નવી દિલ્હીઃ દેશમાં આર્થિક ક્ષેત્રે આવેલા પરિવર્તનની જ્યારે પણ ચર્ચા થાય ત્યારે યુપીઆઈની સિદ્ધિની અવશ્ય નોંધ લેવાય છે. હવે સરકાર એવું પ્લાનિંગકરી રહી છે કે, દરેક ખર્ચા પર સરકારની નજર રહેશે. કરિયાણાથી લઈને કપડાં સુધીની દરેક ખરીદારીના ટ્રાંઝેક્શન પર નજર રાખવા કેન્દ્ર સરકાર દેશનું પહેલું રીટેલ કંઝપ્શન સર્વે શરૂ કરવા પર પ્લાનિંગ કરી રહી છે. આનાથી લોકોની ખરીદીની પેટર્ન, શૈલી, આદત, અલગ-અલગ વસ્તુઓ પાછળ થનારા ખર્ચા તથા રાજ્યમાં ફુગાવાની સ્થિતિ પર એક વિસ્તૃત ડેટાનું ક્લેક્શન મળી રહેશે.
કેવી પોલિસી બનશે ભવિષ્યમાં?
આના પરથી કોમોડિટી આધારિત એક નવી આર્થિક પોલિસી બનાવવા મદદ મળી રહેશે. એવું સરકારનું માનવું છે. દેશમાં પ્રજા કઈ વસ્તુઓ પર સૌથી વધારે ખર્ચ કરી રહ્યા છે, કઈ વસ્તુની ખરીદી સૌથી વધારે થાય છે અને અલગ અલગ રાજ્યમાં ગ્રાહકોની ખરીદીની શૈલી કેવી છે આનો તલસ્પર્શી રેકોર્ડ હવે સરકાર પાસે રહેશે. આ માટે જે આયોજન થઈ રહ્યું છે એ ભવિષ્યમાં આકાર લઈ શકે છે.
આ સર્વેનો હેતુ દેશભરમાં ગ્રાહકોની ખરીદીની શૈલીને સમજવાનો છે, એનું વિશ્લેષણ કરવાનો છે. આ ઉપરાંત રીટેલ માર્કેટ સાથે જોડાયેલો એક વિસ્તૃત ડેટા ભેગો કરવાનો છે. આ વિષય પર નિષ્ણાંતોનું એવું માનવું છે કે, સરકાર ગ્રાહકોની એક્ચ્યુઅલ માગ, મોઘવારી, ઉત્પાદન તથા સપ્લાયચેઈન સાથે જોડાયેલા નિર્ણય લેવામાં મોટી મદદ મળી રહેશે.
આ વિષય પર થશે ચર્ચા
ઉદ્યોગો અને મોટા વેપારીઓને આ ડેટા પરથી એ જાણવામાં મદદ મળશે કે, કેવા ઉત્પાદનોની માગમાં વધારો થઈ રહ્યો છે. ક્યા સેક્ટરમાં વેપાર માટેના નવા અવસર ખુલી શકે છે. માર્કેટમાંથી મળી આવતા ડેટાને વ્યવસ્થિત રીતે ગોઠવીને, તેના ચોક્કસ ઉપયોગ પર એક ડેટાબેઝ તૈયાર કરવાનો સરકારનો હેતું છે. દેશભરમાં ડિજિટલ પેમેન્ટના વધતા ઉપયોગમાં ગ્રાહક ખર્ચમાં પણ વલણ સ્પષ્ટપણે રીફ્લેક્ટ થાય છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના ડેટા અનુસાર, જૂન મહિનામાં કરિયાણાની દુકાનો અને સુપરમાર્કેટમાં આશરે ₹79,705 કરોડના ડિજિટલ ટ્રાંઝેક્શન નોંધાયા હતા.
આંકડાકિય વિગત
આ જ સમયગાળા દરમિયાન, મેડિકલ સ્ટોર્સ અને ફાર્મસીઓમાં ₹12,428.8 કરોડ, પુરુષો અને મહિલાઓના કપડાની દુકાનોમાં ₹11,792.9 કરોડ અને કૌટુંબિક કપડાની દુકાનોમાં ₹7,059.8 કરોડના ડિજિટલ ટ્રાંઝેક્શન નોંધાયા હતા. આ તમામ આંકડા દર્શાવે છે કે દેશના છૂટક બજારમાં ગ્રાહક ખર્ચ સતત રહે છે.
ખરીદીની મૌસમ ખાસ કરીને તહેવારમાં વધારે ખીલે છે. આ નવો સર્વે હાલના ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વે (HCES) કરતા અલગ હશે. જ્યારે HCES ચોક્કસ સમયગાળા દરમિયાન ઘરગથ્થુ દ્વારા વપરાશમાં લેવાયેલા ટોટલ કોમોડિટીના સ્ટોકને ટ્રેક કરે છે, છૂટક વપરાશ સર્વે સ્ટોર્સમાંથી ખરીદેલા માલના વાસ્તવિક જથ્થાને રેકોર્ડ કરશે. જેમાંથી નાની એવી ખરીદીને પણ સ્પષ્ટરૂપે સમજી શકાશે.
આ રીતે થશે સર્વે
ઉદાહરણ તરીકે, ધારો કે એક પરિવાર એક કિલોગ્રામ ચોખા ખરીદે છે, પરંતુ મહિના દરમિયાન ફક્ત 500 ગ્રામ જ વાપરે છે. HCES 500 ગ્રામનો વપરાશ રેકોર્ડ કરશે, જ્યારે નવો છૂટક સર્વે રિટેલર દ્વારા વેચવામાં આવેલા સંપૂર્ણ એક કિલોગ્રામનો રેકોર્ડ કરશે. આ વાસ્તવિક બજાર માંગ અને વેચાણનો વધુ સચોટ અંદાજ લગાવવા સક્ષમ બનાવશે.
અહેવાલો અનુસાર, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) આ સર્વેક્ષણ કરશે, જોકે તેની લોન્ચ તારીખ અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. મંત્રાલય હાલમાં તેના કાર્યક્ષેત્ર અને સમયરેખા પર કામ કરી રહ્યું છે. આ સર્વેક્ષણ રાષ્ટ્રીય ઔદ્યોગિક વર્ગીકરણ (NIC) હેઠળ આવતા લગભગ તમામ પ્રકારના છૂટક વ્યવસાયોને આવરી લેશે.
સમજો સરકારનો હેતુ
આનો અર્થ એ છે કે કરિયાણાની દુકાનો, સુપરમાર્કેટ, વાસણોની દુકાનો, મશીનરી સ્ટોર્સ, ફાર્મસીઓ, કપડાંની દુકાનો, ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ અને અન્ય છૂટક આઉટલેટ્સ જેવા મથકોમાંથી ડેટા એકત્રિત કરવામાં આવશે. આ સર્વેક્ષણ ગ્રાહકની વસ્તુઓ - જેમ કે ટેલિવિઝન, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન - તેમજ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી બિન-ટકાઉ વસ્તુઓ, જેમ કે ખાદ્યાન્ન, દવાઓ અને કપડાંના વેચાણ પર નજર રાખશે. સરકારનો ઉદ્દેશ્ય વિવિધ રાજ્યો અને શહેરોમાં કયા પ્રકારની ચીજવસ્તુઓની સૌથી વધુ માંગ છે તે નક્કી કરવાનો છે.