Tue May 26 2026

Logo

મુંબઈમાં BMC હેડક્વાર્ટર્સ સામે બનશે ભવ્ય ટાઉનહોલ: પ્રસ્તાવને આપી મંજૂરી

2026-05-26 15:07:43
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: છેલ્લા બે મહિનાથી અભરાઈ પર ચઢેલા ટાઉનહોલ બનાવવાના પ્રસ્તાવને આખરે પાલિકાએ મંજૂરીની મહોર મારી છે. મુંબઈ મહાનગર પાલિકા (BMC)ના હેડક્વાર્ટર્સની બિલ્ડિંગ સામે હવે એક ભવ્ય અને અત્યાધુનિક ટાઉનહોલ હશે. છેલ્લા લગભગ 2 મહિના બાદ ભાજપે મુંબઈ મહાનગર પાલિકાના નવા પ્રસ્તાવને સિવિક બોડી હેડ ક્વાર્ટર્સની સામે ટાઉનહોલ બનાવવા મંજૂરી આપી છે, જેમાં 237 કોર્પોરેટરનો સમાવેશ થઇ શકે એવી ડિઝાઇન તૈયાર કરવામાં આવશે.

પાલિકાના વરિષ્ઠ અધિકારીઓના કહેવા મુજબ 300 બેઠકની ક્ષમતાવાળું નવું ઉચ્ચતમ હાઉસ બનાવવાનો પ્રોજેક્ટ નક્કી કરવામાં આવ્યો છે. આ નવા પ્રોજેક્ટને BMC હેડક્વાર્ટર્સના આર્કિટેકચરની ભવ્યતાને જાળવી રાખીને બનાવવામાં આવશે. આ પ્લોટ 950 ચો.મી છે. આ નવા સ્ટ્રકચરમાં જિમ ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવશે, જેમાં ઉત્કૃષ્ટ છતાં મોટી ભવ્ય દીવાલો અને જિલ્લાના વારસાનું પ્રદર્શન કરતી મૂર્તિઓ પણ  બનાવવામાં આવશે.

ભાજપનું નેતૃત્વ કરનારા અધિકારી ગણેશ ખાંકરેએ જણાવ્યું હતું કે અમારા માટે આ પ્રોજેક્ટ ખૂબ મહત્ત્વનો છે. હાલના પાલિકાના ગૃહમાં જગ્યાના અભાવે તેઓ નવા હાઉસનું નિર્માણ કરાવી રહ્યા છે અને એનો ઉદ્દેશ ઉત્તમ પાલિકા હાઉસ બને તે મહત્વનું છે.

પાલિકાના અધિકારીઓના અહેવાલ મુજબ જુદા જુદા ચાર તબક્કામાં આ નિર્માણકાર્ય પૂર્ણ કરવામાં આવશે, જેમાં 70-90 વાહનોની ક્ષમતાવાળું બેઝમેન્ટ અને પોડિયમ પાર્કિંગ યોગ્ય ઊંચાઈના દરે બનાવવામાં આવશે. બિલ્ડિંગની ઊંચાઈ 32મીથી વધુ હશે નહિ, જ્યારે નીચેના માળની ઊંચાઈને ધ્યાનમાં રાખીને પાર્કિંગ તેમ જ અન્ય ઘરો, ઓફિસ, જિમ બનાવવામાં આવશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ અંતર્ગત મેયર, મ્યુનિસિપલ કમિશનર, એડિશનલ મ્યુનિસિપલ કમિશનરને પાર્ટી ઓફિસ અને વહીવટી સંસ્થાનોથી નજીક અલગથી ચેમ્બરો આપવામાં આવશે.

પાલિકાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અગાઉંના પ્રસ્તાવમાં પ્રવાસનને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું, પણ કોર્પોરેટરને મિટિંગ માટેની જગ્યા અને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રકચર જરૂરી છે. સામાન્ય વસાહતો કરતા આ બાંધકામ અલગ હોવાથી પાલિકાના એન્જિનિયર માટે એક પડકાર સાબિત થશે, જેથી માળખાલક્ષી ડિઝાઇન જરૂરી છે એવું અધિકારીઓએ કહ્યું હતું.