Thu Aug 20 2026

Logo

દિવા સ્ટેશને સરપ્રાઈઝ ચેકિંગઃ એક દિવસમાં 233 ખુદાબક્ષ ઝડપાયા

2026-08-11 18:17:43
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની ઉપનગરી લોકલ ટ્રેનોમાં ખુદાબક્ષ વિરુદ્ધ સખત કાર્યવાહી માટે રેલવે પ્રશાસન એક્શનમાં આવી ગયું છે. ગઈકાલે સોમવારના દિવા સ્ટેશને પર વિશેષ ફોર્ટ્રેસ ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 233 ખુદાબક્ષ ઝડપાયા હતા. રેલવેએ એક જ દિવસમાં એક જ સ્ટેશનેથી આ દરેક ખુદાબક્ષ પાસેથી કુલ રૂ. 1,04,830નો દંડ વસૂલ્યો હતો.

રેલવન એપ મારફતે ટિકિટ બુક કરી શકે
રેલવે સત્તાવાળાઓએ મુસાફરોને મુસાફરી દરમિયાન માન્ય ટિકિટ સાથે રાખવા અપીલ કરી છે. ટિકિટ કાઉન્ટર પરની લાંબી કતારો ટાળવા માટે મુસાફરોને અધિકૃત ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. મુસાફરો રેલવન એપ મારફતે ટિકિટ બુક કરી શકે છે, જેથી સમયની બચત થાય અને ટિકિટ વિના મુસાફરી કરવાની સ્થિતિ ઊભી ન થાય.

ગેરકાયદે મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગમાં વધારો
દિવા સ્ટેશન પરની આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી હતી, જ્યારે મુંબઈની ઉપનગરી રેલવેમાં ખુદાબક્ષ મુસાફરો ઉપરાંત નકલી ટિકિટનો પડકાર પણ વધી રહ્યો છે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, નકલી ટિકિટો, એઆઈની મદદથી તૈયાર કરવામાં આવેલા અથવા તેમાં ફેરફાર કરાયેલા ટિકિટના સ્ક્રીનશોટ તેમ જ ગેરકાયદે મોબાઈલ એપ્લિકેશનોના ઉપયોગના કિસ્સા સામે આવી રહ્યા છે. આ કારણે ટિકિટ ચેકિંગ કર્મચારીઓ માટે અસલી અને નકલી ટિકિટ વચ્ચે તફાવત કરવો વધુ મુશ્કેલ બની રહ્યો છે.

મુસાફરોની વધતી સંખ્યા અને નકલી ડિજિટલ ટિકિટના પડકારને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેએ ટિકિટ ચેકિંગ કર્મચારીઓની સંખ્યા   વધારવાની માગણી કરી છે. આ માટે રેલવે બોર્ડ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હોવાની માહિતી સંબંધિત અધિકારીઓએ આપી હતી. બંને રેલવે નેટવર્કમાં હાલના કર્મચારીઓની સંખ્યા લગભગ બમણી કરવાનો પ્રસ્તાવ છે.

મધ્ય રેલવેમાં હાલમાં આશરે 1,400 ટિકિટ ચેકિંગ કર્મચારીઓ છે, જ્યારે પશ્ચિમ રેલવેમાં લગભગ 1,100 કર્મચારીઓ કાર્યરત છે. બંને ઉપનગરી રેલવેમાં દરરોજ 65 લાખથી વધુ મુસાફરો પ્રવાસ કરે છે. તેમાં સેન્ટ્રલ રેલવે પર દરરોજ આશરે 35થી 38 લાખ અને વેસ્ટર્ન રેલવે પર 28થી 30 લાખ મુસાફરો મુસાફરી કરે છે.

રેલવે બોર્ડના નિર્ધારિત માપદંડ મુજબ દર 1,000 મુસાફરો દીઠ એક ટિકિટ ચેકર હોવો જોઈએ. આ માપદંડને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ રેલવેએ ટિકિટ ચેકિંગ કર્મચારીઓની સંખ્યા વધારીને આશરે 2,800 કરવાની માગણી કરી છે. જ્યારે વેસ્ટર્ન રેલવેએ હાલના 1,100 કર્મચારીઓની સંખ્યા વધારીને આશરે 2,300થી 2,400 કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.

રેલવેના અધિકારીઓનું કહેવું છે કે વધારાના કર્મચારીઓની જરૂરિયાત માત્ર ખુદાબક્ષ મુસાફરી રોકવા માટે જ નથી, પરંતુ આધુનિક ટેક્નોલોજીથી તૈયાર થતી નકલી ટિકિટોને ઓળખવા માટે પણ છે. હાલ મર્યાદિત કર્મચારીઓના કારણે સ્ટેશનો, ઉપનગરી ટ્રેનો, એસી લોકલ, ફર્સ્ટ ક્લાસ કોચ અને રિઝર્વ્ડ કોચમાં નિયમિત ચેકિંગ કરવું પડકારરૂપ બની રહ્યું છે.

રેલવે બોર્ડ દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવે તો પીક અવર્સ, તહેવારો અને વિશેષ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન વધારાની ટિકિટ ચેકિંગ ટીમ તૈનાત કરી શકાશે. એસી લોકલ, ફર્સ્ટ ક્લાસ અને રિઝર્વ્ડ કોચમાં પણ વિશેષ ટીમો દ્વારા તપાસ વધુ સઘન બનાવવામાં આવી શકે છે. સાથે જ નકલી અને ડિજિટલ રીતે બદલાયેલી ટિકિટોને શોધવા માટે પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.

ટિકિટ ચેકિંગ સ્ટાફ વધારવાથી હાલના કર્મચારીઓ પરનો કામનો બોજ પણ ઘટશે. હાલમાં કર્મચારીઓને નિયમિત તપાસ ઉપરાંત વિવિધ વિશેષ કામગીરી અને અભિયાનમાં પણ તૈનાત કરવામાં આવે છે. નવી ભરતીથી રેલવેની આવકનું રક્ષણ, ટિકિટ ચેકિંગની કામગીરી વધુ અસરકારક બનાવવી અને ખુદાબક્ષ મુસાફરી તથા નકલી ટિકિટના વધતા જતાં નેટવર્ક પર નિયંત્રણ મેળવવામાં પણ મદદ મળશે.