ટેકઓફ કર્યાની 20 મિનિટમાં પ્લેન ક્રેશ, બે મહિનામાં બન્યો બીજો બનાવ
કાનપુરઃ દેશના એવિયેશન સેક્ટરમાં દિવસે દિવસે અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં આજે યુપીના કાનપુરમાં ટેકઓફ કર્યાની 20 મિનિટમાં ટ્રેનિંગ વિમાન ક્રેશ થયું હતું, જેમાં ગુજરાત સહિત કર્ણાટકના પાઈલટનાં મોત થયા છે.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં આજે બપોરે એક ભયાનક વિમાન દુર્ઘટના સામે આવી છે. ગંગા બેરેજ નજીક આવેલા નાથુપુરવા ગામ પાસેના ખેતરમાં ‘ગર્ગ એવિએશન’ (Garg Aviation) નું એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. આ અકસ્માતમાં વિમાનમાં સવાર બંને પાઇલટના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. કાનપુરના પોલીસ કમિશનરે મૃતકોની ઓળખ જાહેર કરી છે, જેમાં ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર કેપ્ટન સચિન ભાટિયા (ગુજરાત) અને ટ્રેઇની પાઇલોટ અભિષેક પૂજારી (કર્ણાટક) છે.
20 મિનિટની ફ્લાઇટ અને વિમાન જમીનદોસ્ત
આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રેનિંગ એરક્રાફ્ટે સવારે 11:30 વાગ્યે ગર્ગ એવિએશન ટ્રેનિંગ સેન્ટર પરથી ઉડાન ભરી હતી. જોકે, ફ્લાઇટ પૂરી કરીને પરત ફરતી વખતે સવારે 11:50 વાગ્યાની આસપાસ તે અચાનક ખેતરમાં તૂટી પડ્યું હતું. દુર્ઘટના બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વિસ્તારને કોર્ડન કરીને બંને પાઇલટના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
#WATCH | UP | A twin-engine four-seater training aircraft crashes in a field in Kanpur; Instructor pilot and trainee pilot killed, say police. pic.twitter.com/XihvcSo1xj
— ANI (@ANI) August 27, 2026
મળતી માહિતી મુજબ, આ 4-સીટર વિમાન ટ્વિન-એન્જિન ‘ટેકનમ’ (Tecnam) મોડલનું હતું. ગર્ગ એવિએશન પાસે કાનપુર બેઝ પર બે મલ્ટી-એન્જિન એરક્રાફ્ટ છે, જેમાંથી એક Tecnam P2006T છે. વર્ષ 2023માં જ આ વિમાનને ટ્રેનિંગ સેન્ટરમાં સામેલ કરવામાં આવ્યું હતું. મૃતક કેપ્ટન સચિન ભાટિયા પાસે 3,000 કલાકથી વધુ સમય વિમાન ઉડાડવાનો બહોળો અનુભવ હતો. જોકે, DGCA દ્વારા હજુ સુધી વિમાનનો રજિસ્ટ્રેશન નંબર અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યો નથી.
દુર્ઘટના મામલે DGCA કરશે ટેકનિકલ તપાસ
પોલીસના જણાવ્યાં પ્રમાણે દુર્ઘટના અંગે DGCAને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. તપાસ ટીમ ટૂંક સમયમાં કાનપુર પહોંચીને વિમાનમાં ટેકનિકલ ખામી સહિતની તમામ તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે ગર્ગ એવિએશનમાં આ બીજો મોટો અકસ્માત છે. બે મહિના પહેલાં પણ આવી એક ઘટના સર્જાઈ હતી, જેમાં એક મહિલા પાઇલોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. 26મી જૂનના આ જ એકેડેમીનું પ્લેન ક્રેશ થયું હતું. અલબત્ત, બે મહિનામાં બીજો બનાવ બનતા સેક્ટરમાં સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે.