Sun Sep 13 2026

Logo

ગેરકાયદે ફૂટી નીકળેલા પીજી હાઉસ સામે ગાંધીનગરની 28 સોસાયટીની ફરિયાદો

2026-04-21 14:34:00
Author: Pooja Shah
ગેરકાયદે ફૂટી નીકળેલા પીજી હાઉસ સામે ગાંધીનગરની 28 સોસાયટીની ફરિયાદો

અમદાવાદઃ ગાંધીનગરના કુડાસણ, રાયસણ, સરગાસણ અને રાંદેસણના ઝડપથી વિકસતા વિસ્તારોમાં ગમે ત્યાં શરૂ કરવામાં આવી રહેલા પેઈંગ ગેન્ટ હાઉસ સામે રહેવાસીઓએ તંત્રને સજાગ કર્યું છે. આ વિસ્તાર સરેરાશ શાંત વિસ્તારોમાંના એક છે. અહીંના રહેવાસીઓ આ પીજીને લીધે વધતા પ્રશ્નો મામલે તેમણે ફરિયાદો કરી હતી, તેમ એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું. 

રહેવાસીઓના મતે, ગેરકાયદે પીજીને લીધે રોજિંદા જીવનમાં અવરોધો ઊભા થયા છે.  જેમાં ભીડભાડ, નોઈઝ પોલ્યુશન અને મૂળભૂત સુવિધાઓ પર વધુ પડતું ભારણ મુખ્ય સમસ્યા હોવાનું કહેવાય છે. 
આ સોસાયટીઓના ચેરપર્સન અને અન્ય રહેવાસીઓએ સાથે મળી મનપાને યોગ્ય રીતે સ્ટેમ્પ અને સહી સાથે વિગતવાર રજૂઆત કરી હતી. રહેવાસીઓએ એવો દાવો કર્યો હતો કે 27મી માર્ચે મેયર અને કમિશનર બન્નેને અગાઉથી મેમોરેન્ડમ આપ્યા હોવા છતાં કાર્યવાહી થઈ ન હોવાની ફરિયાદ રહેવાસીઓએ કરી હતી. 

તેમની રજૂઆત અનુસાર ફેમિલી માટે બનાવવામાં આવેલા ફ્લેટ્સનો કમર્શિયલ પીજી માટે ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે પાણી પુરવઠો, લિફ્ટ અને પાર્કિંગ જેવી સેવાઓ પર દબાણ આવે છે. તેમના કહેવા અનુસાર મનપામાં નોંધણી વિના જ આ પીજી ચાલી રહી છે. 

આ સાથે અહીં રહેતા લોકોની પોલીસ ચકાસણી અથવા ઔપચારિક નોંધણી થતી નથી, આથી મહિલાઓ અને બાળકો સહિત તમામ માટે સુરક્ષાના પ્રશ્નો ઊભા થાય છે. 
ગુજરાત હાઈકોર્ટના સ્પષ્ટ નિર્દેશો છતાં, ડેડિકેટેડ પીજી પોલિસી બનાવવામાં વિલંબ કરવા બદલ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએમસી) ટીકાનો ભોગ બની રહ્યું છે.
મળતી માહિતી અનુસાર રહેવાસીઓએ આ મામલો મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) અને શહેરી વિકાસ વિભાગ સુધી પહોંચાડ્યો છે, અને ગેરકાયદે ચાલતી પીજી બંધ કરવા તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.