૨૦૨૬-૨૭ના પાલિકાના બજેટને મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના ૨૦૨૬-૨૭ના આર્થિક વર્ષના બજેટને સોમવારે સ્થાયી સમિતિમાં મંજૂરી આપવામાં આવી હતી. આ દરમ્યાન સ્થાયી સમિતિને ૮૦૦ કરોડ રૂપિયાનું ડેવલપમેન્ટ ફંડ પણ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યું હતું. જોકે કયા પક્ષને કેટલા પ્રમાણમાં ભંડોળની વહેંચણી કરવામાં આવશે તે બાબતે સ્થાયી સમિતિ અધ્યક્ષે મૌન સેવ્યું હતું.
મુંબઈ મહાનગરપાલિકાના ૨૦૨૬-૨૭ના બજેટ પર છેલ્લા અનેક દિવસોથી સ્થાયી સમિતિમાં ચર્ચા ચાલી રહી હતી. છેવટે સોમવારે તેને મંજૂરી કરવામાં આવ્યું હતું. હવે ૯ એપ્રિલના પાલિકાની સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવશે અને તેના પર ચર્ચા બાદ સામાન્ય સભાની મંજૂરી મળશે.
મુંબઈ મહાનગરપાલિકાના નિયમ અનુસાર સ્થાયી સમિતિને દર વર્ષે બજેટ મંજૂર કરવા પહેલા પ્રશાસન મારફત ડેવલપમેન્ટ ફંડ ઉપલબ્ધ કરી આપવામાં આવે છે. અત્યાર સુધી ૫૦૦થી ૬૦ કરોડ રૂપિયા સુધીનું ભંડોળ ઉપલબ્ધ કરી આપવામાં આવતું હતું. જોકે આ વખતે પ્રશાસને આ રકમમાં મોટો વધારો કર્યો હોઈ સ્થાયી સમિતિને ૮૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેથી આ ભંડોળની વહેંચણી કેવી રીતે કરવી તેનો નિર્ણય સ્થાયી સમિતિના અધ્યક્ષના રૂપમાં સત્તાધારી ભાજપ અને શિંદેસેના હાથમાં હોવાનું માનવામાં આવે છે.
આ બાબતે સ્થાયી સમિતિ અધ્યક્ષ પ્રભાકર શિંદેએ જણાવ્યું હતું મુંબઈના દરેક નગરસેવકને એક કરોડ રૂપિયાનું ડેવપલમેન્ટ ફંડ આપવામાં આવશે. એ હિસાબે મુંબઈના ૨૨૭ ચૂંટાયેલા નગરસેવક અને ૧૦ નોમિનેટેડ એમ કુલ ૨૩૭ નગરસેવકોને એક-એક કરોડ રૂપિયા મળશે. તો બાકીના ૪૬૩ કરોડ રૂપિયામાંથી મેયરને ૧૦૦થી ૧૫૦ કરોડ રૂપિયાનુંં ભંડોળ મળવાની શક્યતા છે. આ ભંડોળ કોને આપવું તેનો નિર્ણય મેયર લેશે. તો સ્થાયી સમિતિના અધ્યક્ષ પાસે હજી ૩૧૩ કરોડ રૂપિયાની રકમ બાકી રહેશે, જેમાંથી કયા પક્ષને કેટલું ભંડોળ આપવામાં આવશે એ બાબતે સ્થાયી સમિતિ અધ્યક્ષે કોઈ ફોડ પાડ્યો નહોતો પણ જે નગરસેવકોએ પત્ર લખીને તેમના વિસ્તારમાં વિકાસ માટે ભંડોળ ફાળવવાની માગણી કરી છે, તેમને આ ભંડોળ આપવામાં આવશે એવું તેમણે કહ્યું હતું.
વિરોધપક્ષને ભંડોળ ઓછું મળશે
મુંબઈ મહાનગરપાલિકામાં ૨૦૧૭થી ૨૦૨૨ દરમ્યાન ઠાકરેની શિવસેનાની સત્તા હતી ત્યારે ઠાકરેની શિવસેનાએ ભાજપને ઓછું ભંડોળ આપ્યું હતું. તેથી ભાજપ તેનો બદલો જરૂરથી લેશે એવું માનવામાં આવે છે. તેથી આ વર્ષે ઠાકરેની શિવસેના સહિત કૉંગ્રેસને એકદમ ઓછું ભંડોળ મળે એવી શક્યતા છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ પાસે રહેલા ૩૧૩ કરોડ રૂપિયામાંથી માંડ ૭૦થી ૮૦ કરોડ રૂપિયા ઠાકરેસેના, કૉંગ્રેસ, એઆઈએમઆઈએમ અને સમાજવાદી પાર્ટીને મળવાની શકયતા છે.