Fri Apr 17 2026

Logo

વિશેષઃ ફુદીનો ખાવાથી ગરમીમાં મળશે ટાઢક...

2026-04-14 11:02:00
Author: Rashmi Shukla
Article Image

રશ્મિ શુકલ

કુદરતે આપણને અનેક વસ્તુઓ ભેટ સ્વરૂપે આપી છે. જે આપણા ભોજનનો સ્વાદ તો વધારે જ છે, પરંતુ સાથે જ આપણને સ્વાસ્થ્ય લક્ષી અનેક લાભ પણ આપે છે. એમાંથી જ એક છે ફુદીનો.

બળબળતા ઉનાળામાં ફુદીનો ઠંડક આપે છે. લીલા અને સુગંધિત પાંદડાં તરોતાજા કરી દે છે. ગરમીમાં ફુદીનો અનેક બીમારીથી બચાવે છે. તેમાં ઘણાં પોષક તત્ત્વો સમાયેલાં હોય છે. ફુદીનાની ચટણી, જ્યૂસ, રાયતું, સલાડ અથવા એને પાણીમાં ભેળવીને પીવાથી ગરમીની અસર મોટાભાગે ઘટી જાય છે. નિષ્ણાતોનું માનવું છે કે ફુદીનો ગરમીમાં શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે. 

ફુદીનાના જાદુઈ લાભ:

કુદરતી શીતળતા: ફુદીનામાં રહેલું મેન્થોલ શરીરના તાપમાનને સંતુલિત કરે છે અને ગરમીની અસર ઘટાડે છે. 

બીમારીથી રક્ષણ: પોષક તત્ત્વોથી ભરપૂર ફુદીનો ગરમીથી થનારી બીમારીમાં રક્ષા કરે છે. 

તાજગી: ફુદીનામાં રહેલી સુગંધ તન-મનને તાજગીથી ભરી દે છે. સાથે જ થાક અને તણાવને દૂર કરે છે.

આયુર્વેદમાં ફુદીનાનું ખાસ મહત્ત્વ છે. એના સેવનથી શરીરને ઘણાં લાભ મળે છે. રોજના આહારમાં એને સામેલ કરવાની સલાહ નિષ્ણાતો આપે છે.

અન્ય ફાયદા :

પાચન : પાચનતંત્રને મજબૂત બનાવે છે. અપચો, ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે. પેટને હલકુ રાખે છે અને ભૂખ વધારવામાં મદદ કરે છે.

પાણીની અછત : ફુદીનો ડિહાઇડ્રેશન એટલે શરીરમાં પાણીની અછત થતાં અટકાવે છે. ઉનાળામાં પરસેવો વધુ થવાથી શરીરમાં પાણીનું સ્તર ઘટી જાય છે. ફુદીનાનું પાણી પિવાથી ડિહાઇડ્રેશન નથી થતું. દિવસભર તાજગી રહે છે.

માથાનો દુ:ખાવો : તણાવ અને માથાનો દુખાવો ઘટાડવામાં ફુદીનો કારગર છે. ફુદીનાની ચા પીવાથી તાજગી તો મળે જ છે સાથે-સાથે માનસિક તણાવ પણ દૂર થાય છે. 

એનર્જી : સવારે ખાલી પેટ ફુદીનાવાળું પાણી પીવાથી આખો દિવસ ઊર્જા અને તાજગી રહે છે.

ઇમ્યુનિટી : ફુદીનો એન્ટિ-ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. એ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે. સાથે જ બદલાતી ઋતુમાં થતી બીમારીઓથી પણ સુરક્ષા કરે છે. 

પરસેવાની ગંધ : ફુદીનાના સેવનથી પરસેવાથી થતી દુર્ગંધ ઓછી અથવા તો દૂર થાય છે.

મેદસ્વીપણું : જો તમે વજન ઘટાડવા માગો છો તો ફુદીનો મદદ કરશે. 

સોજો : ફુદીનો ખાવાથી શરીરમાં થતાં સોજા ઘટે છે.

દિલ : હાર્ટના પેશન્ટ માટે ફુદીનાનું સેવન વરદાન સમાન છે.

આયુર્વેદમાં ગરમીમાં ફુદીનાનું સેવન કરવાનો ઉલ્લેખ છે. ઉનાળામાં ફુદીનાની ડિમાન્ડ વધી જાય છે. આની કોઈ સાઇડ ઇફેક્ટ્સ પણ નથી.