ભુજ: પૂર્વ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ શહેર અને આસપાસના પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં ઓરીના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, વાલીઓમાં રસીકરણ પ્રત્યે જોવા મળતી ઉદાસીનતા આ રોગચાળો ફેલાવા પાછળનું મુખ્ય કારણ છે.
આ અંગે જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. નેહલ વૈદ્યે ગંભીરતા દર્શાવતા જણાવ્યું હતું કે, ઓરીથી બચવા માટે રસીકરણ જ એકમાત્ર અસરકારક ઉપાય છે. ઓરીની રસીનો પ્રથમ ડોઝ ૯ મહિનાની ઉંમરે અને બીજો ડોઝ ૧૫મા મહિને અચૂક મુકાવવો જોઈએ. આ રસી તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સરળતાથી ઉપલબ્ધ છે અને જે બાળકોને રસી આપવામાં આવી નથી, તેઓમાં હાલ આ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.
વધુમાં ડૉ. નેહલ વૈદ્યે વાલીઓને ખાસ વિનંતી કરી છે કે, ઓરીને 'માતાજી'નો પ્રકોપ માનીને ઘરે બેસી રહેવાને બદલે અથવા માત્ર લીમડાના પાન જેવા ઘરેલુ ઉપચારો પર નિર્ભર રહેવાને બદલે તાત્કાલિક બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ. આવી અંધશ્રદ્ધાઓને કારણે ઘણીવાર સારવારમાં વિલંબ થાય છે અને બાળકની પરિસ્થિતિ વણસી શકે છે. ઓરીને સહજતાથી લેવી જોખમી સાબિત થઈ શકે છે. તબીબોના જણાવ્યા મુજબ, ઓરીને કારણે શરીરમાં વિટામિન 'એ'ની ભારે ઊણપ સર્જાવી, સ્વાદુપિંડ પર વિપરીત અસર, ન્યુમોનિયા થવાનું જોખમ, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો, ઝાડા-ઊલટીની સમસ્યા તેમજ મગજ પર ગંભીર આડઅસરો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
બાળકોના સ્વાસ્થ્ય સાથે બાંધછોડ કર્યા વગર સમયસર રસીકરણ પૂર્ણ કરે અને બીમારીના લક્ષણો દેખાય કે તુરંત નિષ્ણાતની સલાહ મુજબ સારવાર શરૂ કરે તેવી આરોગ્ય વિભાગ અને તબીબો દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)