Thu Aug 27 2026

Logo

18 મહાનગરપાલિકાઓના જંગની તૈયારી, વહીવટદારોના શાસન વચ્ચે પીએમ મોદીના આગમન પર મીટ!

2026-03-13 09:59:00
Author: Mayur Patel
18 મહાનગરપાલિકાઓના જંગની તૈયારી, વહીવટદારોના શાસન વચ્ચે પીએમ મોદીના આગમન પર મીટ!

 

અમદાવાદઃ ગુજરાતની 8 મહાનગરપાલિકાઓની મુદત સોમવારે પૂર્ણ થઈ હતી. તેથી આ સંસ્થાઓનું સંચાલન કરવા માટે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યની નવ નવી નગરપાલિકાઓ સહિત 18 નગરપાલિકાની ચૂંટણી એપ્રિલ મહિનાના અંતમાં યોજાય તેવી શક્યતા છે. સૂત્રો મુજબ, સરકાર મે મહિના પહેલા મતદાન પૂર્ણ કરવા માગે છે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, એકવાર જાહેરનામું બહારપડી ગયા બાદ ઉમેદવારો પાસે ઉમેદવારી પત્ર ભરવા માટે પખવાડિયાનો સમય હશે અને ત્યારબાદ મહિનાના અંત પહેલા મતદાન યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 30 માર્ચની  ગુજરાત મુલાકાત બાદ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ શકે છે. 

પીએમ મોદી નવનિર્મિત વાવ-શરાદ જિલ્લામાં જાહેરસભાને સંબોધિત કરે તેવી શક્યતા છે. કૉંગ્રેસના એક માત્ર સાંસદ ગેનીબેન ઠાકોર આ જિલ્લાના છે, તેથી પીએમની મુલાકાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો માટે રાજકીય રીતે  મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

રાજકીય વિશ્લેષકોના મતે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને તૈયારી માટે ઓછો સમય મળે તેથી ભાજપ વહેલી તકે ચૂંટણી યોજવા  દબાણ કરી રહ્યું છે. શહેરી વિસ્તારોમાં ભાજપ મજબૂત જનસમર્થન ધરાવે છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ તમામ સીટ પર ઉમેદવારો રાખવાની જાહેરાત કરી છે, તો કોંગ્રેસે  પસંદગીમાં પારદર્શિતા લાવવા ક્યુઆર કોડના માધ્યમથી ઉમેદવારી નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે.

અમદાવાદનું શું છે ગણિત

 અમદાવાદમાં ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરી 2021માં યોજાઈ હતી. શહેરના  48 વોર્ડમાં કુલ 192 બેઠકો છે. જેમાં ભાજપ પાસે 169, કોંગ્રેસ પાસે 25 અને અન્ય પાસે 8 બેઠકો છે.  ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધર્યો હતો. જેમાં અપડેટ થયેલી મતદાર યાદી પર ચૂંટણી યોજાશે.

ગયા જાન્યુઆરીમાં, રાજ્ય સરકારે નવ નવી મહાનગરપાલિકાઓને મંજૂરી આપી હતી. તેમાં પ્રથમ વખત ચૂંટણી યોજાશે. આ નવ પાલિકાઓમાં વાપી, આણંદ, નવસારી, સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ, મહેસાણા, મોરબી, ગાંધીધામ અને નડિયાદનો સમાવેશ થાય છે.

બેઠકોના સમીકરણોમાં ફેરફાર

આ ચૂંટણીઓ પહેલા બેઠકોના રોટેશનની કવાયત અમદાવાદના વોર્ડમાં સમીકરણો બદલી નાખશે. સામાન્ય કેટેગરીની બેઠકો 76 થી ઘટીને 59 થઈ છે, જ્યારે ઓબીસી બેઠકો વધીને 53 થઈ છે. મહિલા અનામત 96 બેઠકો પર છે, જ્યારે એસસીને 20 અને એસટી ને 2 બેઠકો મળી છે. આ ફેરબદલને કારણે ઘણા વર્તમાન કોર્પોરેટરો માટે ફરીથી તે જ બેઠક પર પરત ફરવું મુશ્કેલ બની શકે છે. ઘાટલોડિયા, થલતેજ, વટવા, અસારવા, શાહીબાગ, સરસપુર-રખિયાલ, ખાડિયા, સરખેજ, મખ્તમપુરા, બહેરામપુરા, દાણીલીમડા, ઇન્દ્રપુરી, સોમનાથનગર, ઓઢવ અને વસ્ત્રાલવોર્ડમાં અસર થવાની શક્યતા છે.