Sat Jul 11 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:11 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-11 08:31:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-11 22:09:28

258 રનના લક્ષ્યાંકના બોજ નીચે ભારતે ગુમાવી બે વિકેટ, સૅમસન સસ્તામાં આઉટ

ઇંગ્લૅન્ડે છેલ્લી ટી-20માં ભારતને 258 રનનો જે તોતિંગ લક્ષ્યાંક આપ્યો છે એના બોજ તળે દબાઈ ગયેલી ટીમ ઇન્ડિયાએ પંચાવન રનમાં બે વિકેટ ગુમાવી દીધી. અભિષેક શર્મા ફક્ત ત્રણ રન બનાવીને જોફ્રા આર્ચરને વિકેટ આપી બેઠો ત્યાર બાદ સંજુ સૅમસને 14 બૉલમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 27 રન બનાવ્યા બાદ સૅમ કરૅનના બૉલમાં વિકેટ ગુમાવી હતી. વૈભવ સૂર્યવંશીના સ્થાને સૅમસનને ફરી ટીમમાં સ્થાન અપાયું, પણ તે લાંબી ઇનિંગ્સ ન રમી શક્યો. ઇંગ્લૅન્ડના 3/257ના સ્કોરમાં જૉસ બટલર (131 રન, 64 બૉલ, આઠ સિક્સર, બાર ફોર) અને કૅપ્ટન હૅરી બ્રૂક (95 અણનમ, 45 બૉલ, આઠ સિક્સર, ચાર ફોર) વચ્ચેની બીજી વિકેટ માટેની 233 રનની ભાગીદારી સામેલ હતી.

2026-07-11 22:03:05

1982માં ચેલ્સી ફૂટબૉલ ક્લબને એક પાઉન્ડમાં ખરીદનાર કેન બેટ્સનું નિધન

વિશ્વવિખ્યાત ચેલ્સી ફૂટબૉલ ક્લબને 1982ની સાલમાં ફક્ત એક પાઉન્ડમાં ખરીદનાર આ ક્લબના ભૂતપૂર્વ માલિક કેન બેટ્સનું 94 વર્ષની વયે અવસાન થયું છે. 1982માં આ ક્લબ પ્રચંડ દેવામાં ડૂબેલી હતી અને ફૂટબૉલની સ્પર્ધામાં એની ટીમ ખૂબ ખરાબ હાલતમાં ત્યારે કેન બેટ્સે એક પાઉન્ડમાં ખરીદીને મોટા પાયે રોકાણ કર્યું હતું અને આ ક્લબને ફરી સક્રિય બનાવીને ટોચની ક્લબોમાં લાવીને મૂકી દીધી હતી તેમ જ ટીમને મોટી ટ્રોફીઓ અપાવવામાં પણ માલિક અને માર્ગદર્શક તરીકે તેમની મહત્ત્વની ભૂમિકા હતી.

2026-07-11 21:47:02

ભારતની તીરંદાજ પ્રીથિકાએ વિશ્વની 11મા ક્રમની પ્લેયરને હરાવી

સ્પેનના મૅડ્રિડમાં આયોજિત આર્ચરી વર્લ્ડ કપના ચોથા તબક્કામાં ભારતની ટીનેજ તીરંદાજ પ્રીથિકા પ્રદીપે તૂર્કીની વર્લ્ડ નંબર-ઇલેવન હૅઝલ બુરુનને હરાવીને બ્રૉન્ઝ મેડલ જીતી હતી. વિશ્વ કપમાં આ તેનો પ્રથમ મેડલ છે. 17 વર્ષની પ્રીથિકાએ આ અગાઉ કમ્પાઉન્ડ ટીમ સ્પર્ધામાં ભારતીય ટીમને સિલ્વર મેડલ અપાવવામાં મોટું યોગદાન આપ્યું હતું.

 

2026-07-11 21:37:53

ઇંગ્લૅન્ડના 3/257ઃ બ્રૂક-બટલરને લીધે ભારત કદાચ નંબર-વન રૅન્ક ગુમાવશે

સધમ્પ્ટનમાં સિરીઝની પાંચમી અને અંતિમ ટી-20માં ઇંગ્લૅન્ડે ભારતને મોટી મુસીબતમાં મૂકી દીધું છે. બ્રિટિશ ટીમે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં ત્રણ વિકેટે 257 રન બનાવીને ભારતને 258 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો છે. વિકેટકીપર જૉસ બટલર (131 રન, 64 બૉલ, આઠ સિક્સર, બાર ફોર) અને કૅપ્ટન હૅરી બ્રૂક (95 અણનમ, 45 બૉલ, આઠ સિક્સર, ચાર ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 233 રનની વિક્રમજનક ભાગીદારી થઈ હતી. આ પાર્ટનરશિપ ભારતને ભારે પડી શકે. જો ભારત આ મૅચ પણ હારશે તો 0-4ના વાઇટવૉશ સાથે ટી-20માં વર્લ્ડ નંબર-વનની રૅન્ક ગુમાવી દેશે અને ઇંગ્લૅન્ડ સર્વોપરિ થઈ જશે. ભારતીય બોલર્સમાં શિવમ દુબેએ બાવીસ રનમાં બે વિકેટ અને 38 રનમાં એક વિકેટ લીધી હતી. સ્પિનર અક્ષર પટેલને 63 રનમાં અને પેસ બોલર પ્રિન્સ યાદવને 60 રનમાં વિકેટ નહોતી મળી.

2026-07-11 19:27:17

ભારતે ફીલ્ડિંગ પસંદ કરીઃ વૈભવ આઉટ, સૅમસનનું કમબૅક

ભારતીય ખેલાડીઓ સધમ્પ્ટનના ટ્રાફિકમાં ફસાઈ જવાને કારણે સ્ટેડિયમ પર મોડા પહોંચ્યા હતા અને ટૉસ વિલંબમાં મુકાયા બાદ છેવટે સિક્કો ઉછાળવામાં આવ્યો હતો. બ્રિટિશ કૅપ્ટન હૅરી બ્રૂકે સિક્કો ઉછાળ્યો હતો, શ્રેયસે હેડ્સનો કૉલ આપ્યો હતો અને હેડ્સ પડતાં તેણે ફીલ્ડિંગ પસંદ કરી હતી. ડેબ્યૂ મૅચમાં 14 રન બનાવ્યા બાદ બે મૅચમાં અનુક્રમે માત્ર 13 અને 15 રન બનાવી શકનાર લેફ્ટ-હૅન્ડ ઓપનર વૈભવ સૂર્યવંશીને આ મૅચની ટીમમાં નથી સમાવવામાં આવ્યો. તેના સ્થાને ફરી સંજુ સૅમસનને ઇલેવનમાં સામેલ કરાયો છે. વૉશિંગ્ટન સુંદરના સ્થાને સૂર્યાંશ શેડગેને ટીમમાં સ્થાન અપાયું છે. 3-0થી સિરીઝ જીતી ચૂકેલી ઇંગ્લૅન્ડની ટીમમાં રેહાન અહમદના સ્થાને લિઆમ ડૉસનને ઇલેવનમાં સ્થાન અપાવ્યું છે.

2026-07-11 19:15:42

ટૉસ સવાસાતે, મૅચ સાડાસાતથીઃ સૅમસને ફરી પ્રૅક્ટિસ શરૂ કરી!

સધમ્પ્ટન શહેરના ટ્રાફિકમાં ફસાયા બાદ ભારતીય ખેલાડીઓ સ્ટેડિયમમાં મોડા પહોંચ્યા હતા અને આવ્યા બાદ તેમણે હળવી પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી. જાહેરાત મુજબ ટૉસ 7.15 વાગ્યે રાખવાનું નક્કી થયું હતું અને મૅચ 7.30 વાગ્યે (પૂરી 20-20 ઓવર) શરૂ કરવામાં આવશે એવી જાહેરાત થઈ હતી. દરમ્યાન, રાઇટ-હૅન્ડ ઓપનર સંજુ સૅમસન ફરી પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ટીમમાં થોડા ફેરફાર કરાશે અને સૅમસનને કદાચ ફરી મોકો અપાશે.

2026-07-11 15:22:17

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓ ભરેલી બોટ ડૂબી, 15ના મોતઃ સૂત્રો

વિયેતનામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ભારતીય પ્રવાસીઓથી ભરેલી એક બોટ ડૂબી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ભારતીય દુતાવાસ દ્વારા પણ સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. અત્યારે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે ભારતીય દુતાવાસ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયાં છે. જો કે, આંકડો વધી શકે તેવી શક્યતા હોવાનું પણ સ્થાનિક મીડિયાએ જણાવ્યું છે.

2026-07-11 13:00:19

ડાયાબિટીસ, હાર્ટએટેક સહિતની 39 જેટલી આવશ્યક દવાઓ થશે સસ્તી

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ 39 નવી  દવા ફોર્મ્યુલેશનના છૂટક ભાવ નક્કી કર્યા છે. આ ફોર્મ્યુલેશનમાં હાયપરટેન્શન, ડાયાબિટીસ, HIV, હૃદય રોગ અને આંખના ચેપની સારવાર માટે વપરાતી દવાઓ સહિત વિવિધ પ્રકારની દવાઓનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ્ય દર્દીઓ માટે દવા વધુ સસ્તી બનાવવાનો છે.

2026-07-11 11:06:49

જૂનાગઢના મજેવડી નજીક બનાસકાંઠાના પરિવારની કાર ટ્રકમાં ઘૂસી જતાં 4 લોકોના મોત

જૂનાગઢ નજીક આવેલા મજેવડી ગામ પાસે ફોર-ટ્રેક હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રસ્તાની બાજુમાં ઉભેલા એક ટ્રક સાથે અર્ટીગા કાર ધડાકાભેર ઘૂસી જતાં ઘટનાસ્થળે જ 4 લોકોના મોત નીપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાનો એક પરિવાર પોતાની અર્ટિગા કારમાં સોમનાથ ખાતે અસ્થિ વિસર્જનની વિધિ કરવા માટે જઈ રહ્યો હતો. મજેવડી ગામ નજીકા હાઈવે પરથી પસાર થતા સમયે ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તા પર બંધ હાલતમાં ઊભેલા એક ટ્રકમાં ઘૂસી ગઈ હતી.

2026-07-11 09:49:44

જૂનાગઢમાં સિંહે 12 વર્ષના બાળકનો કર્યો શિકાર

સૌરાષ્ટ્રમાં સાવજના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર 50 પગથિયેથી 12 વર્ષીય બાળકને સિંહ ઉપાડી ગયો હતો. જંગલમાંથી બાળકનાં પગના અવશેષ મળ્યા હતા. વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

2026-07-11 09:37:56

પૂર્વ એશિયા પર સુપર ટાયફૂન બાવીનું સંકટ, તાઈવાન-જાપાન-ચીનમાં હાઈ એલર્ટ

પ્રશાંત મહાસાગરમાં ઉદ્ભવેલું શક્તિશાળી સુપર ટાયફૂન ‘બાવી’ પૂર્વ એશિયાના તાઈવાન, જાપાન અને ચીન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું તાઈવાનના ઉત્તરીય ભાગ પાસેથી પસાર થઈ ચીનના પૂર્વ કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સત્તાવાળાઓએ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે શાળાઓ બંધ, ફ્લાઇટો રદ અને દરિયાઈ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.

2026-07-11 08:31:47

વિશ્વ પટલ પર ગુંજ્યું ભારતનું નામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડથી દુનિયાને આપ્યું પ્રગતિનું નવું વિઝન

ભારત અને ન્યૂઝીલેન્ડે દરિયાઈ સહયોગ વધારવા માટે એક નવું 'મેરીટાઇમ કોઓપરેશન અરેન્જમેન્ટ' અને 'મ્યુચ્યુઅલ લોજિસ્ટિક સપોર્ટ અરેન્જમેન્ટ' કર્યું છે. બંને દેશો હવે દર વર્ષે 'મેરીટાઇમ સિક્યુરિટી ડાયલોગ' કરશે અને સંરક્ષણ મંત્રાલય સ્તરે નિયમિત સંપર્ક જાળવી રાખશે. બંને વડાપ્રધાનોએ આતંકવાદ વિરોધી કાર્યવાહી અને સાયબર સુરક્ષા પર પણ સહયોગ ચાલુ રાખવાનો ભરોસો આપ્યો અને પ્રાદેશિક મંચો પર ગાઢ ભાગીદારીની વાત કહી.