Thu Aug 27 2026

Logo

દ્વારકાધીશ મંદિરમાં શ્વેત વસ્ત્રો અને અબીલ-ગુલાલની છોળો વચ્ચે ઉજવાયો ફૂલડોલ ઉત્સવ; જુઓ વીડિયો

2026-03-03 14:00:00
Author: Devayat Khatana
દ્વારકાધીશ મંદિરમાં  શ્વેત વસ્ત્રો અને અબીલ-ગુલાલની છોળો વચ્ચે ઉજવાયો ફૂલડોલ ઉત્સવ; જુઓ વીડિયો

દ્વારકા: ગુજરાતના પવિત્ર યાત્રાધામોમાં આજે ફૂલડોલ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મોક્ષપૂરી દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ સમક્ષ ફૂલડોલ ઉત્સવ મનાવવા દૂરદૂરથી ભક્તો હોળીના દિવસે જ પહોંચી ગયા હતા. આજે ગર્ભગૃહમાં કાળિયા ઠાકોર સંગ ફૂલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. 
 

ધૂળેટીના દિવસે દ્વારકા યાત્રાધામમાં ફૂલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફૂલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. આજે દ્વારકા મંદિરમાં ભગવાન દ્વારકાધીશની શૃંગાર આરતના સમયે પણ ભગવાનના શ્વેત શૃંગારની સાથે રંગોની છોળો ઊડી હતી. આખું મંદિર શ્રીકૃષ્ણ સાથે ધૂળેટીની ઉજવણીમાં ઓળઘોળ થઈ ગયું હતું. મંદિરને જુદા જુદા પુષ્પોથી શણગારવામાં આવ્યું હતું.   
 

ઉલ્લેખનીય છે કે દ્વારકામાં હોળી અને ધૂળેટીના પર્વે સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત કે દેશના અન્ય ભાગોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા અને કાળિયા ઠાકોર સંગ હોળી રમવા માટે લાખો શ્રદ્ધાળુઓનું મહેરામણ દ્વારકા નગરીમાં ઉમટી પડ્યું હતું. આ ખાસ ઉત્સવને ધ્યાનમાં રાખીને મંદિર વહીવટદાર કચેરી દ્વારા ઠાકોરજીના દર્શન અને આરતીના ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

જો કે ઓખા નજીક બેટ દ્વારકામાં આવતીકાલે એટલે કે બુધવાર, તારીખ ૪ માર્ચના રોજ સવારે ૧૧:૩૦ થી બપોરે ૧૨:૩૦ દરમિયાન ઠાકોરજીના દોલોત્સવ દર્શન યોજાશે. ચાંદીની પિચકારીમાં કેસુડાનો રંગ ભરી મંદિરના મુખ્ય પૂજારીઓ દ્વારા અબીલ-ગુલાલ સાથે ઠાકોરજી સંગ દોલોત્સવ રમી ધાર્મિક ભાવના સાથે ઉજવણી કરવામાં આવશે.