સારંગપ્રીત
કાર્ય એટલે માનવજીવનની સૌથી પવિત્ર ફરજ. માણસ જ્યારે પોતાના કાર્યને માત્ર રોજિંદી ક્રિયા રૂપે નહીં, પણ આંતરિક તલસ્પર્શી નિષ્ઠાથી કરે છે, ત્યારે એ કાર્ય તેની આરાધના બની જાય છે. કોઈ પણ ક્ષેત્ર, પછી તે ઘર, શિક્ષણ, સંસ્કાર, સેવા, ધર્મ, વિજ્ઞાન હોય કે કલા, સફળતા હંમેશાં એ જ વ્યક્તિના દ્વાર ખખડાવે છે, જે પોતાના કાર્યમાં નિમગ્ન રહેવાનું શીખી ગયો હોય.
ગીતા કહે છે કે સ્વકાર્યમાં અભિરત માનવ જ સિદ્ધિને પામે છે. અભિરતિ એટલે મનની એવી સ્થિરતા કે જ્યાં બહારની ચંચળતા કમસે કમ પોતાનો પ્રભાવ છોડી શકે. માણસનું મન જો હંમેશા છૂટા પવનની જેમ એક વિષયથી બીજા વિષય તરફ ભાગતું રહે, તો કોઈ મોટી સિદ્ધિનું ફળ તેને મળવાનું મુશ્કેલ છે. પરંતુ જે પોતાના કાર્ય પર અંતરાત્માની પ્રીતિ સાથે સુસ્થિર રહેશે, તે પોતાની જાતને ધીમે ધીમે પરંતુ ચોક્કસ ઊંચાઈએ લઈ જશે.
વાર્તા બહુ જૂની છે, પરંતુ તેમાંની સુગંધ આજે પણ તાજી લાગે છે. ગુજરાતના એક નાના ગામમાં ગંગારામ નામનો એક માટીકામ કરનાર કુંભાર રહેતો. ગામમાં કોઈએ તેની ખાસ નોંધ લીધી નહોતી. જીવન સાધારણ, આવક ઓછી, પરંતુ એક વસ્તુ બધાને મંત્રમુગ્ધ કરતી: તેનું કાર્યપ્રેમ !
સવાર પડે કે ગંગારામ પોતાની ભઠ્ઠી પાસે આવી બેસે. માટી ગૂંથવાનું તેનું કામ હતું. માટી ગૂંથવા તે જમણી હથેળીથી હળવો સ્પર્શ કરતો, માનો માટીને સંબોધન કરતો હોય કે આજે આપણે ફરી સર્જનનો એક દિવસ જીવવા જઈ રહ્યા છીએ. કોઈ પાસે શબ્દોની કમાણી હોય છે, કોઈ પાસે વિચારની, પરંતુ ગંગારામ પાસે સ્પર્શની કમાણી હતી. તેના હાથે માટીને જીવ મળતો.
એક દિવસ ગામના ધનિક શેઠે શહેરથી મોંઘી મૂર્તિઓ મંગાવી. લોકો પાસેથી પ્રશંસાનો પ્રવાહ વહેવા લાગ્યો. તેણે ગંગારામના માટલાઓ સાથે મૂર્તિઓની તુલના કરી. પીઠ પાછળ હાસ્ય રેલાયું શું આ ગરીબનું માટલું ક્યારેય આ મૂર્તિઓ જેવી પ્રખ્યાતી પામશે?
ગંગારામ એક ક્ષણ માટે પણ નિરાશ ન થયો. તેણે કહ્યું, મારું કામ મારી સાધના છે. હું મારા ભાગનું શ્રેષ્ઠ કરીશ. મૂર્તિને કોણે વખાણી એ જોવું મારું ધ્યેય નથી; મારી માટી મને જોઈ રહી છે, એની સામે હું નિષ્ઠાવાન રહું એટલું જ પૂરતું.
દિવસ પછી દિવસ, વર્ષ પછી વર્ષ, તેના હાથમાંથી નીકળતા માટલાઓમાં એક અનોખો ઘાટ અને સાથે ઠાઠમાઠ દેખાવા લાગ્યો. માટી એવી ચોળાઈ જતી કે જાણે તે અંદરથી ચમક ફેંકતી હોય. ભઠ્ઠીનો તાપ પણ તેની નિષ્ઠાનો સતત સાક્ષી બનતો.
એક દિવસ શહેરની એક કલા સંસ્થા ગામડાંની કલા જોવા આવી. મોટા કલાકારોએ ગંગારામનું માટલું હાથમાં લીધું. તેઓ ચકિત થયા, આમાં તો કરઘાની કળા કરતાં પણ ઊંડો સ્પર્શ છે. તેમણે તે માટલાઓનું પ્રદર્શન ભર્યું. થોડા જ મહિનામાં ગંગારામ ગામની સીમા વટાવી સમગ્ર રાજ્યમાં જાણીતા થયા.
જ્યારે ગામલોકોએ આ સમાચાર સાંભળ્યા ત્યારે ઘણા લોકો તેની ભઠ્ઠી પાસે દોડી આવ્યા. કોઈએ પૂછ્યું, ગંગારામ! તું આટલી સફળતા કેવી રીતે પામ્યો? ગંગારામ શાંત અવાજમાં બોલ્યો : મેં ક્યારેય સફળતાને પકડવાનો પ્રયાસ કર્યો જ નહીં. મેં તો માત્ર મારા કામને પકડ્યું અને એક દિવસ સફળતાએ મને પકડી લીધો.
હા, જ્યારે માણસ પોતાના કામમાં અભિરત થાય છે, ચાહે તે માટલું હોય, પુસ્તક હોય, ભજન હોય કે જીવન હોય, ત્યારે કામ માત્ર વ્યવસાય નથી રહેતું, તે આપણી આંતરિક સાધના બની જાય છે અને આ સાધના જ્યાં લઈ જાય છે તેને જ દુનિયા સિદ્ધિ કહે છે.
અને જે પોતાના કામમાં સાચું રહે છે, તેને સિદ્ધિ એક ન એક દિવસ દરવાજા ખોલી જ આપે. જિંદગીમાં બે પ્રકારની દોડ ચાલે છે: એક બહારની, બીજી અંદરની. બહારની દોડમાં માણસને કાળ, પરિસ્થિતિ, સ્પર્ધા અને સમાજના મૂલ્યાંકનનો ભય હોય છે, પરંતુ અંદરની દોડમાં માત્ર પોતાનાં વલણ, મનોબળ અને સંકલ્પનો જ વરદહસ્ત હોય છે. જે લોકો પોતાના આંતરિક કાર્યશીલતાથી પ્રેરાય છે, તેમને બહારની દોડ ક્યારેય થકવતી નથી. તેઓને મારું કાર્ય મારી ઓળખ છે એવો મક્કમ વિશ્વાસ હોય છે.
મહંતસ્વામી મહારાજ કહે છે કે મહાન સર્જનો ક્યારેય ફુરસદિયાં હાથોમાં જન્મ્યા નથી. સંતો, વિદ્વાનો, વૈજ્ઞાનિકો, વીર પુરુષો, ઋષિઓ, બધાનો એક સામ્ય ગુણ એ હતો કે તેઓ પોતાના કાર્યને શુદ્ધતા, પ્રેમ અને નિષ્ઠાથી કરતા રહેતા. અધ્યાત્મ માર્ગમાં તો ગુરુ જે કાર્ય બતાવે તેમાં નિષ્ઠાથી મંડવું તે જ સિદ્ધિ છે.