Wed Sep 16 2026

Logo

હિંસક હુમલાનો ભોગ બનેલા પાટણના ફાર્મ હાઉસ પર જ ચાલ્યું બુલડોઝર, જાણો કારણ...

2026-03-20 17:44:24
Author: Devayat Khatana
હિંસક હુમલાનો ભોગ બનેલા પાટણના ફાર્મ હાઉસ પર જ ચાલ્યું બુલડોઝર, જાણો કારણ...

(અમારા પ્રતિનિધિ તરફથી)
પાટણ: જિલ્લાના ચાણસ્મા તાલુકામાં મંદિરના દાનના વિવાદને લઈને થયેલી હિંસાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. થોડા દિવસ પહેલા પંદરથી 20 જેટલા અસામાજિક તત્વો આઠેક વાહનોમાં આવીને ફાર્મહાઉસ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોને જોઇને પોલીસ પણ નાસી છૂટી હોવાનું સીસીટીવી ફૂટેજમાં ફૂટ્યું હતું. ત્યારે જે ફાર્મ હાઉસ પર હુમલો થયો હતો તે ગેરકાયદે હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. તંત્રએ ફાર્મ હાઉસ પર કાર્યવાહી કરીને બુલડોઝર ચલાવ્યું હતું. 

આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરો તલવારો અને લાકડીઓ સાથે મિલકતને નુકસાન પહોંચાડતા કેદ થયા હતા. આ ઘટનામાં જહુ શંકર ઠાકોર મુખ્ય કાવતરાખોર હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે જીતુભા અને દલપુજી જેવા નામો પણ પ્રકાશમાં આવ્યા હતા. 

સમગ્ર પ્રકરણમાં ફરજમાં બેદરકારી બદલ પીઆઈ સહિત અન્ય સ્ટાફ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે કાર્યવાહી કરી 18 આરોપીઓની ધરપકડ કરી હતી. આ મામલે બે અલગ-અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી અને કોર્ટે આરોપીઓને 23 માર્ચ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા હતા. 

આ મામલે પોલીસે પકડાયેલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જ્યાં તેઓને ઉઠબેસ કરાવી લાકડીઓ વડે ફટકારવામાં આવ્યા હતા. આરોપીઓએ જાહેરમાં હાથ જોડીને માફી માંગી હતી અને ત્યાર બાદ તેઓને ગુનાના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે ફાર્મહાઉસ લઈ જવામાં આવ્યા હતા.