Thu May 14 2026

Logo

ચોટીલામાં એઠવાડ નાખવા જેવી નજીવી બાબતે પાડોશી પર પાઇપ-ધોકાથી હુમલો

2026-05-14 22:08:59
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

ચોટીલા:
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રસોઈનો એઠવાડ નાખવા જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ વિવાદ સર્જાયો હોવાની ઘટના બહાર આવી હતી.  ચોટીલાના મફતીયાપરા-૧ વિસ્તારમાં રહેતા સોનલબેન ચૌહાણ જ્યારે બપોરના સમયે પોતાના ઘરની બહાર શેરીમાં રસોઈનો એઠવાડ નાખવા નીકળ્યા, ત્યારે પાડોશમાં રહેતા માયાબેન અને કિરણબેન સુરેલાએ 'અમારા ઘરની સામે એઠવાડ કેમ નાખે છે' તેમ કહી ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. સોનલબેને ગાળો બોલવાની ના પાડતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને માયાબેને તુરંત જ તેમના પતિ હિંમતભાઈ અને દીકરા અજયભાઈને પણ ત્યાં બોલાવી લીધા હતા.

આ ઝઘડો શાંત પાડવા માટે જ્યારે સોનલબેનના પતિ બિપીનભાઈ વચ્ચે પડ્યા, ત્યારે ઉશ્કેરાયેલા પાડોશી પરિવારે લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે દંપતી પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જેમાં માયાબેને સોનલબેનને અને અજયભાઈએ બિપીનભાઈના માથાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો, જ્યારે હિંમતભાઈએ બિપીનભાઈને લોખંડના પાઇપ વડે હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત દંપતીને લોહીલુહાણ હાલતમાં ચોટીલા સરકારી હોસ્પિટલ ખસેડાયા બાદ સોનલબેનની ગંભીર સ્થિતિને જોતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. આ મામલે ચોટીલા પોલીસે હુમલો કરનાર ચારેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.