Thu Apr 30 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 29 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-29 08:34:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-03-29 22:21:38

રોહિત-રાયનની જોડીનો કોલકાતાને જડબાતોડ જવાબ

વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતાના અજિંક્ય-ઍલનની પ્રારંભિક જોડીએ બૅટિંગ મળ્યા બાદ 69 રનની ધમાકેદાર ભાગીદારીથી ટીમને 220 રનનો મોટો સ્કોર અપાવ્યો એના જવાબમાં મુંબઈને રોહિત-રાયનની ઓપનિંગ જોડીએ દાવની સુપર-ડુપર શરૂઆત કરાવી આપી હતી. પહેલી નવ ઓવરમાં તેમણે 12.44ના રનરેટ સાથે 112 રનનો ખડકલો કરી દીધો હતો. બન્ને ઓપનરમાંથી રોહિત શર્માએ 23 બૉલમાં તો રાયન રિકલ્ટને 24 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. રોહિતે પાંચ તો રાયને છ સિક્સર ફટકારી હતી. કોલકાતાના વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણ જેવા દિગ્ગજ સહિતના પાંચ બોલરનો આ જોડી સામે કોઈ જવાબ નહોતો.

2026-03-29 22:12:07

ડેવાલ્ડ બ્રેવિસ કમરના સ્નાયુના દુખાવાથી પરેશાન, થોડી મૅચો નહીં રમે

મહેન્દ્રસિંહ ધોનીના પગના દુખાવાની સમસ્યા ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમ માટે જાણે અપૂરતી હોય એમ બીજા એક મહત્ત્વના ખેલાડીએ તેના અસંખ્ય ચાહકોને આંચકો આપ્યો છે. ડેવાલ્ડ બ્રેવિસ કમરના સ્નાયુઓના દુખાવાને કારણે આઇપીએલની શરૂઆતની અમુક મૅચો નથી રમવાનો. તે આ પહેલાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં હતો. ગુવાહાટીમાં સોમવાર, 30મી માર્ચે ચેન્નઈની પ્રથમ મૅચ રાજસ્થાન સામે રમાવાની છે અને એ પહેલાં જ ચેન્નઈની ટીમ નબળી પડી છે. ધોની લગભગ બે અઠવાડિયાં નથી રમવાનો.

2026-03-29 20:19:40

ડીજીસીએનો મોટો નિર્ણય, હવાઇ યાત્રીઓએ હવે 60 ટકા સીટ પર નહિ આપવો પડે વધારાનો ચાર્જ

હવાઇ યાત્રા કરતાં મુસાફરો માટે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં ડીજીસીએના જણાવ્યા અનુસાર હવે 20 એપ્રિલથી એરલાઇન્સ કોઈપણ ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60 ટકા બેઠકો કોઈપણ વધારાના ચાર્જ વિના ઉપલબ્ધ કરાવશે.  તેમજ ફ્લાઇટમાં પારદર્શક સીટ ફાળવણી નીતિ ઘડશે.

2026-03-29 20:00:21

વાનખેડેમાં ઍલન-અજિંક્યની જોરદાર ફટકાબાજી

વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સે બૅટિંગ આપ્યા બાદ કોલકાતા નાઇટ રાઇડર્સના કિવી ઓપનર ફિન ઍલન (36 નૉટઆઉટ, 15 બૉલ, બે સિક્સર, છ ફોર) અને કૅપ્ટન અજિંક્ય રહાણે (26 નૉટઆઉટ, 12 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)ની ઓપનિંગ જોડીએ જોરદાર આતશબાજી શરૂ કરી દીધી હતી. તેમણે 13-પ્લસના રનરેટથી રન બનાવ્યા હતા. પાંચ ઓવરને અંતે કોલકાતાનો સ્કોર વિના વિકેટે 68 રન હતો. કૅપ્ટન હાર્દિક પંડ્યા અને પીઢ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટ બાદ નવા અફઘાની સ્પિનર એએમ ગઝનફર અને જસપ્રીત બુમરાહની બોલિંગમાં કોલકાતાના બન્ને ઓપનર બેકાબૂ થઈને રમ્યા હતા. ગઝનફરની ડેબ્યૂ ઓવરમાં 17 રન બન્યા હતા.

2026-03-29 19:50:54

ખેડા-અમદાવાદ હાઈ વે પર અકસ્માતમાં એક પરિવારના 3ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં હાઈ વે પર અકસ્માતની ઘણી ઘટના બની હતી, જેમાં ખેડા-અમદાવાદ હાઈ વે પરના અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ જણ કાળનો કોળિયો બની ગયા હતા. ખેડા-અમદાવાદ હાઈવે પર રવિવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો  અહીં વડાલા પાસે બાઈક અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત નિપજયા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટેમ્પો અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં પિતા અને તેમના બે માસૂમ પુત્રએ જીવ ગુમાવ્યા હતા. મળતી વિગતો અનુસાર અમદાવાદના વાસણા વિસ્તારના રહેવાસી નવલભાઈ મણીભાઈ શાહ અને તેમના બે પુત્ર જયકુમાર તથા જીનેશકુમાર લીંબાસી જવા નીકળ્યા હતા. વડાલા નજીક સામેથી આવતા આઈશર ટ્રકે બાઈકને હડફેટે લીધી હતી અને પિતા તેમ જ તેમના બે પુત્રના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા તેમ જ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ પરિવારના ત્રણ સભ્યના આ રીતે મોત થતા પરિવાર સહિત સંબંધીઓ શોકમાં સરી પડ્યા હતા.

2026-03-29 19:42:02

દેશમાં LPG સિલિન્ડરનો પુરવઠો સામાન્ય, શનિવારે 55 લાખ LPG સિલિન્ડરનું વિતરણ

મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતમાં ઘરેલુ LPG સિલિન્ડરનો પુરવઠો સામાન્ય છે. આ અંગે પેટ્રોલિયમ મંત્રાલયે રવિવારે સ્પષ્ટતા કરી હતી કે શનિવારે દેશના 55 લાખથી  વધુ LPG સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પાંચ કિલોગ્રામના ફ્રી ટ્રેડ   64,000 LPG સિલિન્ડર પણ વેચાયા હતા. તેમજ દેશમાં કોઈપણ LPG વિતરકનો સ્ટોક ખતમ થઈ ગયો હોવાના કોઈ અહેવાલ નથી.

2026-03-29 18:19:21

કચ્છમાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડના બચ્ચાના જન્મ લઇને રાજકારણ ગરમાયું

કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ 'ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' (ઘોરાડ)ના બચ્ચાનો જન્મ થયો છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજનીતિ શરૂ થઇ છે. આ અંગે કોંગ્રેસના સાંસદ અને પૂર્વ  કેન્દ્રીય પર્યાવરણ મંત્રી જયરામ રમેશે એકસ પર પોસ્ટ કરીને આનો શ્રેય પીએમ મોદીને આપવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

2026-03-29 17:41:04

અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ આક્રમક થવાની આશંકા, અમેરિકા ઈરાનમાં ઉતારી શકે છે આર્મી

અમેરિકા -ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાનમાં સત્તા પરિવર્તનના ઉદેશ સાથે શરુ કરવામાં આવેલા યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયલને સફળતા મળી નથી. તેમજ ઈરાને પણ આ યુદ્ધમાં ઇઝરાયેલ અને અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે હવે આ  નિષ્ફળતાથી આક્રોશિત ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાનમાં આર્મી ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકા17,000 થી વધુ સૈનિકો તૈનાત કરી શકે છે.

2026-03-29 17:00:19

ઉત્તર કોરિયાએ અમેરિકાની ચિંતા વધારી, કર્યું ફ્યુઅલ મિસાઇલ એન્જિનનું પરીક્ષણ

મિડલ ઈસ્ટમાં અમેરિકા -ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે સમગ્ર વિશ્વની ચિંતા વધારી છે. આ દરમિયાન હવે ઉત્તર કોરિયાએ અમેરિકાની ચિંતામાં વધારો કર્યો છે. જેમાં ઉત્તર કોરિયાએ હાઇ-થ્રસ્ટ સોલિડ-ફ્યુઅલ મિસાઇલ એન્જિનનું પરીક્ષણ કર્યું છે. માનવામાં આવી રહ્યું છે. કે જેની પહોંચ છેક અમેરિકા સુધીની છે. જોકે, ઉત્તર કોરિયાએ તેની લશ્કરી ક્ષમતાઓને વધારવા માટે આ પગલું ભર્યું છે.

2026-03-29 16:19:37

આરબીઆઈએ બેંકિંગ અને ધિરાણ ક્ષેત્રમાં લાગુ કર્યા નવા નિયમો, એક એપ્રિલથી અમલમાં આવશે

ભારતીય રિઝર્વ બેંકે  દેશના બેંકિંગ અને ધિરાણ ક્ષેત્રોમાં પારદર્શિતા લાવવા માટે નવા નિયમોની જાહેરાત કરી છે. જેમાં બેંક  લોન, CIBIL સ્કોર્સ અને બેંક ખાતામાં  નોમિની સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફારો 1 એપ્રિલથી તબક્કાવાર લાગુ થશે.

2026-03-29 16:10:16

પાકિસ્તાનમાં સ્માર્ટ લોકડાઉન જાહેર

ઈરાન યુદ્ધે દુનિયાને હલાવી નાખી છે, જેનાથી તેલનું સંકટ ઊભું થયું છે, ત્યારે પાકિસ્તાનની કફોડી હાલત સુધારવા માટે શાહબાઝ સરકારે મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાનમાં આગામી આદેશ સુધી સ્માર્ટ લોકડાઉન જાહેર કર્યું છે અને એની શરુઆત ચોથી એપ્રિલથી શરુ થશે.

2026-03-29 15:54:19

ગુજરાતમાં ઈંધણનો પૂરતો પુરવઠો, કાળાબજાર કરનારા વિરુદ્ધ કડક પગલાં લેવાશે

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પગલે  દેશ સહિત ગુજરાતમાં પણ ઈંધણનો પૂરવઠો ઘટયો છે. જોકે, આ દરમિયાન રાજય સરકાર સતત ઈંધણના પૂરવઠાની સમીક્ષા કરી રહી છે. આ દરમિયાન  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્યમાં હાલ ઈંધણનો પૂરતો પુરવઠો છે. તેમજ સરકાર નિયમ મુજબ તેનું વિતરણ પણ કરી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. આ ઉપરાંત રાજ્યમાં ગેસની કાળાબજારી કરી રહેલા તત્વોને પણ ચીમકી આપી છે અને કહ્યું છે સરકાર કાળાબજાર કરનારા વિરુદ્ધ કડક પગલાં લેશે.

2026-03-29 15:25:04

મમતા બેનર્જીએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું ભાજપ સત્તામાં આવશે તો લોકો માંસાહાર નહિ ખાઇ શકે

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. જેમાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ વતી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રચારની શરૂઆત કરી છે. તેમણે પુરુલિયામાં જનસભાને  સંબોધિત કરતી વખતે  ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમજ કહ્યું હતું કે  જો ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવશે  તો લોકો માંસાહારી ખોરાક નહીં ખાઈ શકશે. આ ઉપરાંત એમ  પણ કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોમાં રમખાણો થાય છે અને  આદિવાસીઓનું શોષણ થાય છે તેમજ  મહિલાઓ પર હુમલા થાય છે.

2026-03-29 15:00:56

રશિયાએ 3,000થી વધુ કર્યાં હુમલાઃ યુક્રેનનો દાવો

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ છેલ્લા અઠવાડિયાથી સૌથી વધુ ઘાતક હુમલા શરુ કર્યા છે. યુક્રેને દાવો કર્યો છે કે ફક્ત એક સપ્તાહમાં રશિયાએ 3,000થી વધુ ડ્રોન, 1,450 ગાઈડેડ બોમ્બ અને 40 મિસાઈલથી હુમલા કર્યા છે.

2026-03-29 08:51:23

ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકામાં જ વિરોધ પ્રદર્શન

ટ્રમ્પની સામે અમેરિકામાં જ આક્રોશ ફાટી નીકળ્યો છે.  'નો કિંગ્સ'  ચળવળ હેઠળ અમેરિકાના તમામ 50 રાજ્યોમાં 3,300 થી વધુ સ્થળોએ વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં અંદાજે 80 લાખથી વધુ લોકો આ પ્રદર્શનમાં જોડાયા હોવાના અહેવાલ છે.

2026-03-29 08:37:14

ઈરાન યુદ્ધમાં હુતીઓની એન્ટ્રી

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે યમનના હુતી વિદ્રોહીઓ પણ સત્તાવાર રીતે કૂદી પડ્યા છે. હુતી વિદ્રોહીઓએ ઈઝરાયલના સંવેદનશીલ સૈન્ય વિસ્તારોને નિશાન બનાવીને બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે હુમલો કર્યો હોવાના અહેવાકલ છે.  જોકે, ઈઝરાયલના સંરક્ષણ દળોએ દાવો કર્યો છે કે યમન તરફથી આવતી મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવી હતી, જેના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી.