Tue Sep 01 2026

Logo

EDએ અમદાવાદના ઈરફાનની કરી ધરપકડ, હૈદરાબાદમાં શું ખેલ કર્યા એ જાણીને ચોંકી જશો

2026-08-11 10:11:00
Author: Mayur Patel
EDએ અમદાવાદના ઈરફાનની કરી ધરપકડ, હૈદરાબાદમાં શું ખેલ કર્યા એ જાણીને ચોંકી જશો

અમદાવાદઃ EDએ અમદાવાદના ઈરફાનની નકલી કોલ સેન્ટર કેસમાં ધરપકડ કરી હતી.  તે હૈદરાબાદમાં નકલી કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરિકોને છેતરીને મોટી રકમ પડાવતો હતો.

શું છે સમગ્ર મામલો

અમદાવાદ સહિત દેશભરમાં નકલી કોલ સેન્ટરો ચલાવીને રાતોરાત કરોડપતિ બની ગયેલા માફિયાઓ સામે ED દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હૈદરાબાદ EDની ટીમે અમદાવાદના ઇરફાન નામના શખ્સની ઊંડાણપૂર્વક પૂછપરછ કર્યા બાદ તેની સત્તાવાર ધરપકડ કરી હતી. ઈરફાન અને તેનીગેંગ ભારતમાંથી નકલી કોલ સેન્ટરો ચલાવીને અમેરિકાના નાગરિકોને ફોન કરતી હતી. તેઓ લોકોને વિવિધ લાલચો આપીને અથવા ધમકાવીને તેમની પાસેથી મોટી રકમ ડોલરમાં પડાવી લેતા હતા.

આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈના આ કેસમાં 2023થી તપાસ ચાલી રહી છે. અગાઉ આ રેકેટના માસ્ટરમાઇન્ડ વિકાસ કુમાર નિમાર ઉર્ફે 'મિશ્ટી' અને તેના પિતાની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. હજારો વિદેશી નાગરિકો સાથે કરોડો રૂપિયાની લૂંટ ચલાવાઈ હોવાથી આ કેસમાં અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી FBI અને ભારતની ED બંને તપાસ કરી રહી છે.

વર્ષ 2023માં હૈદરાબાદના માધાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એજન્સીએ શંકાસ્પદ બેંક ખાતાઓ, વિદેશમાંથી આવેલ ફંડ અને નાણાકીય વ્યવહારોનું ચકાસણી કરતાં આ કરોડોનું કૌભાંડ સામે આવ્યું હતું.

આરોપી ઇરફાને આ છેતરપિંડીના પૈસાથી કરોડો રૂપિયાની ગેરકાયદે સંપત્તિ વસાવી હોવાનું પણ એજન્સીના ધ્યાને આવ્યું છે. આ કેસમાં હજુ પણ કેટલાક આરોપીઓ ફરાર છે, જેમની શોધોખોળ ચાલુ છે. આગામી દિવસોમાં ઇરફાન સાથે જોડાયેલા અન્ય શખ્સો સામે કાનૂની સિકંજો કસાશે અને આરોપીઓની ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવામાં આવશે.