હેમુ ભીખુ
ઉત્પત્તિ, અસ્તિત્વ અને વિનાશ - સૃષ્ટિની ત્રણ સ્થિતિ છે. એક યા બીજા સ્વરૂપે આ બધી સ્થિતિ પ્રત્યક્ષ થતી રહે છે. આ ત્રણેય સ્થિતિ ચોક્કસ ક્રમમાં પ્રતીત થાય છે. ઉત્પત્તિ બાદ અસ્તિત્વની અનુભૂતિ થાય અને અંતે તે વિનાશમાં પરિણમે.
કોઈપણ દ્રવ્ય એક ક્ષણ માટે પણ સ્થિર નથી રહેતું. આધુનિક વિજ્ઞાનની ભાષામાં કહીએ તો અણુમાં પણ કોઈક તત્ત્વ સતત ગતિમાન રહે છે. ગતિને કારણે સ્થિતિમાં બદલાવ સ્વાભાવિક છે. ગતિ ઊર્જા છે અને દ્રવ્ય પદાર્થ છે. ઊર્જાથી ગતિમાં બદલાવ આવે છે અને ગતિથી પદાર્થનું સ્વરૂપ બદલાય છે.
ગતિમાન દ્રવ્યના જથ્થામાં હંમેશાં ઘટાડો થાય છે- ચોક્કસ સંજોગોમાં વધારો પણ થઈ શકે. આ સમગ્ર ઘટના દ્રવ્ય અને ગતિના સમીકરણ પર આધારિત હોય છે. આ સમગ્ર સમીકરણમાં ગતિની અનુભૂતિ તથા ઉપસ્થિતિ દ્રવ્યને કારણે રહેતી હોવાથી દ્રવ્યનું મહત્ત્વ વધારે ગણાય. જોકે ઉત્પત્તિ, અસ્તિત્વ અને વિનાશ ગતિમાં પણ છે અને દ્રવ્યમાં પણ છે.
ઉત્પત્તિ, અસ્તિત્વ અને વિનાશ એટલે વસ્તુ જન્મે છે, પછી તેનું અસ્તિત્વ જળવાયેલું રહે છે અને અંતે તે મૃત્યુને આધીન થાય છે. આ પ્રક્રિયા વિશ્વમાં પણ પ્રવર્તમાન છે અને અણુમાં પણ, સજીવમાં પણ જોવા મળે છે અને નિર્જીવમાં પણ. આ સત્ય અહીં પણ એટલું જ સ્થિત છે જેટલું ત્યાં. આ સત્ય સમય અને સ્થાનની મર્યાદા વિના દરેક પરિસ્થિતિમાં પ્રવર્તમાન હોય છે. ઉત્પત્તિ, અસ્તિત્વ અને વિનાશ વચ્ચેનું રૂપાંતરણ એટલે સૃષ્ટિનું એક અગત્યનું સત્ય.
મજાની વાત એ છે કે સૃષ્ટિમાં દરેક ક્ષણે સર્જન થાય છે, દરેક ક્ષણે અસ્તિત્વ જે તે પરિસ્થિતિને આધારે ટકી રહે છે અને દરેક ક્ષણે વિસર્જન પણ થાય છે. જન્મ પછી દરેક ક્ષણે વ્યક્તિના કોષમાં વધારો થાય છે, દરેક ક્ષણે નવા કોષ જન્મે છે. તે વખતે કેટલાક કોષ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે અને કેટલાક વિનાશને પામે છે. ઉત્પત્તિ દરેક ક્ષણે છે, અસ્તિત્વ પણ દરેક ક્ષણે છે, વિનાશ પણ ક્ષણે ક્ષણે છે.
બીજમાંથી છોડ બને અને પછી વૃક્ષ અસ્તિત્વમાં આવે. સમય આવ્યે આ વૃક્ષ નાશ પામે, પરંતુ તે પહેલાં તેનાં ઘણાં ફળ અસ્તિત્વમાં આવી ચૂક્યાં હોય. તેમાંથી બીજ નીકળે અને તે બીજ રોપવામાં આવે તો ફરીથી છોડ અને વૃક્ષ સ્થાપિત થાય. આ શૃંખલા છે. આ પરસ્પરનો સંબંધ પણ છે. બીજમાંથી જ બીજ બને છે. ઉત્પત્તિ જ ઉત્પત્તિનું કારણ છે. અસ્તિત્વ ટકી રહે છે એટલા માટે બીજ બને છે. અસ્તિત્વ પણ ઉત્પત્તિ માટે કારણભૂત છે. મૃત્યુ પછી જન્મ સંભવ બને છે. અર્થાત વિનાશ પણ ઉત્પત્તિ માટેનું જ પ્રયોજન છે. ઉત્પત્તિનું પ્રભુત્વ છે. ઉત્પત્તિ છે એટલે અસ્તિત્વ છે અને વિનાશ પણ છે. એવું જ અસ્તિત્વ અને વિનાશ માટે પણ કહી શકાય. આ બધું પરસ્પર સંકળાયેલું છે.
ઉત્પત્તિ એટલે રૂપાંતરણ નહીં. ઉત્પત્તિ એટલે જે નથી તેનું અસ્તિત્વમાં આવવું. ઉત્પત્તિ એટલે શૂન્યમાંથી સર્જન કરવું. ઉત્પત્તિ એટલે એવી પરિસ્થિતિનું અસ્તિત્વમાં આવવું કે જે સામાન્ય તર્કના દાયરાથી બહાર હોય. અસ્તિત્વ એટલે ઉત્પત્તિના અંતે જે પરિસ્થિતિ પ્રત્યક્ષ બને તેનું જે તે સ્થિતિમાં જળવાઈ રહેવું. અસ્તિત્વ એટલે પોતાની જ સ્થિતિમાં કાયમ રહેવું. અસ્તિત્વ એટલે પોતાનાં જે તે ગુણધર્મો પ્રમાણે પ્રવૃત્ત રહીને હયાતીને યથાર્થ બનાવવી.
અસ્તિત્વ એટલે જે છે તેની સ્વીકૃતિ અને જે નથી તેની અવગણના. અસ્તિત્વ એટલે નિર્ધારિત ઉત્તરદાયિત્વ નિભાવવાની તક. વિનાશ એટલે પૂર્ણવિરામ. વિનાશ એટલે અંત. વિનાશ એટલે સર્જનનું શૂન્યમાં રૂપાંતરણ. વિનાશ એટલે અંતિમ સત્ય. વિનાશ એટલે દરેક પ્રકારની ઉત્પત્તિના અંતે સ્થાપિત થતું અંતિમ પરિણામ. વિનાશ એટલે દરેક પ્રકારના અસ્તિત્વની પૂર્ણાહુતિ અને ભવિષ્યની ઉત્પત્તિ માટેની સંભાવના. વિનાશ છે એટલે ઉત્પત્તિ છે. ઉત્પત્તિ છે એટલે અસ્તિત્વ છે. અસ્તિત્વ છે એટલે વિનાશની સંભાવના છે.
ઘણાં અસ્તિત્વ એવા હોય છે કે જે સમજમાં આવે, જેની અનુભૂતિ થઈ શકે, જેનાં અસ્તિત્વ વિશે કોઈ શંકા ન હોય, જેને યોગ્ય સ્વરૂપે જે તે કાર્ય સાથે સાંકળી શકાય અને જેની સાથે પ્રત્યક્ષ થઈ શકે તેવો કાર્યકારણનો સંબંધ હોય. આ શ્રેણીમાં સ્થૂળ અસ્તિત્વ આવે. એ પછી સૂક્ષ્મ અસ્તિત્વનું વિશ્વ છે.
અહીં અંત:કરણના વિવિધ સ્વરૂપો હોય. આ સમજમાં આવે પણ ખરા અને ન પણ આવે. તેની યથાર્થ અનુભૂતિ થાય પણ ખરી અને ન પણ થાય. તેની સાથે સ્થપાયેલ વિવિધ સમીકરણો ધ્યાનમાં આવે પણ ખરાં અને ન પણ આવે. આ સૂક્ષ્મ અસ્તિત્વ સ્થૂળ અસ્તિત્વ પર પ્રભાવ છોડે. ત્યારબાદ કારણ અસ્તિત્વ આવે. કારણ અસ્તિત્વ અન્ય બંને પ્રકારનાં અસ્તિત્વના આધાર સમાન છે. બધું જ કારણ અસ્તિત્વના આધારે છે. કારણ છે એટલે સૂક્ષ્મ છે, સૂક્ષ્મ છે એટલે સ્થૂળ છે. કારણ અસ્તિત્વને પ્રેરક બળ કહી શકાય, સૂક્ષ્મ અસ્તિત્વને ચાલક બળ કહી શકાય અને સ્થૂળ અસ્તિત્વને પરિણમતી વ્યવસ્થા કહી શકાય.
અહીં બધું પરસ્પર સંકળાયેલું છે. કોઈપણ બાબતને જુદી પાડીને જોઈ ન શકાય, સમજી ન શકાય. એકની હયાતી બીજાને કારણે સંભવ બને છે. ઉત્પત્તિ, અસ્તિત્વ અને વિનાશ, ત્રણેયને સમગ્રતામાં એક એકમ તરીકે જોવાની આવશ્યકતા છે.
આ ત્રણેયને વિભાજિત રીતે જોવાનું કારણ તો વ્યવહારિક સરળતા માત્ર છે પણ જો પરિસ્થિતિનું હાર્દ સમજવું હોય તો ત્રણેયને એકત્વના ભાવથી જોવાં જોઈએ.