Sun Jul 26 2026

Logo

FASTag યુઝર્સ સાવધાન! એક નાનકડી ભૂલ અને બેન્ક એકાઉન્ટ થઈ ખાલી, NHAIએ આપી ખાસ માહિતી...

2026-03-07 14:51:00
Author: Darshana Visaria
Article Image

આજકાલ જમાનો ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો છે અને એની સાથે સાથે સ્કેમર્સ પણ એડવાન્સ અને સ્કેમ કરવાના નવા નવા પેંતરાઓ અજમાવતા રહે છે. તાજેતરમાં સ્કેમર્સ દ્વારા ફાસ્ટેગ (FASTag) યુઝર્સને નિશાન બનાવીને એક મોટું સ્કેમ કરવામાં આવી રહ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ સ્કેમને ધ્યાનમાં લઈને જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ પણ આ અંગે યુઝર્સને સાવધ રહેવાની ચેતવણી ઉચ્ચારી છે. ચાલો જોઈએ શું છે આ સ્કેમ અને કઈ રીતે સ્કેમર્સ લોકોને પોતાનો નિશાનો બનાવી રહ્યા છે-

રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર સ્કેમર્સ દ્વારા ફાસ્ટેગ રિચાર્જ અને કેવાયસી અપડેટ કરવાના નામે અસલી જેવી જ દેખાતી નકલી વેબસાઈટ્સ બનાવવામાં આવી છે. જ્યારે પણ કોઈ યુઝર્સ ગુગલ સર્ચ કરીને આ વેબસાઈટ પર જાય છે, ત્યારે તેમને રિચાર્જ કરવા માટે કહેવામાં આવે છે અને જેવી તેઓ પોતાની બેંકિંગ ડિટેઈલ્સ નાખે એટલે તરત જ તેમનું એકાઉન્ટ હેક થઈ જાય છે.

વાત કરીએ કઈ રીતે આ આખો સ્કેમ થાય છે એની તો તમને એક મેસેજ આવે છે કે તમારું ફાસ્ટેગ કેવાયસી એક્સપાયર થઈ ગયું છે, એકાઉન્ટ ચાલુ રાખવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. આ સિવાય કોઈ યુઝર્સ જ્યારે ગુગલ પર કસ્ટમર કેર પર નંબર સર્ચ કરે છે ત્યારે ઘણી વખત નકલી કસ્ટમર કેર નંબર મળે છે, જેના પર કોલ કરતાં કર્મચારી કે ઓફિસર બનીને સ્કેમર્સ તમારી પાસે એટીપી માંગે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ બનાવટી વેબસાઈટનો દેખાવ એકદમ એનએચએઆઈની બેંકની ઓફિશિયલ વેબસાઈટ જેવો જ રાખવામાં આવ્યો છે જેથી સામાન્ય માણસ તરત જ છેતરાઈ જાય છે. આખું સ્કેમ કઈ રીતે થાય છે એ જાણી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ અસલી અને નકલી વેબસાઈટ વચ્ચેનો તફાવત ઓળખી શકાય એની... 

અસલી અને બનાવટી વેબસાઈટ વચ્ચેના તફાવતને ઓળખતી વખતે હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે ઓફિશિયલ વેબસાઈટની શરૂઆત હંમેશા જ https:// થી થાય છે. આ સિવાય જો URLમાં સ્પેલિંગ મિસ્ટેક હોય (દા.ત. Fastagની જગ્યાએ Fasttag) તો એ વેબસાઈટ બનાવટી છે. આ ઉપરાંત ફાસ્ટેગ માટેનું એકમાત્ર ઓફિશિયલ પોર્ટલ ihmcl.co.in છે.

બચવા માટે આટલું ખાસ કરો:
* હંમેશા પોતાની બેંકની એપ અથવા 'My FASTag App'નો જ ઉપયોગ કરો.
* કોઈ પણ બેંક કે એનએચએઆઈ અધિકારી ક્યારેય ફોન પર તમારી પાસે ઓટીપી કે પાસવર્ડ માંગતા નથી.
* સોશિયલ મીડિયા કે અજાણ્યા નંબર પરથી આવેલી કોઈ પણ લિંક પર ક્લિક કરીને પેમેન્ટ કરવાનું ટાળો.

જો ફ્રોડ થાય તો શું કરવું?
જો તમે ભૂલથી આવી કોઈ લિંક પર ક્લિક કરી દીધું હોય અથવા પૈસા કપાઈ ગયા હોય, તો તાત્કાલિક 1930 નંબર પર કોલ કરીને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવો અથવા www.cybercrime.gov.in પર લોગ-ઈન કરો.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો, જેથી તેઓ પણ સ્કેમર્સના જાળમાં ના ફસાય. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...