ડૉ. હર્ષા છાડવા
આપણી આસપાસનું કુદરતી આવરણ એટલે પર્યાવરણ. સમગ્ર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ પર્યાવરણ પર નિર્ભર છે. કુદરતી પર્યાવરણ અનેક વિજાતીય કે વિવિધ ઘટકોનું બનેલું છે. દરેક જીવની બધી જ ક્રિયા કુદરતી પર્યાવરણ પર આધારિત છે. સરળ શબ્દોમાં વ્યક્તિની એકંદર પરિસ્થિતિ કે જેની વચ્ચે વ્યક્તિને રહેવાનું હોય તે લોકો અને સ્થિતિ સંજોગોને પર્યાવરણ કહેવામાં આવે છે. પર્યાવરણ એ બહુ જટિલ બાબત છે. તેમાં નિર્જીવ, જીવ જૈવ અને માનવજાતનો સમાવેશ થાય છે. જીવન અને વિકાસ અસર કરતાં તમામ પરિબળોનો સરવાળો એટલે સજીવનું પર્યાવરણ. સ્વસ્થ જીવન માટે પર્યાવરણ શુદ્ધ હોય તે મહત્ત્વનું છે.
પર્યાવરણની સુરક્ષાનો પ્રશ્ર્ન ઘણો ગંભીર બન્યો છે. વિશ્વના ઘણાંય દેશો પર્યાવરણ માટે ચિંતિત તો છે. પણ હજુ જાગૃતિ ઓછી છે. વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂને ઉજવાય છે. માનવી પોતાની ભોગ અને મોજશોખની વસ્તુઓ માટે પર્યાવરણને નુકસાન કરવાવાળો સિદ્ધ થયો છે. પર્યાવરણ માટેના કુદરતી સંસાધનો એટલે વૃક્ષો, જંગલોનાં વૃક્ષોનો વધુ પડતો નાશ થઈ રહ્યો છે.
હાલમાં ચાલી રહેલાં યુદ્ધો પણ કુદરતી રીતે જમીનમાં ધરબાયેલા (દટાયેલા) ખનીજો માટે થઈ રહ્યા છે. જેના કારણે પર્યાવરણ દૂષિત બની રહ્યું છે. વૃક્ષોના નાશથી પાણીની પણ અછત સર્જાઈ રહે છે. આ બધાં કારણો તો સહુ જાણે છે. પણ અસલ કારણો કોઈ સ્વીકારવા તૈયાર નથી કે તેની તરફ લોકોનું ધ્યાન નથી. દરેક વ્યક્તિ આની માટે જવાબદાર છે. દરેક વ્યક્તિ પર્યાવરણનું નુકસાન ખૂબ મોટે પાયે કરી રહ્યો છે. વિશ્ર્વના દેશો પર્યાવરણ માટેનાં પગલાં લે છે, પણ થોડાં વૃક્ષો વાવી દેવાથી આ સમસ્યાનો હલ નથી થવાનો, ખરેખર મૂળ કારણોને જ ડામવા પડશે.
આધુનિક મશીનો ઓગણીસમી સદીમાં ખૂબ મોટા પાયે વિકસિત થયા. એના ફાયદાઓ વિકાસ માટે થયા પણ આ વિકાસને કારણે પર્યાવરણનું ખૂબ મોટે પાયે નુકસાન પણ થયું છે, જે આજનો ગંભીર વિષય છે. દરેક વ્યક્તિ જવાબદાર છે એ હું એટલા માટે કહું છું કે આ આધુનિકતાથી કોઈપણ બચી શકયું નથી.
કારખાનામાં બનતાં ખાદ્ય પદાર્થ જેવા કે સાકર, રિફાઈન્ડ તેલ, સોડા, ચહા, કોફી, બેકરી પ્રોડ્કસ, ટૂથ પેસ્ટ, આઈસક્રીમ, ચોકલેટ, પ્રીઝર્વેટીવ નાખી બનતા ખાદ્ય પદાર્થ ફરસાણ જે ફેક્ટરીમાં બને છે આ બધા જ પદાર્થો ને કારણે વાતાવરણ વધુ પ્રદૂષિત થાય છે. માનવનું સ્વાસ્થ્ય બગડે છે તેની માટેની દવાઓ જે કેમિકલથી બને છે. તે પ્રદૂષણથી પર્યાવરણને ખૂબ હાનિ પહોંચે છે. તેની માટે દરેક વ્યક્તિ જવાબદાર છે.
સાકર બનાવવા માટેના કેમિકલો જેવા કે કેલ્શિયમ ઓકસાઈડ (લાઈમ), સલ્ફર ડાયોક્સાઈડ, ફોસ્ફરીક એસિડ, કાર્બન ડાયોક્સાઈડ, પોલીક્રામાઈડ, એક્ટિવ કાર્બન, ફોર્મલડી હાઈડ (જીવાણુ મારવાની દવા), બોનચેર (હાડકાના કોલસા), બ્લીચ, સોડિયમ હેક્સામેટા ફોસ્ફેટ, બેજાલ્કોનિયમ ફલોરાઈડ, સાઈટ્રીક એસિડ, બાયોસાઈડ્સ, પોલીઅમાઈન, રી-કલર એંજન્ટ, જેવાં કેમિકલો નાખવામાં આવે છે. આ કેમિકલો બનાવવા માટેની ફેક્ટરીઓ જે વાતાવરણમાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફલાવે છે.
સાકર ખાદ્ય-પદાર્થ, દવાઓ બનાવવા માટે ઉપયોગ થાય જેથી મળ-મૂત્રમાં પણ આ કાર્બન બહાર ફેંકાય છે જેના કારણે ગટરો અને પાણી પણ પ્રદૂષિત થાય છે. સાકરનો ઉપયોગ બંધ કરી દેવામાં આવે તો લગભગ વીસ ટકા જેટલું પ્રદૂષણ બંધ થઈ જાય માનવ પણ સ્વસ્થ રહે.
રિફાઈન્ડ તેલમાં વપરાતા કેમિકલો હેકઝીન (પેટ્રોલિયમ પ્રોડક્ટ છે), ફોસ્ફોરીક એસિડ, સોડિયમ હાઈડ્રોક્સાઈડ, બ્લિચિંગ અર્થ (એક્ટિવકલે) કોસ્ટીક સોડા, ડાઈક્લોરોમેથેન, જેવા એકસો પચાસ કેમિકલ વપરાય છે. આજે ઘરઘર રિફાઈન્ડ તેલ વપરાય છે. બહારના ફરસાણ બધા જ રિફાઈન્ડ તેલમાં બને છે. સાબુ, શેમ્પૂમાં પણ રિફાઈન્ડ તેલ વપરાય છે. જે શરીર માટે અતિઘાતક છે. આમાં વપરાતા કેમિકલોને બનાવવા માટે અન્ય કેમિકલ વપરાય છે આ બધાં જ પ્રદૂષણ માટે આપણે જવાબદાર છીએ.
ઘાણીમાં બનતું શુદ્ધ તેલ જે હાડકાંને મજબૂત કરે છે. એને બનાવવા માટે કોઈપણ પ્રકારના મશીન, કેમિકલ કે ફેક્ટરીની જરૂર પડતી નથી. સ્વાસ્થ્યની હાનિ પણ થતી નથી. આપણાં પ્રધાનમંત્રીએ પણ કહ્યું છે કે તેલનો ઉપયોગ ઘટાડી દ્યો. આપણે રિફાઈન્ડ તેલ અને તેનાથી બનતી વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા જોઈએે. પર્યાવરણને હાનિ નહીં પહોંચે.
ચહા બનાવવા માટે વપરાતા કેમિકલ ટેનિન એસિડ, ટેનિક એસિડ, ફરફયુરાલ (ઘાતક કેમિકલ) કેફેન, ગ્રીસઓઈલ, જેવા ઘણાંય કેમિકલ વપરાય છે. કોફીમાં લગભગ દોઢસો જેટલા કેમિકલ વપરાય છે, જે વાતાવરણમાં ઘણાયે કાર્બન છોડે છે. આ પદાર્થોનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે. આ બાબતમાં સુધાર કરવો આવશ્યક છે. જો વાત સમજાય તો વ્યક્તિ દરેક વ્યાધિઓથી મુક્ત થઈ શકે છે.
ફેક્ટરીમાં બનતા સિન્થેટીક કપડાંઓમાં ઘણાંય કેમિકલથી દોરા બને છે. તેમાં વપરાત સિન્થેટીક રંગો બનાવવા માટે પાણીનો ખૂબ મોટે પાયે વપરાશ થાય છે. કપડાં બનાવવા ફોર્માલ્ડિહાઈડનો ઉપયોગ ઘણોય થાય છે. આ કેમિકલ ગટરના જીવડા ને મારવા, મચ્છર મારવાની દવા અને લાશને સડતી અટકાવા માટે વપરાય છે. જીન્સ બનાવવા માટે ખૂબ મોટે પાયે રંગો અને કેમિકલ વપરાય છે. હાથ વણાટના કપડાં એ સ્વાસ્થ્ય માટે પર્યાવરણ માટે તેમ જ રોજગારી માટે સર્વશ્રેષ્ઠ છે.
આધુનિક સમયમાં મશીનરીથી બચવું ઘણુંય મુશ્કેલ છે. હા! પણ વપરાશ પર કંટ્રોલ કરવાથી આ મુશ્કેલીથી બચી શકાય છે. કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવાની કળા ભારતીય વ્યક્તિ પાસે અજબની છે. ધીમી ધીમી પાછી શરૂઆત કરવાનો વખત નજીક આવી રહ્યો છે. ફ્કત થોડાં વૃક્ષો લગાડી કે ખોટી બૂમો પાડવાથી કે ગ્લોબલ વોર્મિંગ વિશે ભાષણ દેવાથી કે એક દિવસ પર્યાવરણ દિવસ ઉજવવાથી કશો ફરક પડવાનો નથી. વ્યવસ્થા સુધારવાની જરૂર છે. એટલે આચરણમાં લાવવાની જરૂર છે.
તો પર્યાવરણ દિવસ એટલે કે પાંચ જૂનના એવો સંકલ્પ કરીએ કે કેટલા પદાર્થો આપણે ટાળી શકીએ છીએ, જેના ઉપયોગ વગર આપણે રહી શકીએ છીએ એ કોઈ મુશ્કેલ બાબત નથી. દરેક વ્યક્તિ પોતાની સમજથી પર્યાવરણ બચાવી શકે છે.