ભાષાના નવાં વાદ-વિવાદ જાગે એ કરતાં ભાષા નહીં, સ્કીલ બેઝ્ડ શિક્ષણની વધારે જરૂરી છે આપણે ત્યાં ...
કવર સ્ટોરી - વિજય વ્યાસ
‘સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન’ (CBSE) એ 2026-27ના શૈક્ષણિક સત્રથી છઠ્ઠા ધોરણથી ત્રીજી ભાષા ફરજિયાત બનાવીને દેશભરની તમામ સ્કૂલને સાત દિવસમાં એનો અમલ શરૂ કરવા ફરમાન કર્યું એમાં ફરી એક વાર ત્રીજી ભાષાનો વિવાદ ચગે એવા અણસાર છે.
CBSE એ શાળાઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે પાઠ્યપુસ્તકો હજુ સુધી ઉપલબ્ધ ન હોય તો પણ તાત્કાલિક ત્રીજી ભાષા શીખવવાનું શરૂ કરે અને હવે કોઈ પણ પ્રકારનો વિલંબ ચલાવી નહીં લેવાય. અત્યાર સુધી ધોરણ 6થી ધોરણ 10 સુધી વિદ્યાર્થીઓ બે ભાષા ભણતા હતા, પણ સુધારેલા ભાષા માળખા હેઠળ ધોરણ 6થી વિદ્યાર્થીઓ હવે બેને બદલે ત્રણ ભાષાનો અભ્યાસ કરશે.
CBSEએ ‘નેશનલ ક્યુરિકુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન’ (NCFSE) 2023 ની ભલામણોમાં બહુભાષી શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ભલામણો પ્રમાણે સ્કીમ ઓફ સ્ટડીઝ 2026-27ના ભાગ રૂપે સ્કૂલોમાં છઠ્ઠા ધોરણથી ત્રીજી ભાષા ભણાવવાનો આદેશ પહેલાં પણ બહાર પડાયો હતો. એ વખતે એક ભાષા તરીકે હિન્દી ફરજિયાત શીખવવાનો ફતવો બહાર પાડ્યો તેના કારણે ભડકો થઈ ગયેલો કેમ કે તમિલનાડુ સહિતનાં દક્ષિણનાં રાજ્યોએ હિન્દી ફરજિયાત શીખવવા સામે દેકારો મચાવી દીધો હતો.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હિન્દી થોપવા માગે છે એવો મુદ્દો ઉભો કરીને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને સૌથી ઉગ્ર વિરોધ કર્યો હતો. પશ્ર્ચિમ બંગાળ અને કેરળ સહિતનાં બિન ભાજપ શાસિત રાજ્યો પણ આ વિરોધમાં જોડાતાં વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું તેથી કેન્દ્ર સરકારે પીછેહઠ કરીને હિંદી ફરજિયાત ભણાવવાનો ફતવો પાછો ખેંચવો પડ્યો. દૂધનો દાઝ્યો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે એ હિસાબે આ વખતે ઈઇજઊ એ ત્રીજી ભાષા ફરજિયાત કરવાના આદેશમાં હિંદીને ફરજિયાત કરવાનું ટાળ્યું છે.
CBSEએ સ્કૂલોમાં ભણાવવાની થતી ભાષાઓનેR1, R2 અને R3 એમ ત્રણ કેટેગરીમાં વિભાજિત કરી છે. જોકે આની સ્પષ્ટતા કરી નથી પણ અત્યારે એવું અર્થઘટન કરાઈ રહ્યું છે કે, R1 એટલે જે તે રાજ્યના વિદ્યાર્થીની માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષા, R2 એટલે હિન્દી અથવા અંગ્રેજી જેવી એક સામાન્ય ભાષા અને R3 એટલે એક વધારાની ભારતીય અથવા વિદેશી ભાષા. સ્કૂલ પાસે શિક્ષક ઉપલબ્ધ હોય તેના આધારે આ ત્રીજી ભાષા અપાશે.
પશ્ર્ચિમ ભારતનાં રાજ્યોમાં ત્રીજી ભાષાની પસંદગી વિશે કોઈ અવઢવ કે મૂંઝવણ નથી. મહારાષ્ટ્રમાં મરાઠી અને ગુજરાતમાં ગુજરાતીની સાથે હિંદી અને અંગ્રેજી ભણાવાશે તેથી ત્રણ ભાષા થઈ જશે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં માતૃભાષા હિંદી છે ને તેની સાથે અંગ્રેજી પણ ભણાવાશે તેથી ત્રીજી ભાષા ફ્રેન્ચ, જર્મન જેવી વિદેશી કે ઉર્દૂ જેવી ભારતીય ભાષા હોઈ શકે છે.
આ બધા વચ્ચે સવાલ દક્ષિણ ભારતનાં રાજ્યોનો છે કેમ કે હિંદીનો સૌથી વધારે વિરોધ દક્ષિણમાં છે. દક્ષિણનાં રાજ્યોમાં પણ આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણામાં હિંદીનો વિરોધ એટલો પ્રબળ નથી, પણ તમિળનાડુ અને કેરળ જેવાં રાજ્યોને ધોળે ધરમેય હિંદી ખપતી નથી તેથી આ રાજ્યો શું કરે છે એ જોવાનું રહે છે. આ રાજ્યો પોતાની માતૃભાષા અને અંગ્રેજી સિવાય ત્રીજી ભાષા તરીકે વિદેશી ભાષા પસંદ કરે છે કે હિંદી ભણાવવાનું પસંદ કરે છે એ જોવાનું છે.
CBSEએ હિંદી ફરજિયાત કરવાનું ટાળ્યું. છતાં આ મુદ્દે રાજકીય આક્ષેપબાજી તો શરૂ થઈ જ ગઈ છે. અત્યારે ભાજપના કટ્ટર હરીફ એવા એમ.કે. સ્ટાલિન, મમતા બેનરજી, પિનારાયી વિજયનની સત્તા છે એવાં તમિળનાડુ, પશ્ર્ચિમ બંગાળ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણી છે. હિંદીને ફરજિયાત કરવાના વિરોધમાં આ નેતાઓ મોખરે હતાં. આ વખતે પણ તેમણે એવા આક્ષેપ તો શરૂ કરી જ દીધા છે કે, હિંદી થોપવા માટે પાછલા બારણે ત્રીજી ભાષા ફરજિયાત કરવાનો નિર્ણય થોપી બેસાડાઈ રહ્યો છે.
આ આક્ષેપ રાજકીય ફાયદા માટે થઈ રહ્યો છે એ કહેવાની જરૂર નથી પણ સાવ નિરાધાર પણ નથી. ખરેખ તો CBSE એ પહેલાં પૂરતી તૈયારી કરીને પછી ત્રીભાષી ફોર્મ્યુલાનો અમલ કરવો જોઈએ પણ તેના બદલે કોઈ પણ પ્રકારની તૈયારી વિના ઉતાવળે અમલ કરવાનો ફતવો બહાર પાડી દેવાયો એ યોગ્ય નથી જ. CBSEએ બંધારણમાં સૂચિબદ્ધ R3 ભાષાઓ ભણાવવાનું કહ્યું છે પણ એ માટે કોઈ સત્તાવાર પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી. આ પાઠ્યપુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે એવું કહેવાયું છે , પણ ક્યારે ઉપલબ્ધ કરાવાશે એવું કહ્યું નથી. પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી, શાળાઓને સ્થાનિક રીતે ઉપલબ્ધ પુસ્તકો અને શિક્ષણ સામગ્રીનો ઉપયોગ કરવાનું કહી દેવામાં આવ્યું છે.
હવે સ્કૂલો પોતાની રીતે પુસ્તકો પસંદ કરીને ભણાવે તેમાં એકરૂપતા ના આવે ને ભ્રષ્ટાચાર પણ થાય. પ્રકાશકો સ્કૂલના સંચાલકોને લાંચ આપીને કે બીજી રીતે પ્રભાવિત કરીને પોતાનાં પુસ્તકો ખપાવી દેવાના કારસા કરશે. આ પુસ્તકોનું સ્તર કેવું હશે એ આપણને ખબર નથી, પણ વિદ્યાર્થીઓએ ફરજિયાત પુસ્તકો ખરીદવાં પડશે તેથી. વિદ્યાર્થીઓને ફાયદો થશે કે નહીં એ ખભર નથી, પણ પ્રકાશકો અને કમિશન ખાનારા સંચાલકોને બખ્ખાં થઈ જશે.
CBSE ફતવો બહાર પાડી જ દીધો છે તેથી હવે કશું ના થઈ શકે, પણ આપણે એક વાત વિચારવાની જરૂર છે કે, આપણે ભાષાના શિક્ષણ પર આટલો બધો ભાર મૂકીએ છીએ પણ ખરેખર ભાષાઓના શિક્ષણના બદલે વૈશ્વિક રીતે માન્ય વિષયો ભણવા વધારે જરૂરી નથી ? ભાષા કોમ્યુનિકેશનનું માધ્યમ છે ને જ્ઞાન ભાષાના માધ્યમ દ્વારા આવે છે તેથી ભાષા શીખવી અનિવાર્ય છે, પણ આપણે ભાષા શીખવવા માટે જે અભિગમ અપનાવીએ છીએ એ ખોટો છે.
વાસ્તવમાં દરેક સ્કૂલમાં માતૃભાષા અને અંગ્રેજી આ બંને વિષય પહેલા ધોરણથી ફરજિયાત કરવા જોઈએ અને આ વિષયોને માર્ક્સની રેસમાંથી બહાર રાખવા જોઈએ. ભારતમાં જ નહીં પણ દુનિયાના મોટા ભાગના વિસ્તારોમાં અંગ્રેજી ચાલે છે ને માતૃભાષા સાથે ગૌરવ અને ઓળખ સંકળાયેલાં છે તેથી બે ભાષાનું જ્ઞાન પૂરતું છે. હિંદી કે બીજી ભાષા શીખવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ એ ભાષા વધારાની ભાષા તરીકે શીખી શકે પણ તેમને અભ્યાસક્રમમાં ના સમાવવી જોઈએ. તેના બદલે ટેકનિકલ અને સ્કીલ બેઝ્ડ અભ્યાસક્રમ હોવો જોઈએ. વિદ્યાર્થીઓ બાકીના પાંચ વિષય એવા ભણે કે જેનું સ્કીલ તેમને જીંદગીમાં કામ આવે. AI -આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને કોમ્પ્યુટર સાયન્સથી માંડીને ફાયનાન્સ અને મેનેજમેન્ટ સુધીના વિષયો તેમાં આવી ગયા.
આપણે આ પ્રકારનું શિક્ષણ મોડલ બનાવવું જોઈએ પણ કમનસીબે આપણે છોકરાંને પુસ્તકિયા કીડા ને ગોખણપટ્ટીના ચેમ્પિયન બનાવી રહ્યા છીએ ને ત્રિભાષી ફોર્મ્યુલા એ દિશામાં વધુ એક પગલું છે.
ગુજરાતમાં તો ત્રણ કે ચાર ભાષા ફરજિયાત છે...!
CBSE ત્રિભાષી ફોર્મ્યુલા અમલી બનાવવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાં ઘણી સ્કૂલો વરસોથી ત્રણ નહીં , પણ ચાર ભાષા ભણાવે છે. ગુજરાતમાં આઠમા ધોરણથી ત્રિભાષી ફોર્મ્યુલા હેઠળ મોટા ભાગની સ્કૂલોમાં માતૃભાષા ગુજરાતી., અંગ્રેજી અને હિંદીનું શિક્ષણ અપાય જ છે જ્યારે કેટલીક સ્કૂલોમાં તો ધોરણ 8થી ધોરણ 10 સુધી ગુજરાતી., અંગ્રેજી અને હિંદીનું ઉપરાંત સંસ્કૃત એમ 4 ભાષા ભણાવાય છે. અલબત્ત, સંસ્કૃત વૈકલ્પિક વિષય હોવાથી તમામ વિદ્યાર્થી ચાર ભાષા નથી ભણતા તોય ઘણા વિદ્યાર્થીઓ ચાર ભાષા ભણે છે.
બહુ વરસોથી આ ફોર્મ્યુલા અમલી છે ને ગુજરાતીઓની ઘણી પેઢીઓ ચાર ભાષા ભણીને મોટી થઈ છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં છ મુખ્ય વિષય છે તેમાં ગુજરાતી., અંગ્રેજી અને હિંદી એ ત્રણ ભાષા છે જ. સાતમા વિષયની પરીક્ષા સ્કૂલ લે છે ને તેનો ઉલ્લેખ બોર્ડની માર્કશીટમાં હોય છે. સાતમા વિષય તરીકે વિદ્યાર્થી ટાઈપિંગ, ફિઝિકલ એજ્યુકેશન (પીઈ), કોમ્પ્યુટર વગેરે પસંદ કરી શકે છે. તેમાં પણ સંસ્કૃતનો વિકલ્પ હોવાથી દસમાની પરીક્ષા પણ ઘણા વિદ્યાર્થી ચાર ભાષા સાથે પાસ કરે છે.