માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આપણે જમીન પર મોટા શહેરો વસતા જોયા છે, પરંતુ હવે વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો સમુદ્રના અફાટ મોજાઓ વચ્ચે એક આખું શહેર વસાવવાનું સપનું જોઈ રહ્યા છે. આ કોઈ સામાન્ય જહાજ નથી, પણ એક એવું તરતું મહાનગર છે જેને 'ફ્રીડમ શિપ' નામ આપવામાં આવ્યું છે. 'ફ્રીડમ શિપ'નો કોન્સેપ્ટ હકીકતમાં તો માનવીય કલ્પના અને એન્જિનિયરિંગની મર્યાદાઓને પડકારનારો છે, ચાલો તમને આ વિશે આખી સ્ટોરી વિસ્તારથી જણાવીએ...
ફ્રીડમ શિપ મેગા પ્રોજેક્ટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે લોકો તેમાં કાયમી ધોરણે વસવાટ કરી શકશે, ઓફિસ ચલાવી શકશે, બિઝનેસ કરી શકશે અને દુનિયાભરમાં ફરતા રહીને પોતાની સામાન્ય જિંદગી જીવી શકશે. હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ આ ફ્રીડમ શિપની જ ચર્ચા થઈ રહી છે અને લોકો આ શિપને સમુદ્ર પર તરતું શહેર ગણાવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર આ જહાજ કદમાં એટલું વિશાળ હશે કે તે વર્તમાન સમયના દુનિયાના સૌથી મોટી ક્રૂઝ શિપ 'આઈકોન ઓફ ધ સીઝ' કરતાં પણ ઘણું મોટું હશે. તેની લંબાઈ આશરે 4,500 ફૂટ એટલે કે લગભગ 1.3 કિલોમીટર જેટલી અંદાજવામાં આવી છે. આ તરતા શહેરમાં એકસાથે 80,000 જેટલા લોકો રહી શકશે, જેમાં 50,000 કાયમી રહેવાસીઓ હશે અને બાકીના પ્રવાસીઓ તેમજ ક્રૂ મેમ્બર્સ હશે.
સમુદ્ર પર વસનારા આ આધુનિક શહેરમાં લક્ઝરી હોટેલ્સ, શોપિંગ મોલ્સ, સ્કૂલ, હોસ્પિટલ, લાઈબ્રેરી અને બિઝનેસ સેન્ટર જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે, જેથી અહીં રહેતા લોકોને પોતાની કોઈ પણ જરૂરિયાત માટે ક્યારેય જમીન પર પાછા ફરવાની જરૂર જ નહીં પડે. આ જહાજની સૌથી મોટી અને આકર્ષક વિશેષતા એ છે કે તેના સૌથી ઉપલા હિસ્સા પર એક આખું એરપોર્ટ બનાવવાની યોજના છે, જ્યાં નાના કોમર્શિયલ અને પ્રાઇવેટ વિમાનો સરળતાથી ટેકઓફ અને લેન્ડિંગ કરી શકશે.
આ ફ્રીડમ શિપ કોઈ એક દેશ કે બંદર સાથે બંધાયેલું નહીં રહે, પરંતુ તે સતત સમુદ્રના માર્ગે પ્રવાસ કરતું રહેશે. અમેરિકા, યુરોપ, આફ્રિકા અને એશિયા જેવા ખંડોના દરિયાઈ માર્ગો પરથી પસાર થઈને આ જહાજ દર બે વર્ષમાં આખી પૃથ્વીનું એક ચક્કર પૂરું કરશે. જોકે, પોતાના અસાધારણ કદના કારણે આ જહાજ દુનિયાના કોઈ પણ પરંપરાગત પોર્ટ એટલે કે બંદર પર ક્યારેય લાંગરી નહીં શકે. આથી તેને હંમેશાં દરિયાની વચ્ચે જ રાખવામાં આવશે અને પ્રવાસીઓની અવરજવર માટે નાની બોટ કે પ્લેનનો ઉપયોગ કરવામાં આવશે.
અલબત્ત, આ પ્રોજેક્ટ જેટલો અદ્ભુત લાગે છે, તેને હકીકતમાં બદલવો એટલો જ મુશ્કેલ છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 12 બિલિયન ડોલર એટલે કે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ થવાની સંભાવના છે, અને આટલું મોટું ભંડોળ એકઠું કરવું એ સૌથી મોટો પડકાર છે. આ સિવાય એન્જિનિયરો માટે સમુદ્રના ભયાનક તોફાનો, ઊંચા મોજાઓ વચ્ચે આ મહાકાય જહાજનું સંતુલન જાળવવું અને હજારો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ એક બહુ મોટી અગ્નિપરીક્ષા સમાન છે.
આટલા વર્ષો પછી પણ આ સપનું માત્ર કાગળ પર, બ્લુપ્રિન્ટ્સ અને એઆઈ કોન્સેપ્ટ આર્ટ સુધી જ સીમિત રહ્યું છે. પરંતુ જો ભવિષ્યમાં તેને મંજૂરી અને યોગ્ય ફંડિંગ મળી જશે, તો આ દુનિયાનું પહેલું સાચું તરતું શહેર બનશે જે માનવ ઈતિહાસને હંમેશ માટે બદલી નાખશે.