ચેન્નાઈ : તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં સમગ્ર રાજકીય ચિત્ર બદલાઇ રહ્યું છે. જેમાં સત્તાધારી પક્ષ ડીએમકેને પાછળ રાખીને થલાપતિ વિજયની પાર્ટી ટીવીકે સત્તાની નજીક પહોંચી રહી છે. જ્યારે રાજ્યની બીજી મુખ્ય રાજકીય પાર્ટી એઆઇએડીએમકે પણ વલણોમાં પાછળ છે. જે તમિલનાડુના વર્ષો જૂના રાજકીય ચિત્રમાં નોંધપાત્ર બદલાવના સંકેત આપે છે.
યુવા મતદારોનો મૂડ આ વખતે મહત્વનો રહ્યો
તમિલનાડુના બદલાયેલા રાજકીય સમીકરણોને સમજીએ તો જણાશે કે ચૂંટણી પરિણામોમાં દાયકાઓ સુધી સત્તાના કેન્દ્ર સ્થાને રહેલા એઆઇએડીએમકે અને ડીએમકેને લોકોએ જાકારો આપ્યો છે. તેમજ એક સર્વે મુજબ 37 ટકા લોકો
થલાપતિ વિજયને સીએમ તરીકે જોવા ઈચ્છતા હતા. જ્યારે માત્ર 35 ટકા લોકો સ્ટાલિનને સીએમ તરીકે જોવા માંગતા હતા. તેમજ રાજ્યમાં યુવા મતદારોનો મૂડ આ વખતે મહત્વનો રહ્યો હતો. જે મોટાભાગે થલાપતિ વિજય તરફ હતો.
વિજયે સીધા જાહેર સંપર્કમાં જોડાવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું
થલાપતિ વિજયે વર્ષ 2024 માં ટીવીકેના લોન્ચ સાથે ઔપચારિક રીતે રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. વિજયે પરંપરાગત રાજકીય નિવેદનોના બદલે સ્પષ્ટ સંદેશ આપવા અને સીધા જાહેર સંપર્કમાં જોડાવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ફિલ્મ ઉદ્યોગથી પોતાને દૂર રાખવાના તેમના નિર્ણયથી તેમના રાજકીય ઉદ્દેશ્યની ગંભીરતા પર ભાર મૂકવામાં આવ્યો. તેમણે ભ્રષ્ટાચાર, શિક્ષણ અને રોજગાર જેવા મુખ્ય મુદ્દાઓ પર પોતાનો ચૂંટણી પ્રચાર કેન્દ્રિત કર્યો. તેમજ પોતાને હાલની વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે સક્ષમ નેતા તરીકે સ્થાપિત કર્યા.
સોશિયલ મીડિયાએ પણ મુખ્ય ભૂમિકા ભજવી
તેમજ ટીવીકેની સફળતાનું કારણ વ્યૂહરચના અને ટાઇમ મેનેજમેન્ટ છે. વિજયે યુવાનો અને પહેલી વાર મત આપનારા મતદારોની આકાંક્ષાઓ સાથે સફળતાપૂર્વક કનેક્ટ થયા હતા.આ પ્રક્રિયામાં સોશિયલ મીડિયાએ પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.સોશિયલ મીડિયાએ તેમનો સંદેશને પરંપરાગત રાજકીય રેલીઓ કરતાં વધુ લોકો સુધી પહોંચવામાં મદદ કરી હતી.તેમના મજબૂત ગ્રાસરુટ નેટવર્કે પણ પ્રચારને વાસ્તવિક બનાવ્યો હતો.