Tue Sep 29 2026

Logo

પાકિસ્તાનના મેદાન પરની ચકમકમાં આ બે જાણીતા ખેલાડીઓ એકમેકની નજીક આવી ગયા!

lahore   2026-04-03 21:00:29
Author: Ajay Motiwala
પાકિસ્તાનના મેદાન પરની ચકમકમાં આ બે જાણીતા ખેલાડીઓ એકમેકની નજીક આવી ગયા!

PSL 2026


લાહોરઃ પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં ગુરુવારે રાવલપિંડીઝ સામેની મૅચમાં કરાચી કિંગ્સના કૅપ્ટન ડેવિડ વૉર્નર (Warner) અને આ જ ટીમના ઑલરાઉન્ડર મોઇન અલી વચ્ચે થોડી ગરમાગરમી થઈ હતી અને એકમેકની નજીક આવી ગયેલા બન્ને ખેલાડીને ઠંડા પાડવા ટીમના ડિરેકટર હૈદર અઝહરે દોડી આવવું પડ્યું હતું.

કરાચી કિંગ્સે રાવલપિંડીઝને મૅચની અંતિમ ઓવરમાં પાંચ વિકેટે હરાવીને સતત ત્રીજી મૅચ જીતી લીધી હતી. એ મૅચમાં મોઇન (Moeen) એક પણ વિકેટ નહોતો લઈ શક્યો અને મૅચની અંતિમ ક્ષણોમાં (20મી ઓવરના પ્રથમ બૉલમાં) એલબીડબ્લ્યૂ થતાં કરાચી કિંગ્સના ખેલાડીઓ અને ચાહકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે અબ્બાસ આફ્રિદીએ મોઇનના સ્થાને બૅટિંગમાં આવ્યા બાદ (ડેરિલ મિચલની એ ઓવરના) પહેલા જ બૉલમાં સિક્સર ફટકારીને કરાચી કિંગ્સને રોમાંચક વિજય અપાવ્યો હતો. સલામતીના કારણસર પીએસએલની મૅચોમાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં આવવાની મનાઈ છે.

મૅચ પછી થોડી વાર બાદ વૉર્નર અને મોઇન વચ્ચે બોલાચાલી થતાં પરિસ્થિતિ તંગ થઈ ગઈ હતી. આ ઝઘડાનું કારણ તો સ્પષ્ટ નહોતું થયું, પણ એવું મનાય છે કે મોઇન આખરી ઓવરમાં આઉટ થઈ ગયો એ મુદ્દે તકરાર થઈ હતી.

આઇપીએલની સામે પીએસએલની લોકપ્રિયતા ખૂબ જ ઓછી છે, પરંતુ આવી કોઈ ઘટનાને લીધે પાકિસ્તાની ટૂર્નામેન્ટની સોશ્યલ મીડિયામાં ચર્ચા થઈ જતી હોય છે.