Thu Jun 25 2026

Logo

મુરતિયો કઈ બાબતની કમી નહીં પડવા દે?

2026-05-03 12:10:00
Author: Bharat Vaishnav
Article Image

ઊડતી વાત - ભરત વૈષ્ણવ

‘મહેમાનો રવિવારે આપણી સંસ્કૃતિને જોવા આવશે.’ ફાલ્ગુની ફઈએ ટેલિફોન પર સૂચના આપી. જેમના દીકરા-દીકરી સગાઈની સરહદ ઓળંગી ગયાં હોય તેની વ્યાકુળતા દિન પ્રતિદિન ફુગાવા કે ગરીબીની જેમ વધતી જતી હોય છે. શરૂઆતમાં વેવિશાળ માટે જ્ઞાતિનો મુરતિયો કે કેટલાક તો હ્યુમનોઇડ કે એાઇ રોબોટ સાથે ડાળે વળગવા તલપાપડ હોય છે. સવિતાબહેન  છોકરાની મા હતી. રૂચિની દીકરી સંસ્કૃતિને જોવા આવેલ. છોકરો અને છોકરાનાં માબાપ રિક્ષા, કાર કે બાઇક પર આવવાને બદલે પેડલ રિક્ષામાં આવેલ.મહેમાનો ડ્રૉઇંગરૂમમાં ગોઠવાયા. છોકરાએ ભૂરા રંગનું ટીશર્ટ અને લાલ પેન્ટ પહેરેલ. ટીશર્ટ પર ‘ઈજ્ઞળળયભિશફહ’ એવું લખેલ. છોકરાનો ગોળમટોળ ભાઈ પણ આવેલ. છોકરાનો ભાઈ ઘાટઘૂટમાં પાંચ કિલોના સિલિન્ડર જેવો જ લાગે. સંસ્કૃતિ ચા અને નાસ્તો લઈને આવી. નાસ્તો ગરમ ગરમ ન હતો. નાસ્તામાં ફણગાવેલા મગ અને સલાડ જેવું હતું. હમણાં બાટલાની બબાલ હતી.

‘ચા - પાપાની પરી એટલે કે તમારી દીકરીએ બનાવી છે?’ સવિતાબહેને  કપમાંથી ચાનો ઘૂંટડો પીધો. તેવું મોઢું બગડી ગયું. સંસ્કૃતિ રૂપાળી હતી.આંખનું લુકિંગ ટુ લંડન ટોકિંગ ટુ ટોકિયો જેવું હતું એની ના નહીં.  એટલે કે સંસ્કૃતિ સડસડાટ ત્રીસી વટાવી ચૂકેલી. લગ્ન બજારમાં ફેંકાઈ જવાના નાજુક તબક્કે પહોંચી ગયેલી. તેથી લગ્ન કરવા વિહ્વળ બનેલી.

‘તમને કેવી રીતે ખબર પડી?’ રૂચિએ અચંબિત અવાજે પછ્યું.

‘તમે ચા પીશો એટલે મારો સવાલ સમજાઈ જશે.’ સવિતાએ ચામાં રહેલી ખામી જબાન પર લાવી.

‘સંસ્કૃતિ એટલે કે મારી દીકરીએ ચામાં તો ખાંડને બદલે મીઠું ધાબડ્યું લાગે છે. એ બચારીને ખાંડ અને મીઠાનો ભેદ ક્યાંથી ખબર હોય?’ રૂચિએ પોતાની દીકરીનો બચાવ કર્યો. ‘રૂચિબહેન, આજકાલની પાપાની પરીઓને માબાપે ફટવાડી હોય છે. પાપાની પરી ચિત્રવિચિત્ર કપડાં પહેરી રિલ્સ બનાવવા, ચારે કોર ભટકવામાંથી નવરી જ કયાં પડે છે? પાપાની પરીઓને રસોડામાં જઈને રાંધવાની એલર્જી હોય છે. માવતરો પણ રાંધવાચિંધવાનું શીખવાડતાં નથી. લગ્ન પછી પણ સાસરે જઈ રસોઈ શીખવાના બદલે રસોઇયાના સહારે લગ્ન જીવન હંકારવું હોય છે.’ સવિતાબહેને  આજકાલની છોકરીઓ માટેની કડવાશ ઠાલવી દીધી. પ્રવીણ પપ્પુ એટલે કે સવિતાબહેનનો છોરો સંસ્કૃતિને મીઠાઈ માની નજરથી ચગળતો હતો. મીઠાઈની દુકાનના કાચની બહાર છોકરા મીઠાઈને લોલુપ નજરે જુએ તેવી પ્રવીણની પરિસ્થિતિ હતી.
 ‘સંસ્કૃતિની હાઇટ કેટલી?’ પ્રવીણે સવાલ દાગ્યો.

 ‘ચાર ફૂટ દસ ઇંચ. અને તમારી?’  રૂચિએ પણ છોકરાની હાઇટ પૂછી લીધી.

‘અમારા પપ્પુની હાઇટ પાંચ ફૂટ છે.’

‘તમારા દીકરો કેટલું કમાય છે?’ સંસ્કૃતિના પિતા ચંદુ ચૌદસે ટિપિકલ સવાલ પછ્યો. જોકે આવા ભયંકર સવાલનો સાચો જવાબ કોઈ આપતું નથી. છોકરો કે છોકરી જોવાના પ્રસંગોએ વાત વધારીને કહેવાની સામાજિક પરંપરા અને પ્રણાલિકા છે.

‘અમે ખાધેપીધે સુખી છીએ. વતનમાં ડેલીબંધ મકાન છે. ગાંધીનગરમાં ત્રણસો ત્રીસ મીટરનો બંગલો અને ફોર બીએચકે એપાર્ટમેન્ટ છે. એક ફાર્મહાઉસ છે.’ ખિસ્સામાં મકાનનું ભાડું ચૂકવ્યાની પંદર હજાર રૂપિયાની પહોંચ પંપાળતાં ચંદુ ચૌદસે કહ્યું.

‘તમે લગ્ન પછી સંસ્કૃતિને પંજાબી સૂટ, લેગિન, જેગિન્સ, પેન્ટશર્ટ પહેરવાની મનાઈ નહીં કરોને?’ રૂચિએ પાણી પહેલાં પાળ બાંધી.

‘જુઓે, અમારે ત્યાં બધી છૂટ છે. લાજનો ઘૂમટો પણ તાણવાનો નથી.’ સવિતાએ હરખાઈને કહ્યું.

‘અમારી દીકરી દુ:ખી તો નહીં થાય ને?’ રૂચિએ આશંકા વ્યક્ત કરી.  મોટે ભાગે તો ગરીબ કે ગુણિયલ દેખાતી છોકરી સાસરિયાને ધોળે દિવસે તારા દેખાડતી હોય છે. સંસ્કૃતિ વિકૃતિ બની જતી હોય એ વાત અલગ છે.

‘રૂચિબહેન, સો વાતની એક વાત. તમારી દીકરીને એકબે ઘરેણાં ઓછાં પડશે. પણ મારો દીકરો એક વાતની  કમી પડવા નહીં દે.’ સવિતાએ ચૂંટણી ઢંઢેરા જેવી ખાતરી આપી.

‘અમારે આટલું જ જાઈએ છે. બાકી અમારી દીકરી ગમે ત્યાંથી મારગ કાઢી લે એવી પાણીદાર છે.’ રૂચિએ સંસ્કૃતિના વખાણ કર્યા.

‘તમારી દીકરીને એક બે ગાભા ઓછા પડે પણ મારો દીકરો એક બાબતની કમી પડવા નહીં દે.’ સવિતાબેન રટણ ચાલુ રાખ્યું.

‘હાશ, અમારે આવા જ ગુણિયલ વેવાઈની જરૂરત છે.’ રૂચિએ હરખ કર્યો.

‘સો વાતની એક વાત... તમારી દીકરીને મારો પપ્પુ ઓછું નહીં આવવા દે. કદાચ બે કોળિયા ન મળે, પરંતુ કાચું કોરું કે ઠંડું ખાવાની નોબત આવવા દેશે નહીં.’ સવિતાએ ખાતરી આપી.

‘તમારો પપ્પુ તો પાણીદાર કહેવાય.’ રૂચિએ વખાણ કર્યા.

‘મારો પપ્પુ તો પાણીદાર નહીં પરંતુ ગૅસદાર છે.’ સવિતાએ પપ્પુ પર પ્રશંસાનાં પુષ્પો વેયાર્ં.

‘બેન, અત્યારે ગૅસના બાટલાની ભયંકર તંગી છે. બ્લૅકમાં ચારપાંચ હજાર રૂપિયા ખર્ચ કરો તો ગૅસના બાટલા મળતા નથી પરંતુ અમારે ઘરે ગૅસના ચારપાંચ બાટલા પડ્યા જ હોય’ સવિતાએ ગર્વથી કહ્યું.

‘તમારા દીકરાને રીફાઇનરી કે ગૅસની એજન્સી છે?’ રૂચિએ પપ્પુના પ્રોફેશન વિશે પ્રશ્ર પૂછયો. ‘ ના, અરે ના, મારો પપ્પુ ડીએમ છે.’ સવિતાએ ચોખવટ કરી.

‘એટલે તમારો દીકરો ડિસ્ટ્રિકટ મૅજિસ્ટ્રેટ છે? રૂચિએ પૂછ્યુું.

‘આઇએએસ, આઇપીએસ કે મોટા નેતા ગૅસના બાટલા મેળવવા મારા પપ્પુની આરતી ઉતારે છે.’ સવિતાએ પપ્પુના પ્રોફેશનની વિગતો જણાવી.  સવિતાબહેનનો પપ્પુ કોઇ ગૅસ એજન્સીમાં ગૅસ સિલિન્ડરની ડિલિવરી કરતો હતો. (ઉખ - ડિલિવરી મેન  ! ) અત્યારના સમયમાં પપ્પુ ઊપડ્યો ઊપડતો ન હતો. ગૅસની તંગીના સમયમાં પપ્પુ ડિલિવરીમેન પહેલવાન બની ગયો! ઉમેરવાની જરૂર ખરી કે પપ્પુ અને સંસ્કૃતિની સગાઈના ગોળ-ધાણા ખવાઈ ગયા.અને નજીકના ભવિષ્યમાં હાથ પીળા થવાના છે.