Fri Aug 14 2026

Logo

વોટર હાર્વેસ્ટિંગ બનશે ફરજિયાત, ભૂગર્ભ જળ માટે ગુજરાત સરકાર લાવશે નવો કાયદો

2026-08-05 14:14:00
Author: Mayur Patel
Article Image

AI Image


ભૂર્ગભ જળને પ્રદૂષિત કનારા અથવા ગેરકાયદેસર રીતે પાણી ખેંચનારાઓને જેલ અથવા કડક દંડ પણ ફટકારવામાં આવી શકે છે.

ગાંધીનગર: ભૂગર્ભ જળના વપરાશને નિયંત્રિત કરવા ગુજરાત સરકાર નવો કાયદો લાવવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્ય સરકાર ભૂગર્ભ જળને ખાનગી મિલકત ગણવાને બદલે તેને જાહેર સંપત્તિ ગણીને તેના વપરાશ પર નિયંત્રણ લાવવા માટે એક નવો કાયદો તૈયાર કરી રહી છે. રાજ્યમાં સતત ઘટી રહેલા જળસ્તરને ધ્યાનમાં રાખીને આવતા મહિને મળનારા ત્રણ દિવસના વિધાનસભા સત્રમાં ગુજરાત ગ્રાઉન્ડવોટર બિલ, 2026માં પીવાના પાણી, ખેતી અને આજીવિકા માટે ભૂગર્ભ જળને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમજ ભૂર્ગભ જળને પ્રદૂષિત કનારા અથવા ગેરકાયદેસર રીતે પાણી ખેંચનારાઓને જેલ અથવા કડક દંડ પણ ફટકારવામાં આવી શકે છે.
 
ઓથોરિટી પણ બનાવવામાં આવશે

સૂત્રો મુજબ, રાજ્યમાં ભૂગર્ભ જળના વપરાશ પર દેખરેખ રાખવા માટે સરકાર ગુજરાત સ્ટેટ ગ્રાઉન્ડવોટર રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવાની યોજના બનાવી રહી છે. આ ઓથોરિટી ભૂગર્ભ જળના સંતુલિત અને ટકાઉ વપરાશ માટેની નીતિઓનો અમલ કરવાની જવાબદારી સંભાળશે.

રૂ. 10 લાખ સુધીનો થઈ શકે છે દંડ

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાણીના સ્ત્રોતોને સુકાઈ જતા અટકાવી શકાય તે માટે સરકાર પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોને ભૂગર્ભ જળ સંરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરી શકે છે. આ કાયદા હેઠળ ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ ભૂગર્ભ જળ પ્રદૂષિત કરવા બદલ રૂપિયા એક લાખ સુધીનો દંડ થઈ શકે છે. સંરક્ષિત ક્ષેત્રમાંથી ગેરકાયદે પાણી ખેંચવા બદલ રૂ. 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. પાણી પ્રદૂષિત કરનારા કે ગેરકાયદેસર વપરાશ કરનારાઓને દંડની સાથે જેલની સજા પણ થઈ શકે છે. તેમજ વરસાદી પાણીના સંચય  માટેની સિસ્ટમ ન લગાવનાર સામે પણ દંડ અને જેલની જોગવાઈ રહેશે.

 ભૂગર્ભ જળનો ઉપયોગ કરતા પહેલા કોણે લેવી પડશે મંજૂરી

કારખાનાઓ અને ફેક્ટરીઓએ ભૂગર્ભ જળનો ઉપયોગ કરતા પહેલા મંજૂરી લેવી પડશે, અને ઔદ્યોગિક તેમજ કોમર્શિયલ વપરાશકારો પર વોટર ચાર્જ વસૂલવામાં આવશે. જોકે, ખેતી ક્ષેત્રને આ ચાર્જમાંથી મુક્ત રાખવામાં આવ્યું છે. એકત્રિત કરવામાં આવેલું મહેસૂલ જળ સંરક્ષણના કામોમાં જ વાપરવામાં આવશે.

આ કાયદામાં ગામડાથી લઈને રાજ્ય કક્ષા સુધી અલગ-અલગ સમિતિઓ બનાવીને ભૂગર્ભ જળ સંસાધનોનું નિરીક્ષણ કરવા માટે એક વિકેન્દ્રિત વ્યવસ્થાનો પ્રસ્તાવ છે. સ્થાનિક સ્તરે પાણી બચાવવા માટે દરેક ગ્રામ પંચાયત, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા માટે 'વોટર સિક્યોરિટી પ્લાન' તૈયાર કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વરસાદી પાણીનો સંગ્રહ અને વપરાયેલા પાણીનું રિસાયક્લિંગ ફરજિયાત બનાવવામાં આવશે. બિલ્ડિંગ પ્લાનમાં વોટર હાર્વેસ્ટિંગની જોગવાઈ કર્યા પછી જ તેને મંજૂરી આપવામાં આવશે.