Tue Jun 30 2026

Logo

નસરાપુર કેસમાં નરાધમને ફાંસીની સજા બાદ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું મોટું નિવેદન, કહ્યું ફરી કોઈ આવું કરવાની કોઈ હિંમત નહીં કરે

2026-06-29 14:06:00
Author: Darshana Visaria
Article Image

મુંબઈ/પુણે: પુણેના નસરાપુર વિસ્તારમાં બનેલી એક રુંવાડા ઉભા કરી નાખનારી ઘટનામાં પીડિત બાળકીને આખરે ન્યાય મળ્યો છે. પુણેની સેશેન્સ કોર્ટે આ કેસના મુખ્ય આરોપી ભીમરાવ કાંબળેને દોષિત જાહેર કરીને ફાંસીની આકરી સજા સંભળાવી છે. કોર્ટના આ ઐતિહાસિક અને કડક નિર્ણયનું સ્વાગત કરતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિવેદન જાહેર કર્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત રહે તે માટે તેમની સરકાર કટિબદ્ધ છે.

નસરાપુર કેસના ચુકાદા બાદ મીડિયા સાથે વાતચીત કરતા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ન્યાયતંત્રનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ નરાધમને મળેલી ફાંસીની સજા એ સમાજમાં એક મોટો દાખલો બેસાડશે. કોર્ટના આ નિર્ણય બાદ હવે ભવિષ્યમાં કોઈપણ ગુનેગાર આવી માસૂમ બાળકીઓ કે મહિલાઓ સામે આંખ ઉઠાવીને જોવાની કે આવું હીન કૃત્ય કરવાની હિંમત સુદ્ધાં નહીં કરે.

તેમણે આગળ એવું પણ ઉમેર્યું હતું કે, આવા નરાધમો સમાજ માટે કલંક સમાન છે અને કાયદાના માધ્યમથી તેમને વહેલામાં વહેલી તકે કડક સજા અપાવવી એ સરકારની પ્રાથમિકતા છે. પીડિત પરિવારને ન્યાય મળવાથી ન્યાયતંત્ર પર જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

પુણે જિલ્લાના નસરાપુરમાં બનેલી આ ઘટનાએ સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવી મૂક્યું હતું. આરોપી ભીમરાવ કાંબળે દ્વારા એક નાની બાળકી પર અત્યંત ક્રૂર અને અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસની ગંભીરતાને જોતા લોકલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં મજબૂત પુરાવાઓ રજૂ કર્યા હતા.

સેશેન્સ કોર્ટે તમામ સાક્ષીઓ અને તબીબી પુરાવાઓને ગ્રાહ્ય રાખતા આરોપી ભીમરાવ કાંબળેને દોષિત ઠેરવ્યો હતો. સરકારી વકીલની ધારદાર દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશે આ કેસને 'રેરેસ્ટ ઓફ રેર' ગણીને ફાંસીની સજા ફટકારી છે.

આ ચુકાદા બાદ સોશિયલ મીડિયા અને પુણેની જનતા તરફથી પણ ન્યાયતંત્ર અને પોલીસ પ્રશાસનની કામગિરીની પ્રશંસા થઈ રહી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ માટે પોલીસ વિભાગને પણ અભિનંદન આપ્યા હતા જેમણે સમયસર અને સચોટ તપાસ કરીને કેસને મજબૂત બનાવ્યો. આ નિર્ણયથી પીડિત બાળકીના પરિવારજનોએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે અને નરાધમને ફાંસીના માચડે લટકાવવામાં આવે તે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.