Fri Apr 17 2026

Logo

સાંતેજના PI ભાજપના 'એજન્ટ' તરીકે કામ કરતા હોવાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપઃ રેન્જ IGને પત્ર લખી કાર્યવાહીની કરી માંગ

2026-04-14 19:27:09
Author: Devayat Khatana
Article Image

ગાંધીનગર: રાજ્યમાં વધતી ગરમી વચ્ચે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો વધ્યો છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદસિંહ સોલંકીએ ગાંધીનગર રેન્જ આઈ.જી.ને પત્ર લખીને સાંતેજ પોલીસ સ્ટેશનના પી. આઈ. મુછાળ વિરુદ્ધ ગંભીર ફરિયાદો કરી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ અધિકારીની બદલી 15 દિવસ પહેલા થઈ ગઈ હોવા છતાં તેઓ હજુ સાંતેજ પોલીસ સ્ટેશનનો ચાર્જ છોડતા નથી અને નવી જગ્યાએ હાજર થયા નથી, જે શંકાસ્પદ બાબત છે.

પત્રમાં કરેલા દાવા અનુસાર, સાંતેજ પી.આઈ. દ્વારા કલોલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ભોયણ અને હાજીપુર બેઠકના ઉમેદવારો તેમજ તેમના સમર્થકોને પોલીસ સ્ટેશન બોલાવી, ધાકધમકી આપીને સત્તાધારી ભાજપના ઉમેદવારોને ફાયદો કરાવવા માટે પ્રયાસો કર્યા હોવાના આક્ષેપ છે. એટલું જ નહીં, કલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિભનજી ઠાકોરને પણ ફોન પર ધમકીઓ આપી હોવાની વિગતો પત્રમાં દર્શાવવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ મામલે રેન્જ આઈ.જી. પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. પત્રમાં વિનંતી કરવામાં આવી છે કે પી. આઈ. મુછાળને તાત્કાલિક અસરથી હાલના ચાર્જમાંથી મુક્ત કરી તેમની બદલીવાળી જગ્યાએ મોકલવામાં આવે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે કોઈ પણ પ્રકારના રાજકીય હસ્તક્ષેપ વગર પોલીસ પોતાની ફરજ બજાવે તેવા જરૂરી આદેશો આપવાની પણ કોંગ્રેસના આગેવાનોએ માંગ કરી છે.

શું છે સમગ્ર વિવાદ?
મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે વિગતો આપતા જણાવ્યું હતું કે, સાંતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કોંગ્રેસના ઉમેદવારો પર ભારે દબાણ લાવવામાં આવી રહ્યું છે. આક્ષેપ મુજબ, સંબંધિત પોલીસ અધિકારી ગેરબંધારણીય રીતે ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરી રહ્યા છે અને ઉમેદવારોને ધાક-ધમકી આપી રહ્યા છે. વધુમાં એવો પણ ચોંકાવનારો દાવો કર્યો હતો કે આ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થઈ ચૂકી હોવા છતાં, તેઓ હજુ પણ પદ પર રહીને ભાજપને ફાયદો કરાવવા માટે હસ્તક્ષેપ કરી રહ્યા છે.

આ મામલે કોંગ્રેસના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે તાકીદે એક્શન લેતા ડેપ્યુટી કલેક્ટરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચમાં પણ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોંગ્રેસે માંગ કરી હતી કે સાંતેજ પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને ચૂંટણી પ્રક્રિયામાં પોલીસ દ્વારા થતા ગેરકાયદેસર હસ્તક્ષેપ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે જેથી લોકશાહીના મૂલ્યો જળવાઈ રહે. કોંગ્રેસ પક્ષે તેમના કાર્યકરોને હવે જ્યારે પોલીસનો ફોન આવે તો રેકોર્ડિંગ કરવાની સલાહ આપી હતી, જેથી તેનો પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે.