કમનસીબે ફૂટબોલ ક્ષેત્રે ભારત ફીફાં ખાંડવા સિવાય કશું નથી કરી શક્યું!
ભાત ભાત કે લોગ - જ્વલંત નાયક
બંગાળની રાજકીય ગરમી આવનારા એકાદ અઠવાડિયામાં ઠરી જશે. રાજ્યમાં યોજાયેલ ચૂંટણીઓને કારણે આખા દેશમાં ઝાલમૂડી અને માછલીનો મુદ્દો મોદી-મમતા સુધી બહુ ચર્ચાયો, પણ હવે આવનારા દિવસોમાં બંગાળીઓ અન્ય એક વાતે એક સરખા બિઝી થઇ જવાના છે, કારણ કે બંગાળીઓને પ્રિય એવો એક ખેલ મહાઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે.
ના, વાત ક્રિકેટની આઈપીએલ સ્પર્ધાઓની નથી. વાત થઇ રહી છે ફૂટબોલની. એક જમાનામાં એવું કહેવાતું કે ભારતમાં ક્રિકેટ માત્ર રમત નથી બલકે એક ધર્મ છે અને સચિન તેન્ડુલકર ક્રિકેટનો ભગવાન છે, પરંતુ બંગાળ સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં પરિસ્થિતિ જરા જુદી છે. આ પ્રજા ફૂટબોલ પાછળ ઘેલી છે અને એટલે જ આવનારા દિવસો આ લોકો માટે એ ખેલ મહાકુંભ સમા બની રહેવાના છે, કારણ કે જૂન-જુલાઈમાં યોજાવા જઈ રહ્યો છે 2026નો ‘ઋઋઅ ફૂટબોલ વર્લ્ડકપ’.
આ ઇવેન્ટ અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી અનોખા વર્લ્ડ કપ તરીકે ઇતિહાસમાં નોંધાશે. જે લોકોને સ્પોર્ટ્સમાં ખાસ રસ નથી એ લોકો પણ આ ટૂર્નામેન્ટને એક મોટા સાંસ્કૃતિક મેળાવડા તરીકે જોઈ રહ્યા છે. છેલ્લા અઢી દાયકા દરમિયાન ફીફા વર્લ્ડકપનું જે ફોર્મેટ હતું એ મુજબ કુલ 64 મેચ રમાતી, પણ આ વખતે સર્વાધિક 48 દેશોની ટીમ ભાગ લેવા જઈ રહી હોવાથી કુલ મેચની સંખ્યા વધીને 100નો આંકડો પાર કરી જશે....
1934માં ખેલાયેલી પ્રથમ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં માત્ર 17 મેચ રમાયેલી. એની સરખામણીએ આ વર્ષે અધધ 104 મેચ રમાશે!
રાજકારણ પર સ્પોર્ટ્સ હાવી
હજી વધારે મજેદાર મુદ્દો એ છે કે આ તમામ મેચ જૂના મિત્રો અને હવે એકબીજા સાથે તરોતાજા દુશ્મની વહોરી લેનાર દેશોમાં રમાવાની છે. વાત એમ છે કે ફીફા વર્લ્ડકપના યજમાન તરીકે પહેલી વખત ત્રણ-ત્રણ દેશ નિમાયા છે. એકબીજાના પાડોશી એવા આ ત્રણ દેશો એટલે મેક્સિકો, કેનેડા અને આપણા લોકલાડીલા ડોનલ્ડ કાકાનું અમેરિકા.
આમ તો આવી વૈશ્વિક સ્પર્ધાઓના યજમાન વર્ષો પહેલા નક્કી થતા હોય છે. એ વખતના જીઓપોલિટિકલ સમીકરણ કંઈક જુદા હશે, પણ હાલની પરિસ્થિતિ અલગ છે. મેક્સિકો સરહદેથી અમેરિકામાં ઘૂસી આવનારા લોકો મોટી ડ્રગ કાર્ટેલ્સ ચલાવે છે અને અમેરિકાના અન્ડરવર્લ્ડમાં એમનો મોટો ફાળો છે. એ કારણોસર મેક્સિકો-યુએસએ સંબંધો પહેલેથી જ તણાવ ભરેલા છે. એમાં મેક્સિકો સરહદે દીવાલ ચણવાની વાત કરનારા આખાબોલા ટ્રમ્પે આ સંબંધો વધુ વકરાવવાનું કામ કર્યું છે. બીજી તરફ કેનેડા પહેલેથી અમેરિકાનું સારું મિત્ર હતું. પણ ટ્રમ્પે ગાદી પર બેસતાવેંત કેનેડાને યુએસએના એકાવનમાં રાજ્ય તરીકે ઓળખાવાનું શરૂ કર્યું, ત્યારથી યુએસએ-કેનેડા સંબંધો પણ ખાડે ગયા છે. હવે આવા માહોલમાં આ ત્રણેય યજમાન દેશો જીઓપોલિટિકલ બબાલને બાજુએ રાખીને આખું આયોજન કઈ રીતે સુપેરે પાર પાડે છે એ જોવું રસપ્રદ થઇ રહેશે.
અહીં અન્ય એક મહત્ત્વનો મુદ્દો આ વાતાવરણને લગતો છે. જ્યાં મેચ રમાવાની હોય એ શહેરમાં લાખો પર્યટકો ઊમટી પડે અને મેદાનમાં હજારો પ્રેક્ષકોની ખીચોખીચ હાજરીથી ઉભરાઈ જાય એ સ્વાભાવિક છે. આવા સમયે જે-તે શહેરનું વાતાવરણ પડકારજનક બની શકે છે. કેનેડા આમ ઠંડો પ્રદેશ, ગણાય પણ આ વર્ષે જૂન-જુલાઈમાં તાપમાન થોડું ઊંચું રહેવાની ધારણા છે. સામાન્ય રીતે અહીનું તાપમાન 20-22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હોય છે. પણ મોસમ વિશેષજ્ઞોના અનુમાન મુજબ આ વર્ષે તાપમાન એટલું ઊંચું રહેશે કે આયોજકોએ દર્શકોને ઠંડક મળે એ માટે ખાસ આયોજનો કરવાની નોબત આવશે.
આ બધા વચ્ચે ભારત ક્યાં?
એક ભારતીય તરીકે આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. વિશ્વની સૌથી લોકપ્રિય રમત ગણાતા ફૂટબોલમાં ભારતની સ્થિતિ અપાર સંભાવનાઓ અને કટુ વાસ્તવિકતાની વચ્ચે ક્યાંક છે. ક્રિકેટ પ્રત્યેની ઘેલછાને કારણે પૂર્વોત્તર રાજ્યો સિવાયના ભારતે ભલે ફૂટબોલ તરફ દુર્લક્ષ સેવ્યું, પણ હવે અઢળક સ્પોર્ટ્સ ચેનલ્સ અને સોશ્યલ મીડિયાના જમાનામાં ભારતનો યુવા વર્ગ આ રમત તરફ આકર્ષાવાની શરૂઆત થઇ ચૂકી છે. આમ છતાં, ફૂટબોલ પ્રત્યેની ચાહત હજી માત્ર પ્રેક્ષક બનવા સુધી જ સીમિત રહી છે. ફીફા રેન્કિંગમાં ભારતની ટીમ ઠેઠ એકસો છત્રીસમા ક્રમે છે!
છેલ્લા ત્રણ-ચાર દાયકા દરમિયાન ભારત નેવુંમાં ક્રમ સુધી માંડ પહોંચી શક્યું હતું. પણ એ પછી આપણે પડતી જ જોઈ છે. આમ તો ભારતની ટીમ ઠેઠ એકસો સિત્તેરમા ક્રમ સુધી સરકી પડી હોય એવો કપરો સમયગાળો ય આપણે એકથી વધુ વખત વેઠવો પડ્યો છે.
જો કે પહેલેથી ફૂટબોલ ક્ષેત્રે આપણે આટલા નબળા નહોતા. 1950-60નો દશક ભારતીય ફૂટબોલ માટે સુવર્ણકાળ ગણાય છે. એ પછી ય સુનીલ છેત્રી જેવા એકલવીર યોદ્ધાઓએ વૈશ્વિક સ્તરે સરાહના મેળવી છે. મગર વો દાસ્તાં ફિર કભી...