ભરત ભારદ્વાજ
અયોધ્યા રામ મંદિરના દાનની ચોરીના વિવાદ વચ્ચે રામ મંદિરનો વહીવટ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારી લેવાયું અને ચંપત રાયના સ્થાને કૃષ્ણ મોહનને નવા મહાસચિવ બનાવી દીધા. ચંપત રાય અને અનિલ મિશ્રાએ અઠવાડિયા પહેલાં જ રાજીનામાં ધરી દીધેલાં પણ ટ્રસ્ટના બંધારણની છટકબારીનો લાભ લઈને બંને હોદ્દા પર ચીટકી રહેશે એવી આશંકા વ્યક્ત કરાતી હતી.
સદનસીબે એવું કશું થયું નહીં ને ટ્રસ્ટના બંધારણ પ્રમાણે જ રાય ને મિશ્રાનાં રાજીનામાં સ્વીકારીને બંનેને રવાના કરી દેવાયા. ચંપત રાયના સ્થાને આવેલા કૃષ્ણ મોહન ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS)ના ભૂતપૂર્વ અધિકારી છે અને અત્યારે ટ્રસ્ટી છે જ. કૃષ્ણ મોહનને વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે મહાસચિવ બનાવાયા છે જ પણ તેમણે શરૂઆતમાં જ બતાવેલા અભિગમને જોતાં રામ મંદિરનો વહીવટ પાટે ચડે એવી આશા જાગી છે.
કૃષ્ણ મોહને સૌથી પહેલું પ્રશંસનીય કામ રામ મંદિરને મળેલી સોના-ચાંદી સહિતની ચીજોનો હિસાબ લોકો સામે મૂકીને કર્યું છે. રામ જન્મભૂમિ ચળવળના કાર્યકર સંતોષ દુબેએ આક્ષેપ કરેલો કે, રામ મંદિરમાંથી લગભગ 1,250 કિલો સોનું, મોટા પ્રમાણમાં ચાંદી, હીરાજડિત અને અષ્ટધાતુ ઇંટો ગુમ થઈ ગઈ છે.
ફેબ્રુઆરી 2021 થી જુલાઈ 2022 સુધી રામ મંદિરના એકાઉન્ટ ઓફિસર રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક મહિપાલસિંહે પણ કહેલું કે, રામ મંદિરમાં દાનમાં આવતા સોના-ચાંદીનો કોઈ લેખિત રેકોર્ડ રાખવામાં આવતો નથી. સોના-ચાંદી સહિતના ધાતુના દાનના ફોટો લઈને આ ચીજો ચંપત રાયને મોકલી દેવાતી હતી. ટિન્નુ આવીને બધું લઈ જતો પછી બધું ક્યાં જતું તેની કોઈને ખબર નથી. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે રામ મંદિરમાં ગયા ત્યારે ચાર કિલો ચાંદીની ઈંટો ભગવાનનાં ચરણોમાં સમર્પિત કરી હતી. આ ચાંદી પણ મળતી નથી એવા આક્ષેપો થયા હતા.
બીજા પણ આક્ષેપો થયેલા અને તેના કારણે એવી શંકા ઊભી થયેલી કે, ચોરો રૂપિયા તો ઠામી જ ગયા પણ ભગવાનને દાનમાં મળેલી ચીજોને પણ છોડી નથી. ભગવાનના ધામમાં પણ ધાપ મારીને બધું સગેવગે કરી નાંખ્યું છે. રામ મંદિર ટ્રસ્ટે આ આશંકાઓને નિર્મૂળ કરવા માટે દાનમાં મળેલી ચીજોનું રજિસ્ટર જાહેરમાં મૂકી દીધું. એટલું જ નહીં પણ જે પાંચ ખાસ ચીજો ચોરાઈ ગઈ હતી તેને પણ લોકો સામે મૂકી દીધી.
ટ્રસ્ટના ખજાનચી ગોવિંદદેવ ગિરિએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, અમારી પાસે આવી 2800 વસ્તુઓની યાદી ધરાવતું રજિસ્ટર છે અને બધી ચીજો સુરક્ષિત પણ છે તેથી ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે અમે પાંચ ખાસ વસ્તુઓ ફક્ત નમૂના તરીકે બતાવવા માટે લાવ્યા છીએ પણ જરૂર પડશે તો બધી ચીજો રજૂ કરવાની પણ અમારી તૈયારી છે.
રામ મંદિર ટ્રસ્ટનું આ વલણ એકદમ યોગ્ય છે કેમ કે ધર્મસ્થાનનો વહીવટ પારદર્શક અને શંકાથી પર હોવો જ જોઈએ. ચંપત રાય આણી મંડળીએ કુલડીમાં ગોળ ભાંગીને ગોરખધંધા કર્યા અને બધું છુપાવી છુપાવીને કર્યું તેમાં ભગવાન રામના ધામ સાથે એક કલંકિત પ્રકરણ જોડાઈ ગયું. ચોરોના અધર્મના કારણે ધર્મનું ધામ કલંકિત થાય એ શરમજનક કહેવાય પણ જે થયું તેને ભૂંસી શકવાના નથી તેથી જાગ્યા ત્યારે સવાર કરવી પડે. રામ મંદિર ટ્રસ્ટ જાગ્યા ત્યારથી સવાર કરીને હવે પછી પારદર્શકતા રાખે અને કશું છુપાવે નહીં તો કોઈ અધર્મ નહીં થાય.
રામ મંદિર ટ્રસ્ટે એ દાનમાં મળેલી ચીજો તથા રજિસ્ટરનું જાહેરમાં પ્રદર્શન કરીને એ દિશામાં પહેલું કદમ ઉઠાવ્યું છે. હવે પછી દાનમાં મળેલી રોકડની ગણતરી કરવાનું કામ પણ ચોરીછૂપીથી કરવાના બદલે સૌને દેખાય એ રીતે થાય તો તેમાં પણ કોઈ ઘાલમેલ નહીં થાય. અત્યારે રોકડની ગણતરી કરવાનું કામ ખાનગી એજન્સી પાસે છે. તેના બદલે મંદિર શ્રદ્ધાળુઓને માનદ વેતન ચૂકવીને તેમની પાસે પણ આ કામ કરાવી શકાય.
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં રોકડમાં કોઈ દાન જ સ્વીકારાતું નથી અને માત્ર ઓનલાઈન જ દાન સ્વીકારાય છે. જે પણ રકમ આવે એ સીધી મંદિરના ખાતામાં જમા થાય તેથી રોકડની ચોરીનો ખતરો જ નહીં. અત્યારે મોટા ભાગનાં લોકો પે-એપ વાપરે છે ને સ્કેન કરીને પેમેન્ટ કરે છે તેથી આ સિસ્ટમ બહુ અસરકારક છે.
બીજાં મંદિરોમાં પણ આ પ્રકરની સિસ્ટમ હશે જ ને રામ મંદિરમાં પણ આવી જ સિસ્ટમ ગોઠવી શકાય કે જેથી ચોરીનો ખતરો જ ના રહે. આ તો એક વિકલ્પ છે પણ બીજી કોઈ એવી સિસ્ટમ પણ ગોઠવી શકાય કે જેના કારણે કોઈ પણ પ્રકારના આક્ષેપો જ ના થાય.
રામ મંદિરમાં ચોરીની વાતો બહાર આવી પછી એવા બચાવ થયા કે, આ મંદિરને બદનામ કરવાનું કાવતરું છે ને ઉપજાવી કાઢેલા આક્ષેપો થાય છે. રામ મંદિરના ટ્રસ્ટીઓએ અત્યારે પણ એ જ વાતો કરી છે. ગોવિંદદેવ ગિરિએ પોતે કહ્યું કે, જૂઠાણાનો પ્રપંચ ઊભો કરવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે બનાવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) તપાસ કરી જ રહી છે તેથી કાવતરું છે કે નહીં તેની ખબર પડી જશે પણ રામ મંદિરના ટ્રસ્ટીઓએ હવે જૂઠાણાંના પ્રપંચ સહિતની વાતોથી દૂર રહેવું જોઈએ કેમ કે રામ મંદિરમાં ચોરી થઈ છે એ હકીકત છે. આક્ષેપો થઈ રહ્યા છે કેમ કે રામ મંદિર સાથે સંકળાયેલા લોકો ચોરીના આરોપી છે અને જેમની જવાબદારી આ ચોરી રોકવાની હતી એ લોકોએ કશું ના કર્યું.
રામ મંદિરના ટ્રસ્ટીઓએ ચંપત રાયને પ્રમાણિકતાનાં સર્ટિફિકેટ આપવાનું પણ બંધ કરવું જોઈએ. ચંપત રાય કે તેમના મળતિયા ચોરીમાં સામેલ છે કે નહીં તેની તપાસ એસઆઈટી કરી જ રહી છે. આ તપાસમાં કોણે શું ભૂમિકા ભજવી એ બહાર આવવાનું જ છે. આ રિપોર્ટ બહાર આવે એ પહેલાં ચંપત રાયની પ્રમાણિકતા શંકાથી પર હોવાની વાતો કરીને ટ્રસ્ટીઓ એવી છાપ પાડી રહ્યા છે કે, તેમને ચંપત રાય સહિતનાં લોકોને છાવરવામાં રસ છે. તમે પોતે એવું કહો છો કે, કાયદો કાયદાનું કામ કરશે ત્યારે કાયદાને કાયદાનું કામ કરવા દો ને? તમે શું કરવા કાજી બની રહ્યા છો?
આ ટ્રસ્ટીઓની સરખામણીમાં રામ મંદિર ટ્રસ્ટના નવા મહાસચિવ કૃષ્ણમોહને અત્યંત સમજદારીભર્યું વલણ બતાવીને કહ્યું છે કે, રામ મંદિરના મેનેજમેન્ટ અને સંચાલનમાં ખામીઓ રહી ગઈ હતી અને હવે આ ખામીઓ દૂર કરવાની છે. ચોરીની ઘટનાના કારણે સમાજમાં બનેલા માહોલના કારણે આપણા ટ્રસ્ટની છબી ખરાબ થઈ છે અને આપણે બધા ટ્રસ્ટીઓ આ ખરાબ છબીને સુધારવાનો પ્રયાસ કરવાનો છે. કૃષ્ણ મોહને ટ્રસ્ટની ભૂલ સ્વીકારી જ નથી પણ તેમાં સુધારાની જરૂર હોવાનું પણ સ્વીકાર્યું છે. તેના કરતાં મોટી વાત એ છે કે, ટ્રસ્ટની ઈમેજ ખરાબ થઈ ગઈ હોવાનું પણ તેમણે નિખાલસતાથી સ્વીકાર્યું છે. આ અભિગમ બધાંએ અપનાવવો જોઈએ ને ટ્રસ્ટની ઈમેજ સુધારવા માટે મચી પડવું જોઈએ.