જ્યોત્સના તન્ના
રાધાએ આ ચેલેન્જ સ્વીકારી, જો રાધા બોલાવે અને કૃષ્ણ નહીં આવે તો રાધા પોતાનું સમસ્ત ધન આ સખીને આપી દેશે. રાધાએ એક મનથી ધ્યાન ધર્યું અને શ્રીકૃષ્ણ રાધાનો પ્રેમ જોઈ તરત પ્રગટ થયા. ભારતના પ્રાચીન સંસ્કૃત મહાકવિ કાલિદાસે ‘કુમારસંભવમ્’ મહાકાવ્યમાંથી આવી જ એક સુંદર ગૂંથણી કરી છે. નગાધિરાજ હિમાલયસુતા પાર્વતી શંકરને પતિ તરીકે પામવા કઠોર તપસ્યા કરતી હતી. છેવટે શંકર બટુક સતપસ્વી વેશે ત્યાં આવ્યા અને જાણ્યું કે પાર્વતી શંકરને પામવા તપ કરતી હતી.
પછી તેમણે શંકરની ખૂબ નિંદા કરી, એ કઠોર શંકર તો વાઘાંબરધારી, ભભૂત લગાવે, સર્પોની માળા, સ્મશાનમાં રહે, પાર્વતી જેવી સુંદર સુકુમાર કન્યાને માટે યોગ્ય પતિ ન જ કહેવાય. પાર્વતી અને છદ્મવેશધારી શંકર સાથે સંવાદ થયો. શંકરે તો કહી જ દીધું. વદ પ્રદોષે સ્ફુટચંદ્રતારકા વિભાવરી યદિ અરૂણાય કલ્પતે-તારા અને ચંદ્રથી શોભતી રાત્રિ પ્રારંભમાં જ થોડો અરુણ (અંત)નો વિચાર કરે? છેવટે ક્રોધિત થઈને પાર્વતીએ જવા પગ ઉપાડ્યો, ત્યારે શંકર મૂળ સ્વરૂપે પ્રગટ થયા અને પાર્વતી ન જઈ શકી, કે ન થોભી શકી. ન યયૌ ન તસ્થૌ. અંતે નિરવધિ નિર્વ્યાજ પ્રેમ જ રહે છે.
રાધા એ કૃષ્ણની બાલસખી, સ્વકીયા કે પરકીયા પ્રેયસી, રાસમંડલની અધિષ્ઠાત્રી. વ્રજવૃંદાવનની અગ્રણી ગોપાંગના. વૈષ્ણવ ગ્રંથો પ્રમાણે એ શ્રીકૃષ્ણની પરમ હ્લાદિની શક્તિ, પરાશક્તિ. અનેક રૂપે આપણે રાધાને જાણીએ છીએ. એક રસપ્રદ પાસું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્રમંડળના સંપૂર્ણ ભ્રમણને રાસલીલા માનવામાં આવે છે. ગતિ વૃત્તાકાર છે. કૃષ્ણ યજુર્વેદ શાખામાં વિશાખા અને અનુરાધા નામના બે નક્ષત્ર છે.
અનુરાધા એટલે રાધાની પાછળ જાય તે. અથર્વવેદમાં વિશાખાનું નામ રાધા છે. તેથી વિશાખા એ રાધા, તેની પાછળ અનુરાધા. સૂર્ય એ શ્રીકૃષ્ણ, કેન્દ્ર. કાર્તિકી પૂર્ણિમાએ સૂર્ય (કૃષ્ણ) વિશાખા (રાધા) નક્ષત્રમાં હોય. તે દિવસે સૂર્ય અને અન્ય નક્ષત્ર એક સાથે નથી દેખાતા. સૂર્યનાં કિરણોમાં નક્ષત્ર સમાઈ જાય. એટલે રાસલીલામાં કૃષ્ણ રાધા સાથે વિહાર કરે. એમ જ્યોતિષશાસ્ત્ર માને છે.
વૃષભાનુ એટલે વૃષ રાશિનું કિરણ એ રાધા. માતા કીર્તિદા એ કૃતિકા, જે વૃષ રાશિમાં હોય. રાધાની સખીઓ વિશાખા, ભદ્રા, જ્યેષ્ઠા, ચિત્રા, તારકા, ચંદ્રાવતી (સોમભા) વગેરે નક્ષત્રો. રાધા કૃષ્ણની સહચરી છે. આપણે ત્યાંની કોઈ પણ ચિત્રશૈલી હોય- માળવા, બુંદેલખંડ, વ્રજ, મેવાડ, કિશનગઢ, નાથદ્વારા, બુંદી, પહાડી (કાંગડા, બસોલી, ચંદા વ.) કોઈ પણ શૈલી હોય, રાધાકૃષ્ણનાં સુંદર ચિત્રો જોવા મળે જ. શ્રીકૃષ્ણને તો અનેક રૂપે શિલ્પોમાં કંડારાયેલા જોવા મળે છે, શિલ્પોમાં રાધા ખાસ નથી જોવા મળતી.
ઈ.સ.ની 7મી સદીની એક મૂર્તિ છે. પહાડપુરમાં 22 નંબરનું શિલ્પ જે રાધાકૃષ્ણનું હોય એમ માનવામાં વજૂદ લાગે છે. બાજુમાં યમુના અને બળદેવનાં શિલ્પો છે. જે ગોપીનું શિલ્પ સાથે છે તેના માથા પાછળ તેજવર્તુળ છે, જે દૈવી ગુણ દર્શાવે છે. કૃષ્ણ સાથે હોય તેવી દૈવી વ્યક્તિત્વવાળી ગોપી રાધા હતી.
રાજસ્થાનના સૂરતગઢમાં 5મી સદીની એક મૂર્તિ મળી છે, જે રાધાની છે એમ માનવામાં આવે છે. ખજૂરાહોના ખંધરિયા મહાદેવના મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ છે, તેની સાથે એક સ્ત્રીમૂર્તિ છે, જે રાધાની હોઈ શકે છે. ઈ.સ. 974ના વાક્પતિ મુંજના શિલાલેખમાં રાધાવિરહથી તપ્ત કૃષ્ણની વાત મળે છે. આપણાં શાસ્ત્રીય નૃત્યોમાં રાધાકૃષ્ણની વાત અનેકરૂપે જોવા મળે છે. રાધાકૃષ્ણની કેલિક્રીડાનાં નૃત્યોમાં મણિપુરી નર્તન શૈલી શિરમોર છે.
પ્રશ્નો તો થાય જ કે સેંકડો વર્ષોથી જનમાનસસંમોહિની કવિકુલપ્રેરણાદાયિની વૈષ્ણવોની આરાધ્ય આહ્લાદિની રાધા કયા પ્રદેશની હોઈ શકે? રાધાકમલ મુખરજી નામના વિદ્વાન માને છે કે રાધાનું મૂળ બંગાળમાં હોઈ શકે. બલદેવ ઉપાધ્યાય નામના અન્ય વિદ્વાન માને છે કે રાધા મૂળ ગુજરાત કે ઉત્તર મહારાષ્ટ્રનું પાત્ર હોય.
ઓરિસ્સાની એક કથા છે- ભૃગુસેન અને સુપ્રભાને કઠોર તપસ્યા પછી વરદાન મળ્યું અને બાર ક્ધયાઓ જન્મી. તેમાં સૌથી નાની પુત્રી કુરૂપ હતી તેથી પેટીમાં બંધ કરી તેને પાણીમાં વહાવી દીધી. આ પેટી વૃંદાવનમાં વૃષભાનુને મળી, જે ખોલતાં અતિ સુંદર ક્ધયા મળી,તે રાધા. દક્ષિણના આવવાર સાહિત્યમાં વિષ્ણુએ લીલાવતાર કર્યો ત્યારે એક ગોપક્ધયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નપ્પિનૈ નામથી.
તમિલ પ્રદેશમાં અહીર લોકોના જીવનમાં કૃષ્ણ કે કણ્ણન્ દેવતા છે. અને દેવી તે ગોપક્ધયા નપ્પિન્નૈ, નપ્પિન્નૈ. તામિલ પ્રદેશની વનભૂમિના દેવ છે માયોન, જેનો અર્થ થાય છે નીલ મેઘ સમાન દેદીપ્યમાન દેવ એટલે તે આપણા ‘વિષ્ણુ’ અને તેના અવતાર કણ્ણન્ અહીં ‘રાધા’ નામ નથી. અન્ય ગોપક્ધયા છે, નપ્પિનૈ, જેનું દક્ષિણના જ એક આચાર્ય પરાશર ભટ્ટરે સંસ્કૃત રૂપ કર્યું નીલાદેવી. રાધા તો સમસ્ત ભારતની જ!
રાધા પૂર્ણપણે સમર્પિત છે. તે કહે છે, ‘તેના બદલામાં મારી પાસે બચેલી ક્ષણોને તમારા આગ્રહોથી ભરી દો. શું મેં કંઈ વધારે માગી લીધું? તો પછી માત્ર એક ક્ષણ છોડીને બધી લઈ જાઓ, પરંતુ તે ક્ષણ પર આદિથી અંત સુધી તમે જ આકાશની જેમ છવાયેલા રહો.’ (શ્રી રાધા- ઊડિયા, અનુ. ઊર્મિલા જાની).
રાધા આપણી સમક્ષ ચિરવિરહિણી નાયિકા તરીકે જ ઊપસે છે. સમય આવ્યે શ્રીકૃષ્ણ સ્વધામ ગયા. મોટા ભાગના યાદવકુળનો નાશ થઈ ગયો. રુક્મિણી, ગાંધારી, શૈલ્યા, હૈમવતી અને જાંબવતીએ અગ્નિપ્રવેશ કર્યો. સત્યભામા અને અન્ય મુખ્ય કૃષ્ણપત્નીઓએ તપશ્ર્ચર્યા કરવા વનપ્રવેશ કર્યો. વૈભવશાળી દ્વારકા નગરી પર સાગર ફરી વળ્યો, જે બચ્યા હતા તે યાદવો સ્થળાંતર કરી ગયા. શ્રીકૃષ્ણની ઈહલીલા સમાપ્ત થઈ એ રાધાએ જાણ્યું ત્યારે?-
‘પરંતુ હું નથી રોકી શકતી
હવે મારા સુખ-સંતોષ
જો તમે તેમના માટે ન મર્યા હોત તો હું ભલા,
કેવી રીતે તમને પૂર્ણતાથી પ્રાપ્ત કરી શકી હોત?’ (શ્રી રાધા)
હવે રહી ગઈ રાધા, નવલકિશોરી, યમુનાતટે, કુંજવનોમાં શરદની તેજોમયી રાતોમાં લતામંડપોમાં પોતાના કનૈયાનાં પગલાં શોધતી કે બંસીનાદ સાંભળવા મથતી, શ્રીકૃષ્ણ સાથે મિલન માટે તલસતી, જે તેમના મથુરાગમન પછી થયું જ નહીં. રાધા રહી ગઈ આ ધરતી પર. ધર્મવીર ભારતીની કનુપ્રિયા (રાધા) કૃષ્ણને ઠપકો આપે છે, ‘સખીને બાહુમાં સમાવી, પણ તેને ઈતિહાસમાં સમાવવામાં કેમ અચકાયા પ્રભુ?’ રાધાને કંઈ જોઈતું નથી, તે ફક્ત પ્રિયતમની વાટ જુએ છે.
‘અને હું જન્માંતરોની અનંત પગદંડીના કઠિનતમ મોડ પર ઊભી રહી તારી પ્રતીક્ષા કરતી રહું છું’ અને આ અનંત પ્રતીક્ષા જ તેનું જીવન, દરેક ભક્તનું જીવન.