Sun Jul 26 2026

Logo

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય, ભાજપે ઉમેદવાર જ ન ઊતાર્યો...

2026-03-09 18:52:12
Author: Viral Rathore
Article Image

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાનો કોઈ ઉમેદવાર ન ઊતારતા કોંગ્રેસના અનુરાગ શર્મા ચૂંટાઈ આવ્યા હતા. વિધાનસભા સચિવાલય તરફથી એમને સર્ટિફિકેટ ઓફ ઈલેક્શન સોંપવામાં આવ્યું હતું. રાજ્યસભાની ચૂંટણી માટે હિમાચલ પ્રદેશમાંથી માત્ર અનુરાગ શર્માએ જ ઉમેદવારી પત્રક ભર્યું હતું. હવે અનુરાગ શર્મા સાંસદ બની ગયા છે. હાલ રાજ્યસભાના સાંસદ ઈંદુ ગોસ્વામીનો કાર્યકાળ ખતમ થયા બાદ અનુરાગ શર્મા શપથ લેશે. અનુરાગ જિલ્લા કાંગડા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ છે. 

કોંગ્રેસના હાઈકમાન્ડનો આભાર માન્યો
અનુરાગ શર્મા રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ સૌથી પહેલા ઈષ્ટદેવ ભોળનાથના અને માતાજી ચામુંડાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ સિવાય મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને મુખ્યમંત્રી સુક્ખુનો આભાર વ્યક્ત કર્યો હતો. અનુરાગે જણાવ્યું હતું કે, હું દરેક કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરૂ છું. એક સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કર્યા બાદ અહીંયા સુધી પહોંચ્યો છું. હવે પ્રદેશની પ્રજાની આશાને સિદ્ધ કરવા માટે પ્રયાસ કરીશ. મારા માટે આ ગર્વભરી ક્ષણ છે. કોંગ્રેસે અનુરાગ શર્માને ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા હતા. કારણ કે, કોંગ્રેસ સહિત રાજકીય લોબીમાં આ કોઈ જાણીતું નામ ન હતું.

Himachalguardian

કોણ છે અનુરાગ શર્મા?
કાંગડાના રહેવાસી અનુરાગ શર્મા ટ્રાંસપોર્ટર છે. એમની પાસે બસ અને આશરે 30 જેટલી ગાડીઓ છે. તેમણે સુક્ખુ સરકારને આર્થિક રીતે ઘણી મદદ કરી હતી. પરિવારમાં એમને એક પુત્ર અને એક પુત્રી છે. રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેઓ શિમલામાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના મોટા નેતા ઉપસ્થિત હતા અને તેમણે નવા રાજ્યસભાના સાંસદનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ નેતાઓમાં નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી, કેબિનેટ મંત્રી હર્ષવર્ધન ચૌહાણ, યાદવિંદર ગોમા, કિશોરી લાલ, કુલદીપ રાઠૌર, મલેન્દ્ર રાજન, હરીશ જનારથાનો સમાવેશ થાય છે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની 68 બેઠક છે. કોંગ્રેસ પાસે 40 ધારાસભ્યો છે. હવે જીતવા માટે 31 ધારાસભ્યોની જરૂર હતી. ભારતીય જનતા પાર્ટી પાસે સંખ્યાબળન હતું. આ કારણે તેમણે કોઈ ઉમેદાવાર જાહેર ન કર્યો. ભાજપ પાસે 28 ધારાસભ્યો છે.