ધોરાજીઃ ધોરાજીમાં એક અત્યંત દુઃખદ ઘટના બની હતી.બે દિવસમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. કાકા-કાકીના અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગયેલા ભત્રીજાને હાર્ટ એટેક આવતાં તેનું પણ મોત થયું હતું.
શું છે સમગ્ર ઘટના
મળતી વિગત પ્રમાણે, ધોરાજીના જમનાવાડ રોડ પર રહેતા જીતુભાઈ રાવરાણી અને તેમના પત્ની મધુબેને બે દિવસ પહેલાં કોઈ કારણસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. કાકા-કાકીની અંતિમયાત્રામાં તેમની અંતિમવિધિ માટે દોણી લઈને 41 વર્ષીય ભત્રીજા દીપકભાઈ રાવરાણી સ્મશાન ગયા હતા.
સ્મશાનમાં વિધિ ચાલી રહી હતી તે દરમિયાન દીપકભાઈને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા.તેમને તરત હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ત્યાં તેમનું મોત નીપજ્યું હતું. કાકા-કાકીના આઘાત વચ્ચે યુવાન ભત્રીજાના અણધાર્યા મોતથી પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો હતો. સવારે કાકા-કાકી અને સાંજે ભત્રીજાના મોતથી ધોરાજીમાં સન્નાટો છવાઈ ગયો હતો.