Tue Sep 01 2026

Logo

વલો કચ્છ: વૃદ્ધોનું સુખ પરિવારની લાચારી કે સમાજની જરૂરિયાત?

2026-08-23 07:35:30
Author: Giriraj
વલો કચ્છ: વૃદ્ધોનું સુખ પરિવારની લાચારી કે સમાજની જરૂરિયાત?

-  ગિરિરાજ

માધાપર રહેતા; લાકડીના ટેકે ચાલતા એક વૃદ્ધ સસરા, બે વિધુર દિયર અને માતા જેવી મોટી ભાભી, શ્રી ગ્રામ્ય સેવા સંગઠન રાપરમાં જીવન ગુજારતા મંદબુદ્ધિ સિનિયર સિટીઝન ગુણવંતીબેનને મળવા વૃદ્ધોની સંસ્થામાં આવ્યા હતા.
 
ગુણવંતીબેન તેમની ભાભી અને પરિવારનાં અત્યંત પ્રિય સભ્યને જોઈને સૌની આંખો ભીની થઈ ગઈ. ગુણવંતીબેનથી દૂર થવાની વેદના તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. 

સંસ્થાના શૈલેષભાઈ કોઠારીએ આ કિસ્સો વિસ્તારથી જણાવ્યો કે મોટી ભાભીએ હૈયું ખોલીને કહ્યું, ગુણવંતી ભલે મારી નણંદ હોય, પણ અમારા માટે તે દીકરી કરતાંય વધારે છે. 

58 વર્ષ સુધી અમે તેને લાડકોડથી ઉછેરી છે. તેને સંસ્થામાં મૂકવાનું અમારા જીવને નથી ગમતું, પણ શું કરીએ? અમે બધા ઘરડા થઈ ગયા છીએ. પરિવારમાં બે દીકરા છે, પણ તેઓ પણ આટલા બધા વૃદ્ધોને માંડ સાચવી શકે છે. 

સમાજમાં ટીકા થઈ, પણ અહીં આવીને ગુણવંતી સુખી લાગે છે. સમયસર દવા, ભોજન, નવી બહેનોનો સાથ અને સારું વાતાવરણ જોઈને અમને આનંદ થાય છે. તેની યાદ તો આવે છે, પણ તેનું સુખ જોઈને મન શાંત થાય છે. 

આ આજે લાખો પરિવારોની વાસ્તવિકતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં આજે 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લગભગ 15.6 કરોડ વૃદ્ધો છે, જે કુલ વસ્તીના લગભગ 11% છે. આગામી વર્ષોમાં આ સંખ્યા ઝડપથી વધશે. વર્ષ 2050 સુધીમાં વૃદ્ધોની સંખ્યા 32 કરોડને વટાવી જશે અને તે કુલ વસ્તીના 20% થઈ જશે એટલે કે દર પાંચ ભારતીયોમાંથી એક વ્યક્તિ વૃદ્ધ હશે.

થોડા દિવસ પહેલાં પાણીપતનો એક કિસ્સો સમાચારમાં જોયો. ત્યાના વૃદ્ધાશ્રમમાં રહેતા એક વડીલનું ટૂંકી માંદગી બાદ અવસાન થતાં અંતિમ વિધિ માટે સંસ્થાએ જ જહેમત ઉઠાવી હતી. 

ત્રણ દીકરીઓને સમય ન હોવાથી અંતિમ દર્શને પણ ન આવી. ત્રણ પૈકી એકે 5100 રૂપિયા વિધિ માટે મોકલી આપ્યા અને વીડિયો કૉલથી વિધિ નિહાળી લીધી. ત્યારે પણ આ જ ચર્ચા રજૂ હતી કે વડીલોને સાચવવા કે તેમની સાથે સમય વિતાવવાનો આજની પેઢી પાસે સમય નથી અને આ ‘ન્યુ નૉર્મલ’ પરિસ્થિતિ બની ઊભરી રહી છે. 

વૃદ્ધાશ્રમ અને ત્યાં રહેતા એ વડીલના સહવાસીઓએ પરિવાર બનીને શાસ્ત્રોક્ત વિધિ પૂર્ણ કરી આપી. શહેરીકરણ, યુવાનોનું સ્થળાંતર અને ન્યુક્લિયર પરિવારોના વધતા વલણને કારણે સંયુક્ત પરિવારની પરંપરા નબળી પડી છે. 

શહેરી વિસ્તારોમાં લગભગ 20% અને ગ્રામીણ વિસ્તારોમાં 10% વૃદ્ધો એકલા જીવે છે. યુવાનોની ઘટતી સંખ્યા અને વધતી શહેરી જીવનશૈલી આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહી છે.

આવી પરિસ્થિતિમાં વૃદ્ધો માટેની સંસ્થાઓ હવે સમાજનું કલંક નથી, પણ ગૌરવપૂર્ણ અને સુરક્ષિત જીવન માટેની આવશ્યક જરૂરિયાત છે. જ્યાં વૃદ્ધોને સમયસર સંભાળ, દવા, સાથીઓનો પ્રેમ અને હકારાત્મક વાતાવરણ મળે, તેવી સંસ્થાઓને સમાજે સ્વીકારવી અને મજબૂત બનાવવી જોઈએ. 

ચાલો, આપણે બધા મળીને વૃદ્ધોને તેમના જીવનનાં અંતિમ વર્ષોમાં સન્માન અને સુખ પ્રદાન કરીએ. તેમની સંભાળ લેવી એ આપણી સામૂહિક જવાબદારી છે.