Mon Jun 08 2026

Logo

મહારાષ્ટ્ર વિભાગોએ 10,000થી વધુ ઓડિટ પ્રશ્નોને અવગણ્યા: કેગ

2026-03-31 19:49:00
Author: Vipul Vaidya
Article Image

891 કરોડ રૂપિયાની સંભવિત ગેરરીતિઓનો સંકેત 

મુંબઈ: ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ)એ મહારાષ્ટ્રના શાસનમાં ‘વ્યવસ્થિત ખામીઓ’ને દર્શાવી છે, 10,000થી વધુ ઓડિટ પ્રશ્ર્નોમાં 891 કરોડ રૂપિયાની સંભવિત નાણાકીય ગેરરીતિઓ અંગે કેગે પુછેલા સવાલોને વિવિધ વિભાગોએ એક દાયકાથી વારંવાર યાદ અપાવવા છતાં અવગણ્યા હતા.રાજ્ય વિધાનસભાના તાજેતરમાં પૂર્ણ થયેલા બજેટ સત્રમાં રજૂ કરાયેલા અહેવાલમાં, કેગએ વિભાગો દ્વારા કાર્યવાહી નોંધ (એટીએન) ફાઇલ કરવામાં વિલંબની ટીકા કરી હતી, અને જણાવ્યું હતું કે 2,408 નિરીક્ષણ અહેવાલો (આઈઆર)માં પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવામાં રાજ્યની અસમર્થતા ‘વહીવટીતંત્રની બેદરકારી’ દર્શાવે છે. 

કેગએ ખાતાઓ પર પ્રશ્ર્નો ઉઠાવ્યા છે, જેમાંથી કેટલાક એક દાયકાથી વધુ જૂના છે, પરંતુ વિભાગોએ તેમને અનુત્તરિત છોડી દીધા છે.જૂન 2023 સુધીમાં 10,340 ફકરા (સવાલો) ધરાવતા 2,408 જેટલા આઈઆર પેન્ડિંગ હતા, તે નોંધપાત્ર બેકલોગ દર્શાવે છે, જ્યારે 2022-23 માટે એક અલગ સ્થાનિક ઓડિટમાં 891.29 કરોડ રૂપિયાના મહેસૂલના પ્રભાવને લગતા 2,119 વાંધા ઉઠાવવામાં આવ્યા હતા, જેની સામે વર્ષ દરમિયાન ફક્ત 25.58 કરોડ રૂપિયા જ વસૂલ કરવામાં આવ્યા હતા.

કેગના રિપોર્ટમાં જણાવાયું છે કે આઈઆર અને ઓડિટ ફકરા નાણાકીય દેખરેખનો મુખ્ય ભાગ બનાવે છે, કારણ કે તે સ્થાનિક ઓડિટ પછી તરત જ વિભાગીય વડાઓને અનિયમિતતાઓ ઓળખવા માટે જારી કરવામાં આવે છે.વ્યક્તિગત ફકરા ચોક્કસ ઓડિટ અવલોકનોનું પ્રતિનિધિત્વ કરે છે જેમ કે ગેરરીતિ, અનધિકૃત ખર્ચ અને નિયમોનું પાલન ન કરવું, જેના માટે સમયસર પ્રતિભાવ અને સુધારાત્મક કાર્યવાહીની જરૂર હોય છે.

ઓડિટ ફકરાઓ સતત પેન્ડિંગ, એટીએન રજૂ કરવામાં વિલંબ અને ઓડિટ અવલોકનોનું નબળું પાલન ‘એક્ઝિક્યુટિવ જવાબદારી અને કાયદાકીય દેખરેખ સુનિશ્ર્ચિત કરવામાં પ્રણાલીગત ખામીઓ’ તરફ નિર્દેશ કરે છે, એમ આ અહેવાલમાં જણાવાયું છે.ક્લસ્ટર મુજબના ડેટા દર્શાવે છે કે જાહેર બાંધકામ, પાણી પુરવઠો અને સ્વચ્છતા, અને રસ્તાઓ અને પુલો સહિતના ક્ષેત્રો સૌથી વધુ પેન્ડન્સી ધરાવતા હતા, જેમાં 789 આઈઆરમાં 3,604 ફકરા હતા.ગૃહ અને કાનૂની બાબતો સહિત કાયદો અને વ્યવસ્થા ક્ષેત્રે 1,690 ફકરા સાથે 454 અહેવાલો હતા, જ્યારે પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે 1,471 ફકરા સાથે 388 અહેવાલો હતા.