અમદાવાદઃ HIVનો ભોગ બનેલી મહિલાને CRPFમાં પ્રમોશન ના અપાતાં ગુજરાત હાઈ કોર્ટે સરકારને તતડાવી હતી. કોર્ટે સરકારનો ઉધડો લેતાં કહ્યું કે, સિવિલ પોસ્ટ પર બીમારીના આધારે પ્રમોશન રોકી શકાય નહીં.
જાણો શું છે સમગ્ર મામલો
CRPFમાં ફરજ બજાવતી HIVગ્રસ્ત મહિલા કર્મચારીને કોર્ટના હુકમ છતાં પ્રમોશન અને એરિયર્સ ચૂકવાયું નહોતું. આ મામલે ગુજરાત હાઈ કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે મંત્રાલયની ભેદભાવપૂર્ણ નીતિની આકરી ઝાટકણી કાઢી હતી. તેમજ જો નિર્ધારીત સમયમાં હુકમનું પાલન નહીં થાય તો કેન્દ્રીય ગૃહ સચિવ સામે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.
મહિલા અરજદારે એડવોકેટ સ્વપ્નેશ્વર ગૌતમ મારફતે CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (મિનિસ્ટ્રીઅલ) પોસ્ટના પ્રમોશન માટેના વર્ષ 2011ના નિયમોને પડકાર્યા હતા. અરજદાર HIVગ્રસ્ત હોવાથી મેડિકલ બોર્ડે તેઓ ‘શેપ-01’ કેટેગરીમાં ન આવતા હોવાનું જણાવી પ્રમોશન અટકાવવામાં આવ્યું હતું. જોકે, અરજદારના જુનિયર્સને પ્રમોશન મળી ગયું હોવાથી હાઇ કોર્ટે અગાઉ પાછલી અસરથી તમામ નાણાકીય લાભ ચૂકવવા હુકમ કર્યો હતો.
કોર્ટના આદેશ છતાં તંત્રે 2016ના બદલે 2019થી પ્રમોશન આપવાની તૈયારી દર્શાવી વિવાદ વકરાવ્યો હતો. તંત્રની દલીલ હતી કે અરજદારનો છેલ્લો મેડિકલ રિપોર્ટ 2018માં આવ્યો હતો. જોકે, અરજદારનો રિપોર્ટ 2015માં પણ થયો હોવાથી અને તેમના જુનિયર્સને 2016માં પ્રમોશન અપાયું હોવાથી તેઓ 2016થી જ હકદાર બનતા હતા. મંત્રાલય દ્વારા રજૂ કરાયેલી મેડિકલ કેટેગરીના નિયમોની દલીલોને હાઇકોર્ટે સદંતર ફગાવી દીધી હતી.
કોર્ટે આકરા શબ્દોમાં ટકોર કરી હતી કે, લડાયક ટુકડીમાં શારીરિક ક્ષમતાની શરતો વ્યાજબી હોઈ શકે, પરંતુ સિવિલ કે મિનિસ્ટ્રીઅલ ડેસ્ક જોબમાં મેડિકલ કેટેગરીના નામે પ્રમોશન રોકવું તદ્દન ગેરબંધારણીય છે. કોર્ટે વેધક સવાલ કર્યો હતો કે હૃદયરોગ કે ડાયાબિટીસ ધરાવતા કર્મચારીઓને કઈ કેટેગરીમાં મૂકશો અને આવા નિયમો પાછળ શું લોજિક છે?
હાઈ કોર્ટે કહ્યું કે, સર્વિસ દરમિયાન HIVનો ચેપ લાગ્યો હોય તો પ્રમોશન ન અટકાવી શકાય. તંત્રનું આ વલણ HIV એક્ટ 2017 તેમજ બંધારણની વિવિધ હેઠળ મળેલા મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે. હાઇ કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પૂર્વગ્રહયુક્ત માનસિકતા છોડી હુકમની યોગ્ય અમલવારી માટે 3 અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યું હતું.