Thu Jul 23 2026

Logo

આર્થિક ગુનાઓમાં ફરાર આરોપીની સાંતાક્રુઝની હોટેલમાંથી ધરપકડ

2026-07-10 19:24:38
Author: Yogesh D. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: છ જેટલા આર્થિક ગુનાઓમાં સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર ન રહેતા ફરાર આરોપીને પોલીસે સાંતાક્રુઝની ફાઈવ સ્ટાર હોટેલમાંથી પકડી પાડ્યો હતો.

વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈની આર્થિક ગુના શાખાએ મેસર્સ એ ઍન્ડ એ શેલ્ટરના ડિરેક્ટર અભિષેક વ્યાસની ગુરુવારે ધરપકડ કરી હતી. આવશ્યક અહેવાલ સાથે તેને કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો.

આર્થિક ગુના શાખાએ કંપની, તેના ડિરેક્ટર અભિષેક વ્યાસ અને અન્યો વિરુદ્ધ છ ગુના નોંધ્યા હતા. તપાસ બાદ પોલીસે વ્યાસની ધરપકડ કરી હતી. તેની વિરુદ્ધ પોલીસે કોર્ટમાં આરોપનામું પણ રજૂ કર્યું હતું. જોકે જામીન પર છૂટ્યા પછી 2018થી વ્યાસ કોર્ટમાં હાજર રહેતો નહોતો.

મુંબઈની એક્સપ્લેનેડ કોર્ટે 2018માં વ્યાસ વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યા હતા. ત્યારથી પોલીસ તેની શોધ ચલાવી રહી હતી.

મળેલી માહિતી અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે વ્યાસ સાંતાક્રુઝમાં હોવાનું શોધી કાઢ્યું હતું. છેક આઠ વર્ષે તેને એક હોટેલમાંથી તાબામાં લેવાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.