છોટાઉદેપુરઃ ગુજરાતનાં એક મહિલા કલેકટર સાડી પહેરીને રોડ પર દોડ્યાં હતા. રસ્તા પર જ સંગીતની મોજ માણી હતી. મળતી વિગત પ્રમાણે, ગત સપ્તાહે 19 ઓગસ્ટના રોજ એક કિલોમીટરની સાડી દોડનું આયોજન કરાયું હતું. બોડેલી સેવા સદનથી અલીપુરા ચાર રસ્તા સુધી યોજાયેલી આ દોડમાં 7 વર્ષની બાળકીઓથી લઈને 70 વર્ષ સુધીની આશરે 1500 મહિલાઓ સાડી પહેરીને દોડી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓનો ઉત્સાહ વધારવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન પણ સાડી પહેરીને રોડ પર દોડ્યાં હતા. તેમની સાથે ક્લાસ-1 અધિકારીઓ, એસડીએમ અને મામલતદાર સહિત મહિલા કર્મચારીઓ પણ સ્થાનિક બહેનો સાથે સાડી પહેરીને દોડ્યા હતા.
દોડવીરોનું મનોરંજન કરવા રસ્તામાં કાર્ટૂન કેરેક્ટર અને ડીજે રાખવામાં આવ્યા હતા. દોડ પૂરી થયા પછી કલેક્ટર સહિત તમામ મહિલાઓએ ગીતોના તાલે ઝૂમીને આનંદ માણ્યો હતો. કલેક્ટરે હસતાં-હસતાં કહ્યું કે તેઓ કોઈ નંબર લાવવા નહીં, પરંતુ બધા સાથે આનંદ માણવા દોડ્યા હતા. છોટાઉદેપુર આદિવાસી જિલ્લો હોવાથી ખાનગી કંપનીઓ અહીં મેરેથોન યોજતી નથી. હવે દર વર્ષે મેરેથોન યોજવાનું નક્કી કરાયું છે. આગામી મોટી મેરેથોન 13 ડિસેમ્બરે યોજાશે, જેના પ્રચાર અને પૂર્વતૈયારી માટે આ 'સાડી દોડ' યોજાઈ હતી.

ગાર્ગી જૈને કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ જિલ્લામાં આદિવાસી બાળકીઓનો સ્કૂલ ડ્રોપ-આઉટ રેશિયો મોટા પ્રમાણમાં ઘટ્યો છે. જેની નોંધ પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ પણ લીધી હતી અને સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરીને કલેકટર દીદી ગણાવ્યા હતા.
સાડી પહેરીને રોડ પર દોડનારા મહિલા કલેકટર ગાર્ગી જૈન કોણ છે
ગાર્ગી જૈન 2015ની બેચના આઈએએસ અધિકારી છે. તેઓ મૂળ રાજસ્થાનના અલવરના છે. ગાર્ગીના પરિવારમાં પિતા રવિન્દ્ર જૈન NCDCમાં ટેકનિશિયન છે અને માતા સંગીતા જૈન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિન્દીના લેક્ચરર છે. ગાર્ગી જૈને UPSCની તૈયારી કરતા પહેલા પ્રતિષ્ઠિત આઇટી કંપની માઇક્રોસૉફ્ટમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરી હતી. પ્રથમ પ્રયાસમાં અસફળ રહ્યા બાદ, તેમણે હાર ન માની અને બીજા પ્રયાસમાં ઓલ ઇન્ડિયા 45મો રેન્ક મેળવીને IAS બનવાનું સપનું પૂરું કર્યું હતું. IAS બન્યા પછી તેમને શરૂઆતમાં કર્ણાટક કેડર મળી હતી, પરંતુ લગ્ન બાદ તેઓ ગુજરાત કેડરમાં બદલી પામ્યા હતા.

છોટાઉદેપુર જેવા આદિવાસી જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે તેમણે કલેક્ટર ઇન ક્લાસરૂમ નામની અનોખી પહેલ શરૂ કરી છે. તેઓ જાતે વર્ગખંડોમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે છે, જેના કારણે જિલ્લામાં શાળા છોડી દેનારા બાળકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. કેલકટર દીદી તરીકે તેઓ લોકપ્રિય છે. વહીવટી કામગીરી ઉપરાંત ગાર્ગી જૈન પોતાની સંવેદનશીલતા માટે પણ જાણીતા છે. એકવાર રસ્તા પરથી પસાર થતી વખતે માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાને તેમણે પોતાની દેખરેખ હેઠળ સમયસર હોસ્પિટલ પહોંચાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગાર્ગી જૈનને સાડી પહેરવાનો શોખ છે. કલેકટરનો કાર્યભાર પણ તેમણે ગ્રીન સાડી પહેરીને જ સંભાળ્યો હતો.