Sat Jun 06 2026

Logo

આખરે સી. આર. ભંસાલી સ્કેમની આર્થિક રમતનો આવ્યો કરુણ અંત

2026-06-03 09:08:42
Author: પ્રફુલ શાહ
Article Image

પ્રફુલ શાહ  

હવે એ સમજવું આસાન છે કે ચેન રૂપ ભંસાલીની યોજનાનો ધ્યેય ફક્તને ફક્ત નફાકારકતાનો ભ્રમ ઊભો કરવાનો હતો. શેર બજારમાં સક્રિય ન હોય કે એની જાણકારી ન ધરાવનારાઓને આખી પ્રક્રિયા અને ઘટનાક્રમ ટેક્નિકલ લાગવાની પણ એના વગર છુટકો નથી. 

ભંસાલી શેલ કંપનીઓ મારફતે નાણાં ફેરવતા અને ખાનગી માલિકીની કંપનીઓ તથા પોતાની પબ્લિક એન્ટિટીઓ વચ્ચેની ક્રોસ-હોલ્ડિંગ્સ દ્વારા શેરના ભાવોમાં હેરફેર કરતો હતો. પરિણામે એમાં ટોચનાં રોકાણોમાં સામેલ હતાં. રિટેલ રોકાણકારો બહુ ઓછા હતા કારણ કે ભંસાલી મુખ્યત્વે પોતાના મિત્રો પાસે તેમની કંપનીઓના શેર ખરીદવાના બદલે પોતાની યોજનાઓમાં રોકાણ કરાવતો હતો. 

તેણે અન્ય કંપનીઓના જાહેર લિસ્ટિંગ્સનો પણ લાભ લીધો, જેમાં ઓછા ભાવે શેર ખરીદવા, ઊંચા ભાવે વેચવા અને પછી ફરીથી વધારે ભાવે પાછા ખરીદવાની વ્યવસ્થા ગોઠવવામાં આવતી. આ સોદાઓને તેની લિસ્ટેડ કંપનીઓમાં કૃત્રિમ નફા તરીકે દર્શાવવામાં આવતાં, જેના કારણે કંપનીઓ ની નાણાકીય સ્થિતિ મજબૂત હોવાનો ભ્રમ ઊભો થતો હતો. આનાથી શેરના ભાવ વધતા જતા હતા અને સરવાળે વધુ જાહેર રોકાણ મળતું હતું. 

ચેન રૂપ ભંસાલીનો મૂળ ઈરાદો તો બેંકિંગ લાઇસન્સ મેળવવાનો હતો. વચ્ચે થતા નાના સ્કેમ્સ માત્ર આ મોટા હેતુ સુધી પહોંચવાના નાનાં-નાનાં પગથિયાં હતાં. આ માટે તેણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુંબઈ શાખામાંથી ખોટા ડિવિડન્ડ વોરન્ટ્સ દ્વારા રૂપિયા 59 કરોડની છેતરપિંડી કરી હતી અને આ રકમ કોલકાતા અને રાજસ્થાનના ખોટા બેંક ખાતાઓ મારફતે ઉપાડી હતી. આશ્ર્ચર્યજનક રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભંસાલીના બેંકિંગ લાઇસન્સ માટેના પ્રસ્તાવ પર વિચાર પણ કર્યો હતો. 

મીડિયા દ્વારા સી. આર. બી. ગ્રુપની છેતરપિંડીભરી પ્રવૃત્તિઓનો પર્દાફાશ થતા ભંસાલીની નવી યોજનાઓ શરૂ કરવા પર પ્રતિબંધ મુકાઈ ગયો હતો. આ સ્કેમ બહાર આવ્યા પછી સી. આર. બી. મ્યુચ્યુઅલ ફંડને પણ વ્યવસાય કરવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભુવનેશ્વરમાં બેંક સ્થાપવા માટે તેને આપેલી પ્રાથમિક મંજૂરી પણ પાછી ખેંચી લીધી હતી. 

એક અહેવાલ મુજબ સી. આર. બી. સ્કેમમાં આશરે વીસ હજાર રોકાણકારો સપડાયા હતા. આ સાથે જ ‘રીડેમ્પશન’ (કોઈ સિક્યોરિટીઝ, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ અથવા ડિબેન્ચર પાછા આપીને તેના બદલામાં કંપની અથવા સંસ્થા પાસેથી રોકાણની રકમ કે મૂલ્ય પરત મેળવવું) માટે દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. અંતે લગભગ 20 વર્ષ બાદ રોકાણકારોને અરિહંત મંગલ સ્કીમ પ્રતિ યુનિટ 6.48 રૂપિયાનું કામચલાઉ એન. એ. વી. (નેટ એસેટ વેલ્યૂ) આપવાનું મંજૂર કરવામાં આવ્યું હતું .

આ સ્કેમ બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આકરી ટીકા થઈ હતી કારણ કે તેણે મ્યુચ્યુઅલ ફંડ અને કંપનીના નાણાકીય હિસાબોની પૂરતી તપાસ અને વ્યવસ્થિત દેખરેખ રાખી નહોતી. એટલું જ નહિ, વિવિધ ફરિયાદો મળવા છતાં કંપની સામે કાર્યવાહી ન કરવા બદલ પણ તેની ખૂબ ટીકા થઈ. છે આટલું બધું બની ગયા બાદ રિઝર્વ બેંંકે આ સ્કેમની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિ રચી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સૂચનો પણ જાહેર કર્યાં હતાં. 

ખરેખર તો મ્યુચ્યુઅલ ફંડ્સની દુનિયા તકોથી ભરેલી હતી, અનેક સ્કેમ્સે રોકાણકારોને કડવા-કઠોર બોધપાઠ શીખવ્યા પણ ભારે નુકસાન બાદ. હા, આવા સ્કેમે રોકાણકારોને છેતરપિંડીથી બચાવવા માટે મજબૂત નિયમનકારી માળખાની જરૂરિયાત નીચે ઘાટ્ટી લાલ લીટી દોરી આપી હતી. અનેક નિષ્ણાતોએ આ સ્કેમને મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્ર માટે એક સકારાત્મક ઘટના ગણાવી હતી. આને લીધે તેણે ઉદ્યોગની જટિલતાઓ બહાર લાવી અને ભવિષ્યમાં આવા સ્કેમ્સ ઓળખવા માટે રોકાણકારોને જાગૃત કર્યા હતા. આ ઘટનાએ જ સરકારને નાણાકીય કંપનીઓ માટેનું નિયમનકારી માળખું વધુ મજબૂત બનાવવા જરૂરી પગલાં લેવા મજબૂર કરી હતી.

અંતે 1996માં ભીંસ વધતા ભંસાલી દેશ છોડીને ભાગી ગયો, પરંતુ 1997ના જૂનમાં સી. બી. આઈ. અધિકારીઓએ તેને હોંગકોંગમાંથી પકડી ભારત પરત લાવ્યા હતા. એજન્સીએ તેમની કંપનીઓના બેંક ખાતાઓ સીલ કર્યા અને કંપનીઓને બંધ કરવાની અરજી દાખલ કરી. 1997માં ભંસાલીએ ઘણા મહિના જેલમાં વિતાવ્યા.

પછી ભંસાલી ગાઝિયાબાદમાં સ્થાયી થયો. પોતાને શિક્ષણપ્રેમી તરીકે રજૂ કર્યા અને ઘણી વખત વ્હાઇટ-કોલર ગુનેગારો જે આધ્યાત્મિક શરણ લે છે તે માર્ગ અપનાવ્યો. તેણે દેવી સરસ્વતીનો સંદેશ ફેલાવવા માટે ગ્લોબલ સોસાયટી ફોર સરસ્વતી કોન્શ્યિસનેસની સ્થાપના કરી હતી. આ પછી જાહેર જીવનથી દૂર રહેવાનું પસંદ કયુર્ં હતું.  (સમાપ્ત)