- વિરલ રાઠોડ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયા દિવસે-દિવસે વિસ્તરી રહી છે. મોટાભાગની આઇટી કંપનીઓ AI લેવલ પર નવું કરવા માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ટેક જાયન્ટ કહેવાતી કંપની ગૂગલ સંપૂર્ણ રીતે AI પ્રોગ્રામિંગ પર સ્વિચ થઈ ગઈ છે. આનો સીધો ફાયદો ગૂગલનો ઉપયોગ કરતા લાખો-કરોડો યુઝર્સને થઈ રહ્યો છે. કંપનીએ અનેક એવાં ફીચર્સમાં અઈં ટુલ્સ મૂકીને દરેક ઍપ્લિકેશનને વધારે સરળ બનાવી દીધી છે, માત્ર ટેક્નિકલ સરળતા નહીં, પણ ઉપયોગ કરવામાં પણ એટલી સરળતા મળી છે.
અંગ્રેજી ભાષાનું વિઘ્ન ટેક્નૉલૉજીના ઉપયોગમાં દૂર થતાં એક મોટા વર્ગને મોટી રાહત મળી છે. ગૂગલ કંપનીએ આ ભાષાકીય અવરોધ દૂર કરીને યુઝર સરળતાથી એને સમજાય એવી ભાષામાં ઉપયોગ કરી શકે એવું પ્લૅટફૉર્મ તૈયાર કર્યું છે. હવે ગૂગલ સર્ચ AI સર્ચ બની ગયું છે.
માર્ચ 2025માં કંપનીએ કોઈ મોટી જાહેરાત વગર સર્ચ એન્જિનમાં મૂકી દીધું અઈં મોડ. આનાથી ફાયદો એ થયો કે જે વિષય પર સર્ચ કરવું છે એની સંક્ષિપ્ત માહિતી AI આપી દે છે. આ સંક્ષિપ્ત માહિતીમાં લેટેસ્ટ ડેવલપમેન્ટ, એ વિષય સંબંધી કોઈ કાર્યક્રમ, કોઈ વિવાદ કે કોઈ મોટી ઘટના બની હોય એની ટૂંકી વિગત આપે છે.
એ પછીના તબક્કામાં જુદી-જુદી કૅટેગરીમાં વિભાજિત કરીને એ માહિતી એવી રીતે વર્ગીકૃત કરશે જેનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકાશે. આના માટે કોઈ વધારાના પૈસા ચૂકવવાની પણ જરૂર નથી. જે ભાષામાં સર્ચ કર્યું હશે એ ભાષામાં AI સરળતાથી જવાબ આપશે.
કિવર્ડની ઝંઝટ ખતમ
અગાઉ એવું હતું કે ગૂગલ પર ટૂંકા અને સર્વરને સમજાય એવા શબ્દોમાં સર્ચ કરવું પડતું. હવે ગૂગલના સર્ચબૉક્સમાં ડાયરેક્ટ પ્રશ્ન લખી દેશો તો એનો જવાબ પણ એ વિગતવાર અને વિસ્તૃત મુદ્દા સાથે આપશે. ઉદાહરણ તરીકે : દિલ્હી માટેનો પ્લાન બનાવવા માટે કોઈ સ્થળ સર્ચ કરવામાં આવે તો જે તે સ્થળ નજીક બીજાં ફરવા જેવાં સ્થળની માહિતી તે ઑટોમેટિક સજેસ્ટ કરશે. કિલોમીટર, સ્ટે, રસ્તાની સ્થિતિ, પેટ્રોલ પંપ છે કે નહીં, નૅશનલ હાઈ-વે છે કે સામાન્ય રસ્તો? આ તમામ વિગત એક જ સ્ક્રીન પર પૉઇન્ટ ટુ પૉઇન્ટ વિગત સાથે મળશે.
ફોટો સર્ચ
AI જનરેટેડ કૉન્ટેન્ટ આવતાં એ કહેવું મુશ્કેલ છે કે ફોટો AIનો છે કે ખરેખર ક્લિક કરેલો. આ અંગે હવે મૂંઝવણ ગૂગલે જ ખતમ કરી દીધી છે. માત્ર સ્ક્રીનશૉટ સર્ચબૉક્સમાં અપલોડ કરી દેવાથી લોકેશનથી લઈને ફોટોનો ટોન કયોે છે એ કહી દેશે. જેમ કે મૉર્નિંગ વ્યૂ છે કે ઇવનિંગ, લોકેશન કયું છે. ફોટો કોઈ સમાચારના ઉપયોગમાં લેવાયો હશે તો એ પણ લિંક સર્ચના રિઝલ્ટમાં દેખાશે. ગૂગલે પણ AI ફોટો બનાવવા માટે નેનો બનાના અને ગૂગલ ઓમની જેવા ટુલ્સ વેબસાઈટ રૂપે લૉન્ચ કર્યાં છે. આમાં કોઈ લિમિટેડ એક્સેસ નથી.
ગૂગલ વિડ
ગૂગલ ડોક્સનો ઉપયોગ કરનારાઓને છેલ્લા ચાર મહિનાથી સ્ક્રિનમાં નવા આઇકોન દેખાઈ રહ્યા હશે. આનો ઉપયોગ પણ એટલો જ સરળ છે જેટલું ગૂગલમાં સર્ચ કરવું. ગૂગલ વિડની મદદથી રેકૉર્ડ કરેલા વીડિયોને સરળતાથી મર્જ કરી શકાશે. 3ડી વીડિયો જનરેટ પણ કરી દેશે. વીડિયોમાં જે તે ઇફેક્ટ મૂકવા માટેને અઢળક વિકલ્પો મળી રહેશે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે વીડિયોમાં ઑડિયો કે વૉઇસ પણ ઉપરથી સેટ કરી શકાશે. આ આખો પ્રોજેક્ટ બીજા કોઈને શૅર કરવો હશે તો પણ સરળતાથી માત્ર એક જ લિંકની મદદથી શૅર કરી શકાશે.
ગૂગલ આર્ટ
ડૉક્યુમેન્ટના બકેટમાં કંપનીએ આર્ટ ઍન્ડ કલ્ચરની કૉમ્યુનિટી આપી છે. સારાં ચિત્રો દોરતાં આવડતાં હોય અને થોડો પેન્સિલ વર્કનો શોખ હોય તો આ ગૅલેરી આવા કલાકારો માટે વૈશ્વિક પ્લૅટફૉર્મ છે. અહીંયાથી જુદી જુદી કૉમ્યુનિટીમાં વગર લોગઈને સરળતાથી જૉઇન કરી શકાશે અને એક્સપ્લોર પણ કરી શકાશે. દુનિયાના જાણીતા અને વિશાળ મ્યુઝિયમમાં જ્યાં ફોટો ક્લિક કરવાની મનાય છે તે વસ્તુ સ્ક્રીન પર સરળતાથી જોઈ શકાશે.
ગૂગલ ફાઇનાન્સ
આ કૅટેગરીમાં પૈસા તો ડાયરેક્ટ નહીં પણ રોકાણ કરેલા પૈસા જે કોઈ પણ કૅટેગરી, કંપની કે પોર્ટફોલિયોમાં રોકેલા હશે એની રીયલટાઇમ અપડેટ મળશે. શૅર માર્કેટ ભલે વીકએન્ડમાં બંધ હોય પણ જે તે કંપનીના શૅર ખરીદ્યા છે એ કંપનીની નાનામાં નાની ફાઇનાન્સિયલ ઍક્ટિવિટી દેખાશે. નિફ્ટી અને સેન્સેક્સની રીયલટાઇમ અપડેટ મળશે. અઈંની કૃપા છે અહીંયા એટલે બીજા દિવસનું પૂર્વાનુમાન પણ મળી રહેશે. કરંસી રેટ, ડૉલર, યેન, રૂપિયો અને દેશ વિદેશના માર્કેટમાં કરંસીનું સ્ટેટસ શું છે એ જાણી શકાશે.
આઉટ ઓફ બોક્સ
ગૂગલ જેમિનીમાં તમામ ટેક્સ્ટ ઇન્ફૉર્મેશન ફ્રી છે, પણ ઑડિયો કે વીડિયો જનરેશન પર ક્રેડિટ લિમિટ ખર્ચાય છે, જે દર ત્રણ દિવસે ફરી ઑટોમેટિક રી-ચાર્જ થાય છે.