સુરતમાં 0.59 ઇંચ, પારડી અને વાલોડમાં 0.55 ઇંચ તેમજ ખેરગામમાં 0.51 ઇંચ વરસાદ પડ્યો હતો. 

હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, આવતીકાલે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને કલાકના 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વાવાઝોડા સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ ઉપરાંત, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે હળવા પવનની ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.