નવી દિલ્હી: ભારતીય નૌકાદળે મુંબઈ સ્થિત નેવલ ડોકયાર્ડ ખાતે સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ 'INS નિપુણ' નો તેના કાફલામાં સમાવેશ કર્યો છે. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (HSL) દ્વારા સ્વદેશી ટેકનોલોજી વડે તૈયાર કરાયેલ INS નિપુણ ઊંડા સમુદ્રમાં કોઈપણ મિશન પાર પાડી શકે છે.
નૌકાદળના વડા એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનની અધ્યક્ષતામાં આયોજિત ઉદ્ઘાટન સમારોહ સાથે જ પશ્ચિમી નૌકાદળને 'INS નિસ્તાર' ની સમકક્ષ એક સમર્પિત ડાઇવિંગ સપોર્ટ વેસલ મળી ગયું છે. ઉલ્લેખનીય છે કે, INS નિસ્તાર ગયા વર્ષે જુલાઈમાં કાફલામાં સામેલ થયા બાદથી પૂર્વી નૌકાદળ કમાન્ડ હેઠળ પોતાની સેવાઓ આપી રહ્યું છે.
વિશાખાપટ્ટનમના હિન્દુસ્તાન શિપયાર્ડ દ્વારા નિર્મિત અને 75% સ્વદેશી સામગ્રીથી બનેલું 8,500 ટન વજન ધરાવતું આ જહાજ 300 મીટરની ઊંડાઈ સુધી સેચ્યુરેશન ડાઇવિંગ અને સંકટગ્રસ્ત સબમરીનમાંથી ક્રૂને સુરક્ષિત બહાર કાઢવા જેવા કઠિન મિશનને પાર પાડવામાં સક્ષમ છે.
અત્યાધુનિક ક્ષમતાઓ અને સુવિધાઓ
આ જહાજ સમુદ્રમાં 300 મીટર સુધીની ઊંડાઈએ સેચ્યુરેશન ડાઇવિંગ અને 75 મીટર સુધી સાઇડ-સ્ટેજ ડાઇવિંગ અભિયાનો હાથ ધરવામાં સક્ષમ છે. તે સમુદ્રના ભારે મોજાં અને ખરાબ હવામાનમાં પણ સ્થિર રહી શકે છે. જેના કારણે તે સમુદ્રની અંદર ફસાયેલી સબમરીન અને નૌસૈનિકોને સરળતાથી સુરક્ષિત બહાર કાઢી શકે છે.
આ ઉપરાંત, જો કોઈ જહાજ અથવા મશીન સમુદ્રની અંદર ખરાબ થઈ જાય છે, તો તે તેનું ત્યાં જ સમારકામ (રિપેર) કરી શકે છે. ઊંડા સમુદ્રમાં જટિલ અભિયાનો માટે, તેમાં 15 ટનની સબ-સી ક્રેન, ડાયનેમિક પોઝિશનિંગ સિસ્ટમ અને 1,000 મીટરની ઊંડાઈ સુધી કામ કરવા સક્ષમ 'રિમોટલી ઓપરેટેડ વ્હીકલ્સ' (ROV) તૈનાત કરવામાં આવ્યા છે.
ખાસિયત
જહાજમાં આઠ પથારીવાળી હોસ્પિટલ, એક સઘન ચિકિત્સા એકમ (ICU), એક ઓપરેશન થિયેટર અને હાઈપરબેરિક ચિકિત્સા સુવિધાઓ પણ છે, જે તેને ઊંડા સમુદ્રમાં ગોતાખોરી (ડાઇવિંગ) સંબંધિત તબીબી સમસ્યાઓનો સામનો કરવાની ક્ષમતા પ્રદાન કરે છે.
2018માં થયો હતો કરાર
ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ મંત્રાલયે સપ્ટેમ્બર 2018માં HSL સાથે અંદાજે 2,393 કરોડ રૂપિયાના ખર્ચે આવા બે જહાજો માટે કરાર કર્યો હતો. જેમાં INS નિસ્તારનો પાયો ડિસેમ્બર 2019માં અને નિપુણનો પાયો તેના ત્રણ મહિના પછી નાખવામાં આવ્યો હતો.
વિશાખાપટ્ટનમ સ્થિત 'હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ' (HSL) દ્વારા નિર્મિત INS નિપુણને વ્યાપક અને કડક દરિયાઈ પરીક્ષણો બાદ 30 જુલાઈના રોજ નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે એટલે કે 31 ઓગસ્ટ, સોમવારના રોજ તેને ભારતીય નૌકાદળમાં કમિશન (સામેલ) કરવામાં આવ્યું છે.