- પ્રફુલ શાહ
મોરિશિયસ 2,040 ચો. કિ.મી. જેટલી જમીન ધરાવે છે. આ વિસ્તાર નાનોસુનો ન કહેવાય, પરંતુ દુનિયાનો લગભગ આ સાઇઝનો એક એવો વિસ્તાર છે જેને કોઈ દેશ પોતાનો કરવા કે કહેવા જ તૈયાર નથી, બોલો!
દુનિયાભરના અનેક દેશો એક-એક ઇંચ જમીન માટે વર્ષોના વર્ષો લોહી વહાવતા રહે છે, પરંતુ ઉત્તર આફ્રિકામાં એક રણપ્રદેશ બાબતે એકદમ ઊલટી ગંગા વહે છે. કોઈ દેશ જેનો માલિક બનવા તૈયાર નથી એવો પ્રદેશ છે બીર તાવિલ (Bir Tawil). હા, આ ઈજિપ્ત અને સુદાનની વચ્ચે આવેલો આશરે 2,060 ચોરસ કિલોમીટરનો ઉજ્જડ રણવિસ્તાર છે.
આ નધણિયાતા વિસ્તારના મૂળ સવા બસો વર્ષ અગાઉ રોપાયા હતા. કહી શકાય કે આ બે સરહદો એ એક વિચિત્ર પરિણામનો કિસ્સો છે. બીર તાવિલનો આખો મામલો બ્રિટિશ શાસનના સમયની બે અલગ-અલગ સરહદી રેખાઓથી શરૂ થયો હતો.
શરૂઆત થઈ 1899માં. બ્રિટિશોએ ઈજિપ્ત અને સુદાન વચ્ચે એક સરહદ નક્કી કરી હતી, પણ 1902માં સ્થાનિક વહીવટી સુવિધા માટે બીજી રેખા દોરવામાં આવી હતી.
આ બે રેખાઓના ફળસ્વરૂપે એક વિચિત્ર ભૂગોળીય ગૂંચવણ સર્જાઈ હતી. હવે જો ઈજિપ્ત 1899ની સરહદ સ્વીકારે, તો તેને ઉત્તરમાં આવેલો કિંમતી હલાયેબ ટ્રાયેન્ગલ મળે અને બીર તાવિલ બહાર રહી જાય છે.
જો સુદાન 1902ની સરહદ સ્વીકારે તો હલાયેબ વિસ્તાર સુદાનના દાવામાં આવે છે અને બીર તાવિલ તેની બહાર રહી જાય છે.
સ્વાભાવિક છે કે બંને દેશો કોઈ પણ રીતે હલાયેબ ટ્રાયેન્ગલ પર પોતાનો દાવો છોડવા જ માગતા નહોતા. આના પરિણામે બંને દેશો બીર તાવિલ પર દાવો કરવાનું ટાળતા આવ્યા છે.
આ દાવો ન કરવામાં કઈ ગુમાવવા જેવું ઈજિપ્ત કે સુદાનને લાગ્યું નથી. બીર તાવિલ મોટાભાગે રણપ્રદેશ છે. આથી અહીં કાયમી વસાહત, મોટું શહેર કે કોઈ આધુનિક માળખું નથી. ભુલાભટક્યા પશુપાલકો ક્યારેક આ વિસ્તારમાંથી પસાર થાય છે. આ લાલ સમુદ્રની નજીક એક રણ વિસ્તાર છે. અહીં ખૂબ સૂકા અને ગરમ પવન ફૂંકાય છે. દૂર અને દૂર આ નિર્જન ભૂમિ પર પાણી અને વનસ્પતિનો પણ કોઈ પત્તો નથી. તેથી અહીં ટકી રહેવું સહેલું નથી. કેટલાક લોકો આ રણમાં તેલ અને સોનાનો ભંડાર હોવાની વાત કરે છે. આ હોવા છતાં, કોઈ અહીં આવવા માગતું નથી
જોકે ભૌગોલિક સ્થિતિને લીધે બીર તાવિલ વિશ્વના રાજકીય-ભૌગોલિક કૌતુકોમાંનું એક બનીને રહી ગયું છે. હકીકત તો એ છે કે આ નકશા, વસાહતી ઇતિહાસ, સરહદો અને આંતરરાષ્ટ્રીય રાજકારણની અનોખી દાસ્તાન છે.
ટેક્નિકલી નધણિયાતા બીર તાવિલે અનેક સાહસિકો અને કલ્પનાશીલ લોકોને પણ આકર્ષ્યા છે. આ સ્થળે નવો દેશ બનાવવાની કોશિશ પણ થઈ છે. અમુક લોકોએ અહીંની જમીનમાં ધ્વજ લગાવીને એને પોતાનું રાજ્ય અથવા રાષ્ટ્ર ય જાહેર કરી દીધું.
આ બધામાં સૌથી જાણીતો કિસ્સો છે એક અમેરિકન નાગરિકનો. આ જેરેમિયા હીટને 2014માં તે બીર તાવિલ પહોંચીને પોતાની પુત્રી માટે આ વિસ્તારને ‘કિંગડમ ઓફ નોર્થ સુદાન’ જાહેર કરી દીધો હતો. એટલું જ નહિ, તેણે પોતાની દીકરીને નવા દેશની રાજકુમારી તરીકે ઓળખાવવાનો પ્રયાસ કર્યો હતો.
અહીં એક મહત્ત્વની વાત સમજી લેવાની ખાસ જરૂર છે. કોઈ સ્થળે માત્ર ધ્વજ લગાવી દેવાથી કે પોતાને રાજા જાહેર કરી દેવાથી કોઈ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ દેશનો માલિક બની શકતો નથી. આ મામલામા આવા કોઈ દાવાને ઈજિપ્ત, સુદાન કે સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ માન્યતા આપવી જોઈએ જે નથી થયું.
આપણા એક ભારતીય પણ આ અનોખી નિર્જન ભૂમિનો ‘શાસક’ બન્યો હતો. એક ઇન્દોરવાસીએ 2017માં પોતાને અહિનો સ્થાનનો શાસક જાહેર કરી દીધો હતો. સુયશ દીક્ષિત નામના બહાદુરે આ જગ્યાને ‘કિંગડમ ઓફ દીક્ષિત’ નામ આપ્યું હતું. ઉપરાંત તેની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
બીર તાવિલ પર ઈજિપ્ત અને સુદાનનો સત્તાવાર દાવો નથી, પરંતુ એટલે કોઈ પણ ત્યાં જઈને રમતવાતમાં પોતાનો દેશ સ્થાપી ન શકે. આમેય બીર તાવિલનો માલિક બનવું કોઈને ખાસ લાભ આપતું નથી, જ્યારે તેના પડોશનો હલાયેબ વિસ્તાર વ્યૂહાત્મક અને આર્થિક રીતે વધારે મહત્ત્વનો છે.
એક અદ્ભુત ભૂગોળીય વિરોધાભાસ બીર તાવિલની સૌથી રસપ્રદ વાત કદાચ એ છે કે અહીંની જમીન કરતાં તેની આસપાસની રાજકીય સરહદો વધારે મહત્ત્વની છે. આ હલાયેબ વિસ્તાર શા માટે મહત્ત્વનો છે?
(ક્રમશ:)