Tue Sep 01 2026

Logo

સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો: ગાંધીનગરમાં ક્રિકેટ રમવા ગયેલા એન્જિનિયરનું પર્સ ચોરાયું, ગણતરીના દિવસોમાં ખાતા ખાલી!

2026-07-17 17:49:29
Author: Devayat Khatana
સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો: ગાંધીનગરમાં ક્રિકેટ રમવા ગયેલા એન્જિનિયરનું પર્સ ચોરાયું, ગણતરીના દિવસોમાં ખાતા ખાલી!

ગાંધીનગર: પાટનગર ગાંધીનગરના જમીયતપુરામાં આવેલા એક ક્રિકેટ ગ્રાઉન્ડ બહારથી એક એન્જિનિયરનું પર્સ અને મોબાઈલની ચોરી થવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. ન્યુ રાણીપમાં રહેતા અને ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા દીપક શર્મા ગત 27  જૂનના રોજ ક્રિકેટ રમવા માટે ગયા હતા. તેમણે પોતાનું સ્કૂટર ગ્રાઉન્ડની બહાર પાર્ક કર્યું હતું અને તેની ડેકીમાં પર્સ તથા મોબાઈલ મૂક્યો હતો. તેઓ બે કલાક બાદ પરત આવીને જોતા ડેકીમાંથી પર્સ અને ફોન ગાયબ હતા.

આ પર્સમાં રોકડ રકમ ઉપરાંત વિવિધ બેન્કોના ATM અને ક્રેડિટ કાર્ડ્સ હતા, જેનો ઉપયોગ કરીને અજાણ્યા ચોર ઈસમોએ તરખાટ મચાવ્યો હતો. ચોરોએ કાર્ડ્સની વિગતો અને મોબાઈલનો ઉપયોગ કરીને બેન્ક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરવાનું શરૂ કર્યું હતું. આ બધી બાબતોથી ફરિયાદી અજાણ હતા પણ  જ્યારે ફરિયાદીએ તેમનું સિમ કાર્ડ એક્ટિવેટ કરાવ્યું, ત્યારે તેમને તેમના ઈ-મેઈલ પર બેન્ક ટ્રાન્ઝેક્શનના અનેક એલર્ટ મેસેજ જોવા મળ્યા હતા.

તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, ચોરોએ અલગ-અલગ એટીએમ મશીનનો ઉપયોગ કરીને કુલ 1,94,000  રૂપિયા રોકડા ઉપાડી લીધા હતા. આ ઉપરાંત, વિવિધ બેન્કોના ક્રેડિટ કાર્ડ્સ અને ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન દ્વારા વધુ 50,822  રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી કુલ 2,65,622  રૂપિયાની માતબર રકમની ચોરી કરી હતી. આ સમગ્ર મામલે પીડિત એન્જિનિયરે સાયબર ફ્રોડ હેલ્પલાઈન પર પણ જાણ કરી હતી.

આ બનાવ અંગે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ ચોરોને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કવાયત કરી રહી છે. એક તરફ પર્સ-મોબાઈલની ચોરી અને બીજી તરફ ખાતામાંથી લાખોની રકમ સેરવી લેતા આ કિસ્સાએ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.