Thu May 07 2026

Logo

ગુજરાતમાં ડિટર્જન્ટ ઉદ્યોગના 80% લઘુ એકમો બંધ થવાના આરે, હજારો શ્રમિકોની રોજગારી છીનવાશે

2026-04-13 11:46:00
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ કાચા માલમાં તીવ્ર ભાવવધારો તેમજ તીવ્ર અછતને કારણે ભયંકર કટોકટીનો ડિટર્જન્ટ ઉદ્યોગ સામનો કરી રહ્યું છે. 80% લઘુ ઉદ્યોગો બંધ તથા હજારો શ્રમિકો બેરોજગાર થઈ રહ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાતમાં આશરે 800 મધ્યમ તેમજ લઘુઉદ્યોગ કક્ષાના ડીટર્જન્ટ સાબુ પાવડર ઉત્પાદન કરતી ફેક્ટરીઓ આવેલ છે. આ ઉદ્યોગમાં 25 થી 30 હજાર શ્રમિકો કામ કરી પોતાની રોજીરોટી મેળવે છે.

ડિટર્જન્ટ અને સાબુ ઉદ્યોગની સ્થિતિ સૌથી ખરાબ

ગુજરાતમાં ડિટર્જન્ટ અને સાબુ ઉદ્યોગ હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એસિડ સ્લરીના કાચા માલના ભાવોમાં 300% સુધીનો તોતિંગ વધારો અને સર્જાયેલી કૃત્રિમ અછતને કારણે આ ઉદ્યોગ પર અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. ગુજરાતમાં સાબુ અને ડિટર્જન્ટ પાવડર બનાવતી આશરે 800થી 850 જેટલી મધ્યમ તેમજ લઘુ ઉદ્યોગ (MSME) કક્ષાની સ્થાનિક ફેક્ટરીઓ આવેલી છે, જેની સાથે 25,000 થી 30,000 શ્રમિક પરિવારોની રોજીરોટી જોડાયેલી છે. 

એકમો બંધ થતા 15 થી 20 હજાર શ્રમિકો બેરોજગાર

અત્યારની ગંભીર પરિસ્થિતિને કારણે 80% થી 90% જેટલા એકમો બંધ થઈ ગયા છે, પરિણામે 15 થી 20 હજાર શ્રમિકો બેરોજગાર બનીને પાયમાલ થઈ રહ્યા છે. ગુજરાતના ડિટર્જન્ટ ઉદ્યોગ પર સર્જાયેલી અભૂતપૂર્વ કટોકટી અંગે ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ચેરમેન નરેશ જૈન, સેક્રેટરી દીપકભાઈ સુતરિયા, જોઈન્ટ સેક્રેટરી હિતેશ પિત્રોડા, કમિટી મેમ્બર નીરજભાઈ તેમજ સોપ એન્ડ ડિટર્જન્ટ એસોસિએશન ગુજરાતના ચેરમેન રમેશભાઈ સુદેશા અને સેક્રેટરી હેમાંગભાઈ પટેલે માહિતી આપી હતી.
 

ડિટર્જન્ટ ઉદ્યોગમાં વપરાતો મુખ્ય કાચો માલ એસિડ સ્લરી (LABSA) ના ઉત્પાદકોએ હાલની વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિનો ગેરલાભ લઈ કૃત્રિમ અછત ઊભી કરી છે. જે કાચા માલનો ભાવ ઓક્ટોબર-નવેમ્બરમાં 105 રૂપિયા હતો, તે અત્યારે સ્થાનિક એકમો માટે વધીને 300 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત અન્ય કેમિકલ અને પેકિંગ મટીરિયલ્સમાં પણ અસહ્ય ભાવવધારો થયો છે. સાબુના જે પેકિંગની કિંમત પહેલા ૩૬ રૂપિયા હતી, તે હવે વધીને ૭૦ રૂપિયા થઈ ગઈ છે.

યુદ્ધની પરિસ્થિતિનો ગેરલાભ લઈ કૃત્રિમ અછત સર્જવામાં આવી?

ડિટર્જન્ટ ઉદ્યોગના સંગઠનો સરકારને નમ્ર અપીલ કરાઈ છે કે જો MSME એકમો માટે કાચા માલમાં 20% થી 30% જેટલો ક્વોટા નક્કી કરી આપવામાં આવે, તો આ ઉદ્યોગને નવજીવન મળી શકે છે. જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો હજારો શ્રમિકોની દિવાળી અંધકારમય બની જશે.