Sun Mar 08 2026

Logo

પશુપ્રેમની અનોખી મિશાલ: 28 વર્ષ સાથ આપનાર બળદના મોત પછી ખેડૂતે મુંડન કરાવી કરી અંતિમવિધિ

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

સંભાજીનગરઃ ખેતીવાડી, ખેડૂત અને બળદ આપણી અર્થ વ્યવસ્થા, અર્થતંત્ર અને સંપૂર્ણ જીવનની કરોડરજ્જુ છે. ખેડૂત પોતાના બાળકો અને પરિવારને જેટલો પ્રેમ કરે છે, તેટલો જ પ્રેમ તે પોતાના બળદને પણ કરે છે, જે તેના માટે રાજા જેવો છે અને ખેતીના દરેક કાર્યમાં તેને ટેકો આપે છે.

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના કલ્યાણ વિસ્તારમાંથી આવી જ એક ભાવનાત્મક ઘટના સામે  આવી છે. પૈઠણ તાલુકાના ખેડૂત મોહન બાપુરાવના પરિવારે છેલ્લા 28 વર્ષથી તેમની સાથે રહેલા 'ખાંડ્યા' નામના તેમના બળદ માટે અનોખી રીતે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

પાચોડના કલ્યાણ વિસ્તારમાં રહેતા મોહન પાસે આ બળદ 28 વર્ષથી હતો. દર વર્ષે, તે "બલિરાજા" ની જેમ મોહનને તેના દરેક કાર્યમાં મદદ કરતો હતો. ખેતર ખેડવાનું હોય કે અન્ય કોઈ કૃષિ કાર્ય, "ખંડ્યા" હંમેશા તેની પડખે રહેતો. થોડા દિવસ પહેલા 'ખાંડ્યા'નું અવસાન થયું. ઘણા વર્ષોથી પરિવાર સાથે રહેલા આ બળદના મૃત્યુ પછી, ખેડૂતે એક મનુષ્યની જેમ તેના અંતિમ સંસ્કાર કર્યા અને તેરમા દિવસની વિધિ માટે ગ્રામજનો અને સંબંધીઓને આમંત્રણ આપ્યું.

બળદના મૃત્યુ પછી, મોહને પરંપરાગત સુતક (શોકનો પરંપરાગત સમય) પાળ્યું. તેમણે સામાન્ય રીતે નજીકના સંબંધીના મૃત્યુ પર કરવામાં આવતી વિધિ પ્રમાણે માથે મુંડન કરાવ્યું. બળદના મૃત્યુના દસ દિવસ પછી, તેના આત્માની શાંતિ માટે વિધિ અનુસાર દસક્રિયા કરવામાં આવી, જેમાં વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યો.

પરિવારનું માનવું છે કે ખાંડ્યા બળદે આટલા વર્ષો તેમની સેવા કરી છે, તે માનવ જેટલો જ આદર મેળવવાને પાત્ર છે. આ ઘટના સંદેશ આપે છે કે ગ્રામીણ ભારતમાં માનવ અને પ્રાણીઓ આજે પણ પરંપરા, કરુણા અને કૃતજ્ઞતાની ભૂમિકા ભજવે છે.