(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. આ મુદ્દે નવા પ્રદેશ પ્રમુખની કામગીરી સામે અનેક પ્રશ્નો ખુદ કોંગ્રેસના કાર્યકરોએ જ ઉપાડ્યા હતા. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 6 વોર્ડ પ્રમુખોને તેમના પદ પરથી તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવ્યા હતા.
શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પત્રમાં જણાવ્યા અનુસાર, આ વોર્ડ પ્રમુખોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની ચૂંટણી પહેલા સંગઠનલક્ષી કામગીરીમાં અને ચૂંટણી દરમિયાન સંતોષકારક પ્રદર્શન કર્યું ન હતું.
નિરાશાજનક કામગીરીને પગલે પક્ષ દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો અને હવે આ ખાલી પડેલી જગ્યાઓ પર નવા વોર્ડ પ્રમુખોની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
જે વોર્ડ પ્રમુખોને પદમુક્ત કરવામાં આવ્યા છે તેમાં નવરંગપુરા વોર્ડના જગદીશ ખટીક, જોધપુરના રાકેશ જોષી, વાસણાના શક્તિસિંહ ઝાલા, મકતમપુરાના નર્માવાલા ઈફ્તેખાર, વટવાના જયશ્રીબેન ઠાકોર અને રામોલ-હાથીજણ વોર્ડના ધીરુભાઈ ભરવાડનો સમાવેશ થાય છે. કોંગ્રેસના આ આક્રમક વલણથી રાજકીય આલમમાં ચર્ચાઓ તેજ બની છે.
એકતરફ કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ 2027ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને સત્તામાં લાવવાના દાવા કરી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે આ કાર્યવાહીથી કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સંગઠનની કામગીરીમાં નિષ્ક્રિયતા ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી સમયમાં સંગઠનને મજબૂત બનાવવા માટે સક્રિય કાર્યકરોને પ્રાધાન્ય આપવામાં આવશે.