Mon Aug 24 2026

Logo

ગુજરાત જાહેર સેવા આયોગમાં 6 જગ્યા આટલા સમયથી છે ખાલી, કારણ જાણીને ચોંકી જશો

2026-03-10 14:10:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC)માં ખાલી સભ્ય સંખ્યા અંગે ગુજરાત વિધાનસભામાં પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, 31 ડિસેમ્બર, 2025ની સ્થિતિએ ગુજરાત જાહેર સેવા આયોગની મંજૂર થયેલી સભ્ય સંખ્યા પૈકી કેટલી જગ્યા કેટલા સમયથી ખાલી છે, તેના શું કારણો છે અને આ જગ્યા ભરવા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી?

તેનો જવાબ આપતાં સરકારે કહ્યું, 31-12-2025ની સ્થિતિએ ગુજરાત જાહેર સેવા આયોગની 7 પૈકી 1 જગ્યા ભરાયેલી છે, જ્યારે 6 જગ્યા ખાલી છે. જેમાં એક જગ્યા ઓકટોબર 2025થી, એક જગ્યા ઓક્ટોબર 2024થી, એક જગ્યા સપ્ટેમ્બર 2023થી, બે જગ્યા ફેબ્રુઆરી 2022થી અને એક જગ્યા સપ્ટેમ્બર 2021થી ખાલી છે. વહીવટી કારણોસર આ જગ્યા ખાલી છે અને તેને ભરવાની બાબત વિચારણાધીન છે.

ગુજરાત જાહેર સેવા આયોગ રાજ્ય સરકારના વર્ગ-1, 2 અને 3 ના અધિકારીઓની ભરતી કરતી મુખ્ય બંધારણીય સંસ્થા છે. તે ગાંધીનગરમાં સ્થિત છે. GPSC સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઇન્ટરવ્યુ દ્વારા પારદર્શક ભરતી અને ભરતી કેલેન્ડર જાહેર કરવાનું કામ કરે છે. GPSC દ્વારા વર્ષ 2026 માટે 329 જગ્યાઓ માટે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ એપ્રિલથી જૂન વચ્ચે જાહેરાતો પ્રસિદ્ધ થશે.