Sat Jun 27 2026

Logo

સરકારી યોજનાઓનો લાભ લેવા બનાવટી રેશનિંગ કાર્ડ તૈયાર કરનારી ટોળકી પકડાઈ

2026-02-21 19:53:46
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મહાત્મા જ્યોતિબા ફુલે જન આરોગ્ય યોજના જેવી વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે બનાવટી રેશનિંગ કાર્ડ તૈયાર કરી ઝૂંપડાવાસીઓને પૂરાં પાડનારી ટોળકીને દિંડોશી પોલીસે પકડી પાડી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સુજલ સત્યાનારાયણ દયાલ (21), રાકેશ ભગત સિંહ (43), દિનેશકુમાર પ્રેમચંદ કેસરવાણી (40), એડવર્ડ ઉર્ફે સોનુ સેબસ્ટિન ડિસોઝા (46), મણિશંકર હરિશંકર શર્મા (31), વિપિન રાજકુમાર પાંડે (42) અને વિરુ રામનારાયણ ગુપ્તા (31) તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

ધરપકડ કરાયેલા આરોપી પાસેથી 343 બનાવટી રેશનિંગ કાર્ડ, નવ મોબાઈલ ફોન, ઝૂંપડાધારકોનો 2000-2001નો સર્વે, એમએમઆરડીએના એલોટમેન્ટ લેટર તેમ જ બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા વપરાતા લૅપટોપ, બે પ્રિન્ટર અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં, એવું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ સાતમી ફેબ્રુઆરીએ પેટ્રોલિંગ પર હાજર દિંડોશી પોલીસ સ્ટેશનના અધિકારીએ મલાડ પૂર્વમાં રાણી સતી માર્ગ પરની એક હોટેલ નજીકથી સુજલ દયાલને તાબામાં લીધો હતો. તેની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. તેની પાસેની થેલીની તપાસ કરતાં ત્રણ બનાવટી કોરાં રેશનિંગ કાર્ડ, એમએમઆરડીએના ત્રણ એલોટમેન્ટ લેટર સહિતના અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા.

આરોપી દયાલની વધુ તપાસ કરતાં વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા તે બનાવટી રેશનિંગ કાર્ડ તૈયાર કરી આપતો હોવાનું જાણવા મળ્યું હતું. પૂછપરછને આધારે તેના ઘરે સર્ચ કરતાં વધુ 340 રેશનિંગ કાર્ડ તેમ જ તે તૈયાર કરવાનાં સાધનો મળી આવ્યાં હતાં.

આ ગંભીર પ્રકારનો ગુનો હોઈ તેની વ્યાપ્તિના અંદાજા પરથી ડીસીપી મહેશ ચિમટેએ તપાસ માટે પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ટીમ બનાવી હતી. દિંડોશી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર મહેન્દ્ર શિંદેની ટીમે કુશળતાથી તપાસ કરી મીરા રોડ, થાણે અને વસઈ પરિસરમાંથી દયાલના સાથી અને એજન્ટોને પકડી પાડ્યા હતા. પકડાયેલા સાત આરોપીમાં વિવિધ હૉસ્પિટલોમાં કમિશન પર કામ કરનારા એજન્ટનો પણ સમાવેશ હોવાનું પોલીસે જણાવ્યું હતું.