અમદાવાદઃ શહેરના બહુચર્ચિત એવા પ્રજાપતિ પરિવારની બે દીકરીઓનાં મોતના કેસમાં માતાની પૂછપરછ કરવામાં આવી હતી. મૃત દીકરીઓની માતા ભાવનાબેન પ્રજાપતિને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા પોલીસે તેમની પૂછપરછ કરી હતી. ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં માતાની પૂછપરછ થઈ હતી, પરંતુ તેણે પણ પિતાની જેમ બજારમાંથી લીધેલા ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ તબિયત બગડી હોવાનું રટણ જ કર્યું હતું. પરિવારના ચાર સભ્યએ બજારમાંથી લીધેલા ખીરામાંથી ઢોસા બનાવેલા ઢોસા ખાધા હતા, જેમાં અઢી મહિના અને ત્રણ વર્ષની દીકરીનાં મોત નિપજ્યા હતા અને માતા-પિતા સારવાર હેઠળ હતા. પિતાની બે દિવસ પહેલા નવ કલાક માટે પૂછપરછ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે બાળકીઓની સારવાર સંબધિત તમામ ફાઈલ મંગાવી છે. આ તમામ રિપોર્ટ્સ સિવિલ હૉસ્પિટલમાં આપવામાં આવશે. ત્યારબાદ હૉસ્પિટલના એક્સપર્ટ્સ પેનલ દ્વારા તમામ રિપોર્ટ્સની ચકાસણી કરવામાં આવશે. આ સાથે ડોક્ટરોએ સારવારમાં કોઈ ભૂલ કરી છે કે શું તે અંગે પણ પોલીસ તપાસ કરશે. હાલમાં પોલીસ એફએસએલ રિપોર્ટ, પીએમ રિપોર્ટ અને વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસ પૂછપરછ અને રિપોર્ટમાં કોઈ કારણ સામે નહીં આવે તો પરિવારજનોનો હવે લાઈ ડિટેક્ટ ટેસ્ટ થશે, તેવી માહિતી પણ સૂત્રોએ આપી હતી. આ પહેલાં 11 એપ્રિલે બાળકીના કાકા અને ફોઈ ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યા હતા. પોલીસ દ્વારા કાકા અને ફોઈનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. બાળકીનાં દાદા-દાદીનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું.