સ્વાસ્થ્ય સુધા - શ્રીલેખા યાજ્ઞિક
ગરમીના દિવસોની સાથે બાળકોની ઉનાળાની રજાઓ શરૂ થઈ ગઈ છે. બાળકોને વારંવાર ઠંડું પીવાનું મન થઈ જતું હોય છે. ઘરે બનાવેલાં તાજા ફળ કે તાજાં ફળોના રસને પ્રાધાન્ય આપવું આવશ્યક બની ગયું છે. આઈપીએલની મેચોની મજા માણતાં માણતાં એરિયેટેડ પીણા પીવાની એક ફેશન બની ગયેલી જોવા મળે છે. જે લાંબે ગાળે નાના-મોટા પ્રત્યેકના સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. કેમ કે ગરમીમાં શરીરમાં પાણીની માત્રા તથા પોષક તત્ત્વો જળવાઈ રહે તે આવશ્યક છે. ફળોના રાજા તરીકે જાણીતી કેરીના ભાવ હજી પહોંચની બહાર છે. આવા સંજોગોમાં તાજી-તાજી મીઠી રસીલી કાળી દ્રાક્ષનું સેવન કરી લેવું જોઈએ. હાલમાં બજારમાં મળતી તાજી-તાજી રસીલી કાળી દ્રાક્ષનો દેખાવ ઉનાળામાં મળતાં રસીલા જાંબુ જેવો છે. વાસ્તવમાં કાળી તાજી દ્રાક્ષ શિયાળાનું ફળ ગણાય છે. કૃષિક્ષેત્રમાં આધુનિક વિજ્ઞાનની હાજરીને કારણે બારેમાસ પાક મેળવી શકાય છે. એક સમય હતો કે કાળી દ્રાક્ષમાં બીજ જોવા મળતાં. હવે તો બીજ વગરની રસીલી કાળી દ્રાક્ષ બજારમાં મળી રહે છે.
લીલી, કાળી કે આછી લાલાશ પડતી ગોળાકાર દ્રાક્ષ એક રસીલું -શાનદાર ફળ ગણાય છે. તેને એક ફળ તરીકે ખાઈ શકાય છે. તેનું શરબત કે જ્યૂસ બનાવી શકાય છે. તેની સૂકવણી કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો વાઈન બનાવી શકાય છે. કાળી દ્રાક્ષને પોષક તત્ત્વોનું પાવર હાઉસ ગણવામાં આવે છે. ઍન્ટિ-ઓક્સિડન્ટ તથા ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી ગણાય છે. દ્રાક્ષમાં વિટામિન સીની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે. જેને કારણે તે શરીરને બીમારીથી બચાવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. કાળી દ્રાક્ષનો વધુ એક ગુણ એટલે તેને છોલવાની કડાકૂટ રહેતી નથી.
કાળી દ્રાક્ષના આરોગ્યવર્ધક લાભ
* બેક્ટેરિયા ફંગસથી બચાવે છે : ગરમીમાં ત્વચા સંબંધિત રોગ વધી જતાં હોય છે. તેનું મુખ્ય કારણ ત્વચાની યોગ્ય કાળજી વિશે બેકાળજી તેમજ સ્વચ્છતાનો અભાવ ગણાવી શકાય. જેને કારણે ખસ-ખરજવું, ત્વચા ઉપર લાલ ચકામા થવા કે લાલ ફોડલીઓ ઉપસવી. આવા સંજોગોમાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ સાથે કાળી દ્રાક્ષનું સેવન કરવામાં આવે તો ત્વચા સંબંધિત તકલીફમાં રાહત મેળવી શકાય છે. તેનું મુખ્ય કારણ કાળી દ્રાક્ષમાં રેસવેરૉટલ નામક તત્ત્વ હોય છે. જે બીમારીથી લડવાની ક્ષમતા ધરાવે છે. અસ્થમાની તકલીફમાં ગુણકારી ગણાય છે. ત્વચાની કરચલી દૂર કરવામાં મદદ કરે છે. વિટામિન સીની ત્વચાની ચમક વધારવામાં મદદ કરે છે.
* પેટ સંબંધિત તકલીફમાં લાભકારી
કાળી દ્રાક્ષમાં શર્કરાની સાથે ઑર્ગેનિક એસિડ તથા પૉલીઓસની માત્રા સમાયેલી હોય છે. જે પેટની વિવિધ તકલીફ જેવી કે અપચો, વારંવાર ચૂક આવવી, પેટમાં બળતરાં જેવી તકલીફથી બચાવે છે. આથી જ કહેવાય છે કે કબજિયાત, બળતરામાં કાળી દ્રાક્ષનું સેવન કરવું ગુણકારી બને છે.
* વાળનેે મજબૂત બનાવવામાં લાભકારી
કાળી દ્રાક્ષનું સેવન કરવાથી વાળની વિવિધ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. જેવી કે વાળ સફેદ થવા, વાળમાં ખોડો, વાળ ખરવા જેવી પ્રત્યેક વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. કેમ કે કાળી દ્રાક્ષમાં વિટામિન ઈ ની માત્રા ભરપૂર પ્રમાણમાં છે. કાળી દ્રાક્ષનું સેવન કરવાથી માથામાં લોહીનું પરિભ્રમણ સુધારવામાં મદદ કરે છે. વાળ મુલાયમ બનવાની સાથે વાળનો જથ્થો વધારવામાં મદદ કરે છે.
* વજન નિયંત્રણમાં રાખવામાં ફાયદાકારક
દ્રાક્ષમાં પાણી અને ફાઈબરની માત્રા વધુ હોય છે. લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. અનેક લોકોને ભોજન બાદ ગળ્યું ખાવાની ઈચ્છા થતી હોય છે. જે માટે કાળી દ્રાક્ષ ઉત્તમ પર્યાય ગણાવી શકાય. વજન નિયંત્રણ રાખવાની મહેનત તથા ગળ્યું ખાવાની ઈચ્છા બંને સચવાઈ જાય છે. કાળી દ્રાક્ષની ગણના ઓછી કૅલરીવાળા ફળમાં થાય છે. જે વજનને નિયંત્રિત કરવામાં ઉપયોગી બને છે. ઓછી કૅલરીવાળું ભોજન કરવાથી વજનને નિયંત્રણમાં લાવવામાં મદદ મળે છે. એવું કહેવાય છે એક વાટકી દ્રાક્ષમાં લગભગ 125 કૅલરી સમાયેલી હોય છે.
* હૃદયના સ્વાસ્થ્ય માટે લાભકારી
કાળી દ્રાક્ષમાં રહેલાં ફ્લેવોનોઈડ્સ હૃદયના સ્વાસ્થ્ય માટે લાભકારક ગણાય છે. કાળી દ્રાક્ષમાં સાઈટોકેમિકલ્સની માત્રા હોય છે. જે હૃદયને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. લોહીમાં કૉલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેને કારણે હૃદયરોગનો હુમલો થવાની શક્યતા ઘટે છે.
* ડાયાબિટીસમાં ગુણકારી
કાળી દ્રાક્ષનું સેવન ડાયાબિટીસના દર્દીઓ પણ કરી શકે છે. કેમ કે કાળી દ્રાક્ષમાં રેસવેરાટ્રોલ નામક પદાર્થ હોય છે. જે લોહીમાં ઈન્સ્યુલિન વધારે છે. જેથી તે લોહીમાં શર્કરાની માત્રાને સમતુલન રાખે છે. બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. શરીરમાં લોહીનો પ્રવાહ વધારવામાં મદદ કરે છે. કેમ કે કાળી દ્રાક્ષમાં પોટેશ્યિમની માત્રા વધુ હોય છે. જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેમ છતાં નિષ્ણાતની સલાહ લીધા બાદ જ ડાયાબિટીસના દર્દીઓએ કાળી દ્રાક્ષનું સેવન કરવું આવશ્યક છે.
* કાળી દ્રાક્ષની ગણના સૌથી પૌષ્ટિક ફળમાં થાય છે.
100 ગ્રામ કાળી દ્રાક્ષમાં 18.1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ડાયેટરી ફાઈબર, 0.9 ગ્રામ, શર્કરા 15.5 ગ્રામ, પ્રોટીન 0.6 ગ્રામ, ચરબી 0.2 ગ્રામ, વિટામિન સી, વિટામિન એ,વિટામિન કે, વિટામિન બી-કૉમપ્લેક્સ (બી1, બી2, બી3 તથા બી 5 )ની સાથે કૅલ્શ્યિમ, ઍન્ટિ ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે.
ભારતમાં કાળી દ્રાક્ષની ખેતી મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ ્રપ્રદેશમાં 21 હજાર હૅક્ટરથી વધુ વિસ્તારમાં થાય છે. જેમાં મહારાષ્ટ્રમાં 90 ટકા ઉત્પાદનની સાથે ભારતમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે. સરિચા સીડલેસ મહારાષ્ટ્રના સોલાપુરમાં તથા નાસિક ક્ષેત્રમાં 17 હજાર હૅક્ટરથી વધુ ક્ષેત્રમાં પાકે છે.
નાનાસાહેબ પર્પલ સીડલેસની ઉત્તમ ફળની ખેતી બાદ તેની નિકાસ મોટા પાયે કરવામાં આવે છે.
કાળી દ્રાક્ષ નાસ્તામાં ખાઈ શકાય છે. સ્મુધી કે જ્યૂસ બનાવીને પી શકાય છે. સલાડમાં ભેળવીને ખાઈ શકાય છે. કાળી દ્રાક્ષનું રાયતું તથા કાળી દ્રાક્ષનો જામ બનાવી શકાય છે. કાળી દ્રાક્ષ ભેળવીને લીંબુનું સ્વાદિષ્ટ શરબત બનાવી શકાય છે.
કાળી દ્રાક્ષનો કૉકટેલ જ્યૂસ
સામગ્રી: 3 કપ કાળી દ્રાક્ષ, 3-4 નંગ પાઈનેપલની સ્લાઈસ, 1 નંગ સફરજન, 2 મોટી લીલી ચાની પત્તી, 1 નંગ લીંબુનો રસ, 2 ચમચી ખાંડ, ચપટી સંચળ, 4-5 ટુકડા બરફ.
બનાવવાની રીત : સૌ પ્રથમ 1 વાટકી ખાંડમાં 1 ગ્લાસ પાણી લેવું. તેમાં લીલી ચાના પાન ભેળવવાં. મિશ્રણને 5 મિનિટ માટે ઉકાળવું. દ્રાક્ષને મીઠાના પાણીમાં રાખીને સાફ કરવી. ત્યારબાદ મિક્સર જારમાં કાળી દ્રાક્ષ, પાઈનેપલની સ્લાઈસ, સફરજન, ભેળવવું. સ્વાદાનુસાર સંચળ, લીંબુનો રસ ભેળવવો. લીલી ચાનું પાણી બરાબર ઉકળી જાય તથા ઠંડુ થાય ત્યારબાદ મિક્સરમાં દ્રાક્ષના રસ સાથે ભેળવું. બરફના ટુકડા મૂકીને બરાબર એકરસ થાય ત્યારબાદ ગાળી લેવું. કાચના ગ્લાસમાં સ્વાદિષ્ટ ગરમીમાં ઠંડક આપે તેવો ઠંડો જ્યૂસ પીવા માટેઆપવો.